
સાને ગુરુજી – મીરા ભટ્ટ
[ નવી પેઢીને ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓની માહિતી મળે તે હેતુથી વડોદરાના ‘જનજાગૃતિ અભિયાન’ સંસ્થા દ્વારા મીરાબેન ભટ્ટની કલમે ‘યાદ કરો કુરબાની’ નામે બે પુસ્તકો તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંના ભાગ-1માંથી આજે શ્રી સાને ગુરુજીનું જીવનદર્શન અહીં કરીએ. અન્ય તમામ ચરિત્રોની યાદી આ લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી મીરાબેન ભટ્ટનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિ માટે લેખના અંતે આપેલ સરનામે આપ સંપર્ક કરી શકો છો.]
‘બાબા, મને ‘શામુની મા’ જેવી મા ક્યારે મળે ?’ – તેવીસ વર્ષનો એક તરુણ વિનોબાજીને પૂછે છે. એના જવાબમાં વિનોબાજી કહે છે કે – તું જ્યારે શામુ જેવો બનીશ ત્યારે તને શામુની મા જેવી મા મળશે. કોણ છે આ શામુ, ને કેવી છે એની મા ? – આ બંને જીવતાં પાત્રો નથી, પરંતુ એક પુસ્તકનાં બે પાત્રો છે. પરંતુ મહારાષ્ટ્રના અનેક યુવાનોનાં દિલોમાં શામુની માએ અદ્દભુત સ્થાન મેળવી લીધું છે. આમ, પુસ્તકનાં પાત્રોને જીવંત બનાવી ઘેર ઘેર પહોંચાડનાર લેખકનું નામ છે, સાને ગુરુજી. એમનું હુલામણું નામ ‘શ્યામ’.
આ ‘સાને’ તો એમની અટક. ‘ગુરુજી’ એમનું ઉપનામ. પરંતુ એમનું આખું નામ છે, પાંડુરંગ સદાશિવ સાને. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના એક ગામડામાં સાધારણ સ્થિતિના કુટુંબમાં એમનો જન્મ 1899ની 24મી ડિસેમ્બરે થયો. ધર્મપરાયણ તથા કોમળ સ્વભાવની મા પાસે પાંડુરંગનું નાનપણથી જ ભક્તિભાવવાળું ઘડતર થયું. નાનપણમાં મા કાનમાં અને કાંડામાં ઘરેણાં પહેરાવતી. એક વાર નિશાળમાં મોટા શિક્ષક પરીક્ષા લેવા આવ્યા. પાંડુરંગના દાગીના જોઈ પૂછ્યું, ‘દાગીના કોણ પહેરે ?’
‘બહેનો.’
‘લોકો તને દાગીનાથી ઓળખે તે ગમે, કે સદવર્તનથી ?’
‘સદવર્તનથી’ પાંડુરંગે જવાબ આપ્યો. બસ, તે દિવસથી દાગીના છૂટી ગયા અને સદગુણો કેળવવાનું કામ શરૂ થયું. પછી તો મેટ્રિક-ગ્રેજ્યુએટ થઈ શાળાના શિક્ષક બન્યા. પોતાને નાનપણથી જ સાહિત્યનો શોખ. એટલે વિદ્યાર્થીઓ માટે ‘છાત્રાલય’ નામનું હસ્તલિખિત દૈનિક શરૂ કર્યું. એક વાર મુંબઈ જવાનું થયું તો ચોપાટી પર ગાંધીજીનું ભાષણ સાંભળ્યું. ગાંધીજીના શબ્દો એમના અંતરમાં આરપાર ઊતરી ગયા. ગાંધીજીમાં એમને ભારતનાં તપ અને વૈરાગ્ય દેખાયાં ! જાણે હરતીફરતી, જીવતી-જાગતી ગીતા ! સત્ય અને પ્રેમનો સાક્ષાત અવતાર ! એમની દેશદાઝ તો જાણે ભડભડતી આગ !
વધુ આગળ વાંચો »
વિચારમંથન – સંકલિત
[1] નિશા-અનુપમાને સલામ ! – રજની દવે
21મી સદીમાં આપણને સહજ રીતે એમ જ લાગે કે હવે તો જૂનાં સામાજિક દૂષણોએ વિદાય લીધી છે. પરંતુ નવા જમાનાની ઝાકમઝોળની લાલચ ઘણાને ભ્રષ્ટ કરી રહી છે. લગ્નમાં હવે ટૂ વ્હિલર, ફોર વ્હિલર, ટી.વી. વીડીયો, ફ્રિઝ વગેરે વરપક્ષ તરફથી માંગવામાં આવી રહ્યાં છે. આમ તો નાની મોટી ભેટો તો આપવાનો રિવાજ ચાલુ જ છે પરંતુ જ્યારે બેફામ માંગણીઓ કરવામાં આવે છે ત્યારે કન્યા પક્ષના ધબકારા વધી જાય છે.
આ બાબતે 2003માં બનેલા બે-ત્રણ કિસ્સા યાદ કરવા જેવા છે. નિશા શર્મા એક ઈજનેર બાપની દીકરી સૉફટવૅર ઈજનેરીના છેલ્લા વર્ષમાં ભણતી હતી. 21મા વર્ષે લગ્ન લેવાયાં. મુનશી સાથે લગ્ન ગોઠવાયા. ઈજનેર બાપે ઘણી બધી ભેટ ચીજો જમાઈ તેમજ તેના મોટાભાઈ માટે ખરીદી હતી. પરંતુ લગ્ન સમયે સાસુમાએ વરરાજાના મોટાભાઈ માટે કાર અને 12 લાખ રોકડા માંગ્યા. નિશા અગ્નિની સાક્ષીએ બેઠી હતી પરંતુ સાસુની ખોટી માંગે તેના મગજમાં ગુસ્સાનો અગ્નિ પ્રગટાવ્યો. તેણે જાતે જ પોલીસને ફોન કરીને બોલાવી અને વરરાજાને જેલના સળિયા ગણતો કર્યો.
અનુપમાની પણ એવી જ કહાની છે. અનુપમાએ દહેજની માંગણીને વશ ન થતાં સી.આર.પી.ની હાજરીમાં લગ્નમંડપનો ત્યાગ કર્યો. એક અન્ય છોકરીના લગ્નમાં જાન ચાર કલાક મોડી આવી અને આવ્યા પછી ચાલુ ભેટો ઉપરાંત 8 લાખ રોકડા માંગ્યા. તેણે પણ લગ્નની ચોરીનો ત્યાગ કર્યો. આજે નિશા અને અનુપમાની હિંમત જોઈને ઘણા બધા પ્રેરણા લેશે તેવું લાગે છે. જે પ્રેમ ખાતર નહીં પણ પૈસા ખાતર લગ્ન માટે તૈયાર થાય તેવાને લીલા તોરણે જાકરો મળે તેવું વાતાવરણ સર્જવાની જરૂર છે. નિશા-અનુપમા તેમજ અન્ય સાહસ કરવાવાળી યુવતીઓને સલામ કરીએ. (‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.)
વધુ આગળ વાંચો »
પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ
[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.]
[અ] જેવું મન એવો માણસ, જેવી સવાર એવો દિવસ
વર્ષ વીતી રહ્યું છે. ઋતુ બદલાઈ રહી છે. વર્ષભરની તાજગી ભરી શકાય એવા દિવસો આપણે માણ્યાં છે પરંતુ આ નવા તાજગીસભર દિવસોમાં પણ આપણી સવાર તાજગીભરી રીતે શરૂ થાય છે ખરી ? આપણે તાજગીભરી રીતે સવારે ઊંઘમાંથી જાગી, ઊઠીએ છીએ, ખરા ? શિયાળાના દિવસો ગયા. કોઈકે લખ્યું છે કે, શિયાળાની ઠંડીમાં સવારે હૂંફાળી પથારી છોડીને બહાર નીકળવું એ દેણામાંથી બહાર નીકળવ જેટલું કપરું છે. ઊંઘની વાત, સાવ નાનકડી કે નજીવી લાગતી હોવા છતાં માણસના આખા દિવસની પ્રવૃત્તિ ઉપર એની ઘણી મોટી અસર રહે છે.
સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ઊંઘમાંથી જાગવાની વાત તો સાવ સાદીસીધી છે પરંતુ ન્યુરો ફિઝિયોલૉજીના નિષ્ણાત મિલ્ટન ડી. લુચીના મત પ્રમાણે જાગૃત થવાની પ્રક્રિયા અટપટી અને ખાસ અભ્યાસ કરવા જેવી પ્રક્રિયા છે. ખરેખર તો આપણે ઊંઘમાં કેમ સરી પડીએ છીએ અથવા તો એમાંથી કઈ રીતે જાગૃત થઈએ છીએ એ વિશે ઘણું ઓછું જાણીએ છીએ. હજુ આધુનિક વિજ્ઞાન ઊંઘનાં અને જાગૃત થવાનાં રહસ્યો ઉકેલવા પ્રયત્ન કરી રહ્યું છે. ઊંઘનાં લાંબા કલાકોમાં સમય વિષે આપણને કોઈ ખ્યાલ રહેતો નથી. ક્યારેક સમયનો ખ્યાલ સતત રહે તો ઊંઘ જ આવતી નથી. ક્યારેક જાગ્યા પછી ફરી પાછા સૂઈ જવાની ઈચ્છા થાય છે અને એ રીતે સૂઈને જાગ્યા પછી માત્ર થોડી પળોનું ઝોકું લીધું છે એમ આપણને લાગે ત્યારે ખાસ્સી એકાદ કલાકની ઊંઘ આપણે ખેંચી કાઢી હોય છે. ક્યારેક જાગતી વખતે મન પ્રફુલ્લ હોય છે તો ક્યારેક તે પાછું ભાગે છે. આમ ઊંઘનો પ્રદેશ અજાયબ પ્રદેશ છે. કેટલાક માણસો રાત્રે દસ વાગે સૂઈને સવારે આઠ-નવ વાગે જાગે તો પણ તેમને સુસ્તીનો અનુભવ થાય છે. ખરેખર એમ ન થવું જોઈએ. માણસ મોડેથી સૂવે કે વહેલા સૂએ પૂરતી ઊંઘ લઈને જાગ્યા પછી તેને સ્ફૂર્તિનો અનુભવ ન થાય તો ક્યાંક કશી ખામી છે એમ માનવું જોઈએ અને એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
વધુ આગળ વાંચો »
જીવન જીવવાની કલા – જ્યોતિ થાનકી
[‘જીવન જીવવાની કલા’ પુસ્તકમાંથી સાભાર.]
પૃથ્વી ઉપર માણસને મળેલું જીવન અમૂલ્ય છે. આ જીવન અનંત શક્યતાઓથી ભરેલું છે. સૌંદર્ય, આનંદ અને ઉલ્લાસથી તે સભર છે. જીવનની દરેક પળ મૂલ્યવાન છે. જો માણસને તેનો ઉપયોગ કરતાં આવડે તો તે દરેક ક્ષણ તેને આગળ ને આગળ લઈ જનારી છે. માણસને જીવન જીવતાં આવડે તો સ્વર્ગ શોધવા પૃથ્વીની બહાર જવું પડે તેમ નથી. આ જીવનમાં જ સ્વર્ગ રહેલું છે, અને જો જીવતાં ન આવડે તો નર્ક પણ આ જીવનમાં જ છે. એ તો સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ પોતાના જીવનને નર્ક બનાવવા ઈચ્છે નહીં; પરંતુ જીવન કેવી રીતે જીવવું એનું એને જ્ઞાન નથી મળ્યું અને પરિણામે તેની અનિચ્છાએ તેના જીવનનું વહેણ કળણ ને કાદવ પ્રત્યે વહેતું થઈ જાય છે. પછી જ્યારે તેને સમજ મળે છે, સાચું જ્ઞાન મળે છે, ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હોય છે અને જીવનની બાજી તેના હાથમાંથી સરી ગઈ હોય છે. આ સંદર્ભમાં શ્રી માતાજી કહે છે : ‘સાચી રીતે જિંદગી જીવવી એ ઘણી જ કઠિન કલા છે. અને જો માણસ સાવ નાનો હોય ત્યારથી જ શીખવાની શરૂઆત ન કરે, પ્રયત્ન ન કરે તો તે સાચી રીતે જાણી શકે નહીં – ફક્ત પોતાના શરીરને તંદુરસ્ત રાખવાની કળા, પોતાનું મન શાંત રાખવું અને હૃદયમાં શુદ્ધ ભાવ રાખવો, આ વસ્તુઓ જ સરળ રીતે જીવવા માટે અનિવાર્ય છે. હું સુખસગવડમાં કેમ રહેવું એ નથી કહેતી. અદ્દભુત રીતે કેમ રહેવું એમ પણ નહીં. હું તો ફક્ત શિષ્ટ રીતે કેમ જીવવું તે કહું છું.’
બાળકો નાનાં હોય છે, ત્યારે તેમને ઘણી બધી બાબતો શીખવવામાં આવે છે. કેમ બેસવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બોલવું, કેવી રીતે કપડાં પહેરવાં વગેરે વગેરે શીખવવામાં આવે છે; પરંતુ કેવી રીતે એકાગ્રતા કરવી, કેવી રીતે પોતાના વિચારોનું નિરીક્ષણ કરવું, કેવી રીતે પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવવો, કેવી રીતે સારી રીતે ઊંઘવું વગેરે બાબતો વિષે તેમને કંઈ જ શીખવવામાં આવતું નથી. પરિણામે બાળકો મોટાં થાય ત્યારે જો તેમને બાહ્ય રીતભાતનું કે શિષ્ટાચારનું શિક્ષણ આપવામાં આવ્યું હોય તો તેમનું બાહ્ય આચરણ વ્યવસ્થિત બને છે; પણ તેથી કંઈ તેમનું આંતરિક જીવન વ્યવસ્થિત કે સુગ્રથિત બનતું નથી.
વધુ આગળ વાંચો »
બાલને કરીએ વહાલ – રતિલાલ બોરીસાગર
[ ‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો.]
‘તમે ઈશ્વર પરમારનું નવું પુસ્તક “બાલને કરીએ વહાલ” જોયું ?’ એક મિત્રે ફોન પર કહ્યું.
‘પુસ્તક મેં જોયુ નથી, પણ બાલને તો હું બહુ નાની ઉંમરથી વહાલ કરતો આવ્યો છું પણ ઈશ્વર પરમાર તો બાળકો માટે લખે છે, એમને વાળ વિશે કેમ ચોપડી લખવી પડી ?’ સામો પ્રશ્ન કર્યો.
‘તમેય તે યાર વાતને ક્યાંથી ક્યાં લઈ ગયા ? ચોપડી બાળકોને લગતી જ છે, આ તો તમે બાળકો વિશે એક પુસ્તક લખ્યું છે એટલે મને એમ કે તમને રસ પડશે.’ મિત્રે સહેજ નારાજ થઈને કહ્યું આ પછી અમારી વાત થોડી આગળ પણ ચાલી મિત્રને પ્રસન્ન કરવા કહ્યું, ‘કહ્યું કશું ને સાંભળ્યું કશું’ ને લગતા બે-ત્રણ ટુચકા પણ કહી સંભળાવ્યા પરંતુ મિત્રની નારાજગી ખાસ ઓછી ન થઈ.
મિત્રનો ફોન આવ્યો ત્યારે હું વાળ ઓળતો હતો. મારા માથા પર ઓછા અને આછા થતા જતા વાળની ચિંતા કરતો હતો. મારા વાળના ભવ્ય ભૂતકાળને સંભારીને 7.5 રિચર્સ સ્કેલના નિસાસા નાખતો હતો. એટલે મારાથી સાંભળવામાં ગરબડ થઈ ગઈ. મિત્રને ફરી ફોન કરી આ સ્પષ્ટતા કરવાનો વિચાર આવ્યો પણ આ સ્પષ્ટતાથી મિત્ર વધુ નારાજ થઈ જશે એ બીકે એ વિચાર માંડી વાળ્યો. જો કે મિત્રને મેં જે કહ્યું તે બિલકુલ સાચું છે. હું બહુ નાની ઉંમરથી મારા બાલને વહાલ કરતો આવ્યો છું એ હકીકત છે. નાના બાળકોને સામાન્ય રીતે વાળ કપાવવાનો કંટાળો આવતો હોય છે, પણ મને નાનપણમાં બાલ કપાવવામાં બહુ મજા આવતી. મને યાદ છે કે બાપુજી કે ભાઈ મને મગનભાઈ વાળંદને ત્યાં લઈ જતા. વાળંદની ઊંચી ખુરશી મને રાજાના ભવ્ય સિંહાસન જેવી લાગતી. મગનભાઈ એ ઊંચી ખુરશી પર પાટીયું મૂકી એને વધુ ઊંચી બનાવતા અને એના પર મને બેસાડતા. વાર્તાના રાજાનું સિંહાસન એ ખુરશી કરતાં વધુ સુંદર નહિ હોય એવું એ વખતે મને લાગતું. એ વખતે અમારા ઘરમાં એક પણ ખુરશી નહોતી. એકવાર ઘરમાં ખુરશી લાવવાની વાત થઈ ત્યારે મેં મગનભાઈ વાળંદની દુકાને છે એવી ખુરશી લાવવાની દરખાસ્ત કરેલી, મારી ગંભીર દરખાસ્તનો હાસ્યથી પ્રતિભાવ મળ્યો પણ મારી દરખાસ્ત માન્ય ન રહી. વાળ કાપ્યા પછી મગનભાઈ મારા મોં પર ફુવારો છાંટતા એનાથી જે આહલાદનો અનુભવ થતો એની તો શી વાત કરું ! આવી ફુવારા-શીશી લઈ દેવાની હઠ પણ મેં લીધેલી. આ કારણે આ છોકરો મોટો થઈને હજામતની દુકાન ખોલશે કે શું એવી મારી બાને બીક પણ લાગેલી.
વધુ આગળ વાંચો »





