કલાના અનન્ય ઉપાસક – મૃગેશ શાહ
સમાજમાં ક્યારેક એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિને રોજગારીની સમસ્યા હોય તો એ માટે સ્વૈચ્છિક સંગઠનો કે સંસ્થાઓ તેને પૂરતી મદદ પૂરી પાડે છે. ક્યારેક કોઈને વ્યક્તિગત મદદ પણ મળી રહેતી હોય છે. ઘણી સંસ્થાઓ એવી છે જે આ માટે આવકનું સાધન પૂરું પાડવાનું કાર્ય કરતી હોય છે. જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈ યોજના અંતર્ગત સિલાઈ માટે સંચો કે શાકભાજીની લારી અથવા અન્ય કોઈ આવકનું સાધન મેળવી આપવામાં આવે છે. પરંતુ કોઈ વ્યક્તિને પોતાની કલાના વિકાસમાં મદદની જરૂરત હોય તો એ તેને ભાગ્યે જ મળી રહે છે ! રેંકડી મેળવી આપનાર મળી રહે છે પણ સિતાર ખરીદવામાં કલાના ઉપાસકને ક્યારેક ભારે સંઘર્ષ કરવો પડતો હોય છે. એ જ બાબત રમતગમતના સાધનો કે ટ્રેનિંગ માટેની છે. ક્યારેક તો સાધનોના અભાવે કલાનો વિકાસ રુંધાતો હોય એવું નજરે પડે છે. આ પ્રકારના કારણોને લીધે, લાંબાગાળે રાષ્ટ્રને એક પ્રતિભાશાળી વ્યક્તિ ગુમાવ્યાની ખોટ જાય છે અને આ એવી ખોટ છે જે નફા-નુકશાનના માપદંડોથી માપી શકાતી નથી.
કંઈક આવી જ વાત વડોદરાના કશ્યપભાઈની છે. (નામ બદલ્યું છે.) નાનપણથી શરૂ થયેલો લેખન-વાંચનનો શોખ એમને આર્ટ્સ વિદ્યાશાખા તરફ દોરી ગયો. તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન (ફીલોસોફી) સાથે તેમણે એમ.એ ફર્સ્ટ કલાસ કર્યું. અભ્યાસ બાદ મનમાં એવી ઈચ્છા થઈ કે વિદ્યાર્થીઓને ખૂબ ઉત્તમ રીતે તત્વજ્ઞાન ભણાવવું છે પરંતુ નસીબજોગે તત્વજ્ઞાન વિષય લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટવા લાગી. પરિણામે કલાની અભિવ્યક્તિનો મોકો મળે તે પહેલાં જ પૂર્ણવિરામ મુકાઈ ગયું ! ખૂબ ઓછા વિદ્યાર્થીઓને ભણાવવાનું હોઈને કોઈ યુનિવર્સિટી તેમને કાયમી ધોરણે રાખવા તૈયાર ન થઈ. જ્યાં થોડુંગણું કામ મળતું હતું ત્યાં પણ લાગવગશાહીના જોરે તેમને પગ મૂકવા દેવામાં ન આવ્યો.
ભારતીય તત્વદર્શન, સમાજ અને વ્યક્તિગત ઉન્નત જીવન માટેના પોતાના વિચારો વ્યક્ત કરવા માટે તેઓ હાર્યા વગર સતત માર્ગ શોધતા રહ્યા. છેવટે કેટલાક લેખો તૈયાર કરીને અમુક સામાયિકો અને અખબારોમાં મોકલવાનું શરૂ કર્યું. મનમાં એક દ્રઢ સંકલ્પ હતો કે વિચારોની પ્રક્રિયાને કદી બંધ ન પડવા દેવી અને ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢવા સતત કોશિશ કરતા રહેવું. તેમની આ મહેનતને થોડું બળ મળ્યું. અખબારોમાં પ્રકાશિત થયેલા કેટલાક લેખો વાંચીને નાની-મોટી સંસ્થાઓ તરફથી તેમને વ્યાખ્યાતા તરીકે બોલાવવામાં આવ્યા. હજુ આજે પણ કેટલીક સંસ્થાઓ તેમને આ માટે નિમંત્રિત કરે છે. પોતાના વાંચન, ચિંતન અને મનન દ્વારા સમાજને કશુંક નવું આપવાની અદમ્ય ઈચ્છા સાથે તેઓ સતત કંઈક નવું વિચારતા રહે છે.
વધુ આગળ વાંચો »
વિસલખાડીનાં સંસ્મરણો – પ્રવીણ કે. શાહ
[ડૉ. પ્રવીણભાઈના અનેક સુંદર લેખોથી આપણે પરીચિત છીએ. તેમના ઘણા લેખો આપણે અહીં માણ્યા છે. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં તેઓ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ)માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે કરેલા એક સુંદર પ્રવાસનો લેખ અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]
જંગલો, ડુંગરા, ખીણ, સરોવર – આ બધે રખડવાનો આનંદ માણવો હોય તો ગુજરાતમાં જ ઘરઆંગણે ઘણી જગ્યાઓ છે. આવી એક સરસ જગ્યા છે ‘વિસલખાડી’. રાજપીપળાથી નેત્રંગ જવાના રસ્તે, વીસ કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે. રાજપીપળાથી આ રસ્તે, કરજણ નદી પરનો પુલ પસાર કર્યા પછી, રસ્તાની બંને બાજુ જંગલ શરૂ થઈ જાય છે. આ જંગલમાંના વાંકાચૂકા, ઊંચાનીચા રસ્તે જવાનો ઘણો જ આનંદ આવે છે. છેલ્લે એક કિલોમીટર બાકી રહે ત્યારે મુખ્ય રસ્તાની ડાબી બાજુ જંગલ તરફ વળતાં જ ‘વિસલખાડી’નું બોર્ડ નજરે પડે છે. જંગલના આ કાચા, સાંકડા, ઊંચાનીચા રસ્તે એક બાજુ ડુંગર અને બીજી બાજુ કરજણ નદીના બંધનું ક્યાંક ક્યાંક ભરાયેલું પાણી બહુ જ સુંદર દશ્ય સર્જે છે. આ રસ્તે ગાડી ચલાવવાની મજા જ કંઈ ઑર છે ! પણ જો કાળજી ના રાખો તો ગયા સમજો ! આ એક કિલોમીટરના ડ્રાઈવિંગ પછી જંગલોની વચ્ચોવચ થોડી ખુલ્લી જગ્યા દશ્યમાન થાય છે. બસ, આ જ વિસલખાડી.

આ ખુલ્લી પણ ઊંચીનીચી જગ્યામાં વનવિભાગે બે કોટેજ બાંધેલા છે. તેમાં કુલ આઠ જણ આરામથી રહી શકે છે. રસોડા તરીકે વપરાય એવી એક રૂમ અલગ બાંધવામાં આવી છે. એક બાજુ છતાવાળા એક મોટા ચોતરા જેવી જગ્યા બનાવવામાં આવી છે, ત્યાં ખુરશીઓ નાંખી બધા સમુહમાં બેસી શકે છે. ખુલ્લી જગ્યામાં છએક તંબુ બાંધવામાં આવ્યા છે. વધુ લોકો અહીં પ્રવાસે આવ્યા હોય અને કોટેજમાં જો જગ્યા ન મળે તો તંબુમાં રાત વિતાવી શકાય છે. વનવિભાગના પાંચેક કર્મચારીઓ અહીં રહે છે, તે સિવાય અહીં કોઈ ગામ નથી, માનવવસ્તી નથી, ચા-નાસ્તા કે પાનબીડીની દુકાન કે એવું કંઈ જ નથી. પાવર સપ્લાય પણ નથી. સોલાર પેનલથી રાત્રે દસ વાગ્યા સુધી લાઈટ ચાલુ રહી શકે. એ પછી ઘોર અંધકાર. ચારે બાજુ જંગલો, એક બાજુ કોટેજની નજીક ખીણ અને ખીણના ઢોળાવ પછી કરજણ નદીના બંધથી ભરાયેલું સરોવર. સર્વત્ર કુદરતે વેરેલું સૌન્દર્ય. આ સૌન્દર્યમાં ઓતપ્રોત થઈ જવાનો આનંદ અવર્ણનીય છે. અહીં મોબાઈલ ટાવર પણ નથી. તેથી અહીં એક-બે દિવસ રહો એટલે જાણે દુનિયાથી દૂર ફક્ત કુદરતના ખોળે હોઈએ તેવું અનુભવી શકાય.
વધુ આગળ વાંચો »
વિજ્ઞાન-અધ્યાત્મ – વિનોબા ભાવે
[વિશેષ નોંધ : પ્રિય વાચકમિત્રો, આમ તો આપ સૌ તમામ લેખો એકાગ્રતાથી જ વાંચતા હશો, આમ છતાં કેટલાક લેખોમાં હું આપની વિશેષ એકાગ્રતા ચાહું છું. આ લેખ તેમાંનો એક છે. ‘આપણે તે વળી ધ્યાન કરવાનો ક્યાં સમય છે ?’ એમ સમજીને કૃપયા આ લેખને એકબાજુ મુકી ન દેશો. ધ્યાનને આપણે ફક્ત અધ્યાત્મિક પ્રક્રિયા તરીકે ગણ્યું છે, જે તેનો ખૂબ સીમિત અર્થ છે. ધ્યાન એટલે આપણે આપણા મનને સ્વસ્થ કરવાની પ્રક્રિયા. એ ખુલ્લી આંખે પણ થઈ શકે છે. અહીં એ અર્થમાં ધ્યાનની વાત કરવામાં આવી છે, જે ખૂબ રસપ્રદ છે. આપણે સૌ સ્વસ્થ જીવનના ચાહક છે અને તેથી મન તેમજ ચિત્તની સ્વસ્થતા અને પ્રસન્નતામાં વધારો કરે એવી બાબતોની આપણી ખોજ સતત રહેવી જોઈએ. આવો, આચાર્ય વિનોબાના શબ્દે આપણે ધ્યાનના અર્થને એક નવા પરિપ્રેક્ષ્યમાં સમજીએ. આ પુસ્તકમાં વિજ્ઞાનનો યર્થાથ ઉપયોગ કરવાની અને અધ્યાત્મને વ્યવહારિક અર્થમાં સમજવાની બાબત પર વિશેષ સમજ આપવામાં આવી છે. પુસ્તક ખરેખર વસાવવા લાયક છે. આ વિચારો આપણા સૌ પરિવારજનો સુધી પહોંચે તે આજના સમયમાં અત્યંત જરૂરી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]
[1] ધ્યાન પ્રક્રિયાની એક રૂપરેખા
ઘણીવાર લોકો મને પૂછે છે કે તમને ધ્યાન કેવી રીતે સધાય છે ? હું કહું છું કે હું આળસું છું એટલા માટે મને ધ્યાન ઝટ સધાય છે. મને થાય છે કે આપણા મનને આપણે ચારેકોર મોકલતા રહીએ છીએ તો તકલીફ થાય છે. એવી તકલીફ શું કામ વહોરી લેવી ? તેથી મારા જેવા આળસુને ધ્યાન સહજ સધાય છે. મનને એકાગ્ર કરવા માટે મારે કાંઈ કરવું નથી પડતું. અનેકાગ્ર કરવા માટે કોશિશ કરવી પડે છે.
મારું કહેવું છે કે આ આળસુપણાની કીંમત જ્યાં સુધી લોકોને નહીં સમજાય, ત્યાં સુધી ધ્યાન સહજ નહીં બને. મનની પાછળ દોડી-દોડીને ખુવાર થતા રહેવાને બદલે મનથી આપણે અલગ છીએ, મન તો આપણું કહ્યાગરું છે, તેની પાસેથી આપણે આપણી મરજી મુજબ કામ લઈ શકીએ છીએ, એ વાતનું ભાન થવું, એ અત્યંત મહત્વનું છે. એક વાર મનથી અલગ થઈ જશો કે ધ્યાન વગેરે સાવ રમત વાત બની જશે. રાગ-દ્વેષ, તીવ્ર ગમા-અણગમા, પૂર્વગ્રહ ને પક્ષપાત, એ બધા મનના ખેલ છે. એટલે મનથી અલગ થવું, એ સાધનાનો આરંભ છે. ત્યારબાદ મનથી ઉપર ઊઠવાનું છે. મનથી અલગ થવું એક વાત છે અને મનથી ઉપર ઊઠવું બીજી વાત છે. હું તો કહીશ કે ધ્યાનની કોશિશ કરવા કરતાંયે મનથી ઉપર ઊઠવું વધારે મહત્વનું છે. મનથી ઉપર ઊઠીશું, ત્યારે પ્રત્યેક વિચાર શાંત બુદ્ધિના સ્તરેથી થશે, અને મન આપણું કહ્યાગરું થઈને વર્તશે.
વધુ આગળ વાંચો »
વસંતરસ – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’
[નવોદિત યુવાસર્જક હિરલબેન (અમદાવાદ) વ્યવસાયે સોફટવેર એન્જિનિયર હોવાની સાથે સાહિત્યક્ષેત્રે કંઈક નવું સર્જન કરતાં રહે છે. તેમની કેટલીક અછાંદસ રચનાઓ આ અગાઉ ‘જનકલ્યાણ’ સામાયિકમાં પણ સ્થાન પામી છે. આજે તેમના એક મનનીય વિચારબિંદુ સાથે કેટલીક અછાંદસ રચનાઓ માણીએ. આપ તેમનો આ સરનામે hiralthaker@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]
[1] યાત્રા : સંઘર્ષથી આનંદ સુધીની….
આપણે ઘણાને કહેતા સાંભળીએ છીએ કે, ‘ભાઈ, મેં મારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, સખત મહેનત કરી છે…’વગેરે…. પરંતુ જરાક ઊંડાણપૂર્વક વિચારીએ તો સમજાય છે કે પ્રત્યેક જીવ સંસારમાં આવે છે ત્યારથી તે સંઘર્ષ તો કરતો જ હોય છે. બાળક પ્રકાશનું પહેલું કિરણ જોવા પામે તે માટે તેણે ખાસ્સા નવ મહિના ગર્ભના અંધકાર સામે સંઘર્ષ કરવો પડતો હોય છે. બાળક બોલતાં ન શીખે ત્યાં સુધી પોતાની વાત માતા સુધી પહોંચાડવા માટે તેણે હાથપગ હલાવીને વાત સમજાવવાનો સંઘર્ષ કરવો પડે છે. ઊભા થવાનું અને ચાલવાનું શીખવા માટે એણે સતત સંઘર્ષ કરવો પડે છે. એ સંઘર્ષ દોડતા થવા સુધી લંબાતો જાય છે..
કહેવાનું તાત્પર્ય એ છે કે સંઘર્ષ કરવામાં કંઈ દુ:ખ કે નાનમ અનુભવવા જેવું નથી. ઘણું ખરું આપણે ઓછી આવકને કારણે થતા સંઘર્ષની કોઈક વાર ફરિયાદ કરતાં હોઈએ છીએ. પરંતુ એક ક્ષણ થોભીને વિચારીએ તો ખ્યાલ આવે છે કે જો કરોડોની મિલકત આમ જ વારસામાં આપણને મળી જાત તો એની કિંમત હોત ખરી ? શું કોઈ વસ્તુ ખરીદતાં પહેલાં આપણે એનો ભાવ પૂછત ખરાં ? શું પેટ્રોલ કેટલા રૂપિયે લિટર છે એની દરકાર રાખત ખરા ? એ રીતે ઘરનું ઘર બનાવવા માટે આપણા પિતાએ તનતોડ મહેનત કરી હશે. ઑવરટાઈમ કરીને ઉજાગરા વેઠ્યા હશે. ઘરનું સપનું સાકાર કરવા માટે મમ્મીએ પાઈ-પાઈની કસર કરી હશે અને ત્યારે જઈને કેટલાય સંઘર્ષ બાદ ઘરનો પાયો નંખાયો હશે. કદાચ એ કારણથી જ જિંદગીના પાછલા વર્ષોમાં તેઓ સંતોષ અને હાશ અનુભવતા હોય છે, કારણ કે તેમણે સંઘર્ષ જોયો છે. કોઈને પોતાના ઘરનું સરનામું આપતા તેઓ ગૌરવથી કહી શકતા હશે કે, અમારે ત્યાં આવજો… આ અમારા ઘરનું સરનામું છે… – અવાજની આ બુલંદીના પાયામાં કેટલાય વર્ષોનો સંઘર્ષ સમાયેલો હોય છે.
વધુ આગળ વાંચો »
બે ગઝલો – સુનીલ આર. ભીમાણી ‘અંગત’
[અભ્યાસે એમ.એસ.સી (ઈલેક્ટ્રોનિક્સ) થયા બાદ વ્યવસાય ક્ષેત્રે શાળામાં આચાર્યની ફરજ બજાવતા શ્રી સુનીલભાઈનો (પોરબંદર) આ સુંદર ગઝલો મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sunil_ratilal@yahoo.com અથવા +91 8140644195 પર સંપર્ક કરી શકો છો.]
[1]
લાખ ઈચ્છાનું દહન કરવું પડ્યું
આંસુઓથી આચમન કરવું પડ્યું
આપને સાદી સમજ દેવા થકી
કેટલું ઊંડું મનન કરવું પડ્યું
મેં મદદ કરવા તને ચાહી હતી
આખરે મારે સહન કરવું પડ્યું
ઓટલા પર બેસવાની લાલચે
કાયમી સરખું ભજન કરવું પડ્યું
આજ ‘અંગત’ મોતની જાણી ખબર
કૈંકને આગમન કરવું પડ્યું.
[2]
આખરે આશા બધી હણવી પડી
જિંદગીને અધ વચે લણવી પડી
કોઈએ ક્યાં હાથ પણ થામ્યો હતો
બીન વારસ લાગણી જણવી પડી
આપમેળે આવડી સૌ ને અહીં
ને અમારે જિંદગી ભણવી પડી
એક તારી લાલસાને કારણે
વેદનાઓ કેટલી ગણવી પડી
કોણ કોના છે અહીં ‘અંગત’ ભલા
એટલે આડશ ઘરમાં ચણવી પડી.
બહાનાઓની વણજાર – ટીના ધીરાવાણી
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નવોદિત યુવા સર્જક ટીનાબેનનો (ડોંબીવલી, થાણે) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tina_dhiravani@yahoo.co.in અથવા આ નંબર પર +91 9920126438 સંપર્ક કરી શકો છો.]
બપોરે શાળાએથી આવતા વેંત જ સોહમ બોલી ઊઠ્યો : ‘શું વાત છે મમ્મી ? આજે આટલી જલ્દી રસોઈ થઈ ગઈ અને કપડાં પણ ધોવાઈ ગયા ? આપણે ક્યાંક બહાર જવાનું છે ?’
‘હા બેટા, આપણે બે દિવસ તારા નાનીને ત્યાં રોકાવા જઈએ છીએ. ચાલ જલ્દી જમીને ફટાફટ તારું લેસન પતાવી દે એટલે પછી આપણે જઈ શકાય.’
મમ્મીની વાત સાંભળીને સોહમનું મોં પડી ગયું. તેર વર્ષના સોહમનું નાનીને ત્યાં જવાનું જરાય મન નહોતું. પરંતુ મમ્મીને સમજાવે કોણ ? વળી, આજે તો લેસન પણ એટલું નહોતું આપ્યું. કલાકમાં તો બધું લેસન પતી જાય. હવે થાય શું ? મમ્મીને શું બહાનું બતાવવું ? – સોહમ બહાના વિચારવા લાગ્યો. થોડુંક વિચારીને એ બોલ્યો : ‘મમ્મી, લેસન કંઈ આટલું જલ્દી થાય ખરું ? જો હું બરાબર કરીને નહીં જઉં તો શાળામાં શિક્ષા થશે. તારી સાથે આવીશ તો કોચિંગના વર્ગમાં પણ નહીં જવાય અને પરીક્ષાઓ નજીક આવી રહી છે. રજાના દિવસોમાં સરસ તૈયારી કરી દઉં ને ? હું તો પપ્પાને દાદી પાસે રહીશ. તું જઈ આવ….’ એમ મીઠાશપૂર્વક કહીને સોહમે મમ્મીને મનાવી લીધી.
આપણે પણ આપણા રોજિંદા જીવનમાં ધ્યાનપૂર્વક વિચારીશું તો ખ્યાલ આવશે કે સોહમની જેમ આપણેય ઘણી વખત બહાના બનાવતાં હોઈએ છીએ. ન ગમતી વસ્તુઓને ટાળવા, અરૂચિકર પ્રસંગોથી દૂર રહેવા કે અણગમતા વ્યક્તિને દૂર રાખવા માટે આપણે આ કળાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. વળી, આ કળા એવી છે કે તે કોઈને શીખવવી નથી પડતી. એને શીખવવાના કંઈ વર્ગો નથી ચાલતા ! નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તે સૌને સ્વયંસિદ્ધ હોય છે. વ્યક્તિ અભણ હોય કે વિદ્વાન, પોતપોતાની બુદ્ધિ અનુસાર સૌ કોઈ કોઈને કોઈ પ્રસંગે બહાના બનાવતા જ હોય છે. જેમ એક વાર મોબાઈલનો ઉપયોગ કર્યા પછી માણસને તેના વગર ચાલતું નથી, એવું બહાનાઓનું પણ છે. એકવાર બહાનું બતાવ્યા પછી જો ધાર્યું કામ પાર પડ્યું તો ખલાસ ! થોડાક સમયમાં તો માણસ બહાના બનાવાવાનો નિષ્ણાંત બની જાય છે !
વધુ આગળ વાંચો »
સ્વાદ-સોડમ – મૃદુલા હિતેનભાઈ ગણાત્રા
[ ‘સ્વાદ-સોડમ’ પુસ્તક ભાગ-1 તેમજ ભાગ-2માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તકો ભેટ મોકલવા માટે મૃદુલાબેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 281 2467109 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] ફણગાવેલા કઠોળની કટલેસ 
સામગ્રી :
મગ 1/2 વાટકી,
મઠ 1/4 વાટકી, ચણા 1/2 વાટકી,
બટેટા 4 નંગ, બ્રેડની સ્લાઈઝ 4 નંગ,
બારીક સમારેલા લીલા મરચા 1 ટેબલ-સ્પુન,
લસણની પેસ્ટ 1 ટેબલ સ્પુન,
મીઠું, લીંબુ, ખાંડ જોઈતા પ્રમાણમાં,
જલજીરા પાવડર 1 ચમચી,
બારીક સમારેલો ફુદીનો તથા કોથમરી 1/2 વાટકી,
તેલ જરૂરિયાત મુજબ.
રીત :
સૌપ્રથમ કઠોળ પલાળીને ફણગાવી લો. હવે બટેટા બાફી છાલ કાઢી તેને મસળીને રાખો. કઠોળ ને પીસીને બટેટા સાથે બાઉલમાં લઈ તેમાં બાકીનો બધો મસાલો/સામગ્રી ઉમેરી મીક્સ કરી લો. હાથેથી કટલેસને વાળો. હાર્ટનો આકાર અથવા લંબગોળ, ગોળ જે ગમે તે આકાર આપો. કટલેસના તૈયાર મોલ્ડ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકાય. ફ્રાયપેનમાં થોડુંક તેલ લઈને કટલેસને બંને બાજુ સાંતળી લો. ગરમ કટલેસ સોસ અથવા ફુદીનાની ચટણી અથવા લીલી ચટણી કે ખજુરની ચટણી કે મીઠી ચટણી સાથે સર્વ કરો. બાળકોને એકલા કઠોળ કે ફણગાવેલા કઠોળ ખાવા ન ગમતા હોય તો આ રીતે કટલેસ કે પરોઠા કે તેવી અલગ વાનગીઓ બનાવવી જેથી તે સરળતાથી આરોગશે.
વધુ આગળ વાંચો »





