
એક નહીં, અનેક બારી જોઈએ – વિનોબા ભાવે
[ આજથી શરૂ થતી ધોરણ-10 (SSC) અને ધોરણ-12(HSC)ની પરીક્ષાના સૌ વિદ્યાર્થીમિત્રોને શુભકામનાઓ. પ્રસ્તુત છે ભાષા-શિક્ષણના માધ્યમ પર વિનોબાજીના વિચારો રજૂ કરતા પુસ્તક ‘શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન’માંથી એક લેખ સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
ઘણા લોકોને એમ લાગે છે કે અંગ્રેજી વગર શિક્ષણ અધૂરું રહી જશે, કારણ કે દુનિયાને માટે તે એક ‘વિન્ડો’ – બારી છે. આ વાતમાં કાંઈક તથ્ય છે, તેની ના નહીં. પરંતુ મારું કહેવું એમ છે કે તે ‘એક’ બારી છે. બુદ્ધિશાળી લોકો પોતાના ઘરમાં માત્ર એક બારી નથી રાખતા, ચારે દિશામાં અલગ અલગ બારી રાખે છે. ત્યારે ચારેય બાજુનું દર્શન થાય છે. એક જ બારી હંમેશા એક જ બાજુનું દર્શન કરાવશે. અને તે એકાંગી દર્શન હશે. એવી રીતે તમે જો માત્ર અંગ્રેજીની એક જ બારી રાખશો, તો સર્વાંગી દર્શન નહીં થાય, એક જ અંગનું દર્શન થશે. માત્ર અંગ્રેજી ભાષા દ્વારા જ આપણે દુનિયાને જોઈશું, તો આપણને તદ્દન એકાંગી દર્શન થશે. તે સમ્યક ને સાચું દર્શન નહીં હોય, ખોટું ને અધૂરું દર્શન હશે. આપણે અંગ્રેજી ભાષાને આધીન થઈ જઈશું અને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાનો આપણને મોકો નહીં મળે.
તેથી હું તો એમ કહીશ કે આપણે ઓછામાં ઓછી આઠ બારી રાખવી પડશે. માત્ર અંગ્રેજી જ નહીં, દુનિયાની ઓછામાં ઓછી આઠ ભાષા આપણે શીખવી પડશે. અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન એ પાંચ યુરોપની, ચીની અને જાપાની એ બે દૂર પૂર્વની, અને એક અરબી ઈરાનથી સીરિયા સુધીના વિસ્તાર માટે. ત્યારે દુનિયાનું સમ્યક દર્શન થશે. એ વાત સાચી છે કે આપણે ત્યાં અંગ્રેજીના શિક્ષણની સગવડ ઘણી સારી છે, એટલે અંગ્રેજી શીખનારા વધારે નીકળશે, બીજી ભાષાના ઓછા નીકળશે. પરંતુ આ આઠ ભાષાના ઉત્તમ જાણકાર આપણે ત્યાં હોવા જોઈએ. તો જ ઠીક ચાલશે. નહીં તો જાણ્યે-અજાણ્યે આપણે ઈંગ્લેન્ડ-અમેરિકા તરફ ઢળી જઈશું. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, તોયે આપણું ચિંતન એકાંગી બનશે.
વધુ આગળ વાંચો »
રમૂજી પ્રસંગો – મૃગેશ શાહ
[1] મારા એક મિત્રની ગામમાં સોનીની દુકાન હતી. તાલુકાનું ગામ હતું એટલે સમય જતાં ગામનો વિકાસ સરસ થયો અને ગ્રાહકોની સંખ્યા વધી. વેકેશનમાં પરદેશથી આરામ કરવા આવેલા લોકો પણ તેની દુકાને નાની-મોટી ખરીદી કરવા આવવા લાગ્યા. એ રીતે એની દુકાનમાં ગામનાં માણસોથી લઈને એન.આર.આઈ લોકો સુધીની અવરજવર રહેવા લાગી. મિત્રને થયું કે દુકાન જરાક વ્યવસ્થિત કરાવવી જોઈએ. એણે સારો એવો ખર્ચ કરીને ફર્નિચર કરાવ્યું.
એક દિવસ હું એની દુકાને ગયો. દુકાનમાં નજર ફેરવતાં ફેરવતાં મેં ત્રણ-ચાર ઘડિયાળો સામેની દિવાલ પર લટકાવેલી જોઈ. પહેલું ઘડિયાળ ઓસ્ટ્રેલિયાનો સમય બતાવતું હતું તો વળી બીજું ઘડિયાળ અમેરિકાનો સમય બતાવતું હતું. દરેક ઘડિયાળની નીચે જે તે દેશનું નામ લખેલું હતું. મિત્રને પૂછ્યું તો એણે સમજાવ્યું કહ્યું કે એન.આર.આઈ ગ્રાહકો આવે છે, એટલે આવું બધું કરવું પડે. એટલામાં મારી હાજરીમાં એક માજી દુકાનમાં પ્રવેશ્યાં. પહેરવેશ પરથી એ ગામના હોય એમ લાગતું હતું. એમણે આવતાંની સાથે જ દુકાનમાં ઝડપથી એક નજર ફેરવી લીધી અને મારા મિત્ર સામું જોઈને કહ્યું : ‘આ તેં હારું કર્યું ભઈલા ! દાગીનાની હારે ઘડિયાળેય વેચવાના ચાલુ કર્યા ! મુઆ ! અહીં તો ક્યોંય હારા ઘડિયાળ મળતા નથ !’ મિત્ર બિચારો શું બોલે ?
[2] સાહિત્યકાર મીરાબેન ભટ્ટ અને અરુણભાઈની ઘરે વારંવાર જવાનું થાય. અલકમલકની વાતો નીકળે. અરુણભાઈ ક્યારેક એવો રમુજી પ્રસંગ કહે કે કાયમ માટે યાદ રહી જાય. હમણાં થોડા દિવસ પહેલાં એમણે મને એવો જ એક પ્રસંગ કહ્યો. અરુણભાઈ કહે : ‘એક વાર અમારે ત્યાં ચુસ્ત સત્યાગ્રહી ભાઈ આવ્યા. એ જોકે સુરતથી અમદાવાદ જતા હતા પરંતુ એક રાત વડોદરા અમારે ત્યાં રોકાવાના હતા. એથી એમનું સાંજનું જમવાનું અમારે ત્યાં નક્કી થયું. નિયમો અને વ્રતોમાં કંઈક વધારે જ દ્રઢતા. થાળીમાં અન્નનો એક દાણો પણ ન બચે તેના એ ચુસ્ત આગ્રહી. અમે એ જાણતાં હતાં, તેથી એમને જરૂર મુજબની વસ્તુ જ પીરસી હતી. દાળ-શાક અને રોટલી બધું સપ્રમાણ મૂક્યું હતું. તેઓ શાંતિથી જમ્યાં એટલે અમે રાજી થયા. ભોજન પૂરું કર્યા બાદ અમે એક કૌતુક જોયું ! એ ભાઈ થાળીમાં પાણી રેડીને એ બધું જ પાણી થાળી વડે પી ગયા ! થાળી તો સાવ ચોખ્ખી ચટ્ટ. જાણે હમણાં જ માંજી હોય એવી !
વધુ આગળ વાંચો »
વાત મૂલ્યો અને સંસ્કારોની…. (ભાગ-3) – સંકલિત
[ થોડા મહિનાઓ અગાઉ ‘અખંડ આનંદ’ સામાયિક દ્વારા ‘વાત મૂલ્યો ને સંસ્કારોની...’ વિષય પર સૌને સત્યઘટના કે એ પ્રકારના જીવનપ્રસંગો પર લખવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે સંકલિત થઈને સામાયિકના કેટલાક અંકોમાં પ્રકાશિત થયા હતા. તેમાંથી આપણે થોડા સમય અગાઉ ભાગ-1, ભાગ-2 માં કેટલાક પ્રસંગો માણ્યા હતા. આજે માણીએ જાન્યુઆરી-2010ના અંકમાંથી થોડા અન્ય પ્રસંગો.]
[1] શક્તિ મુજબ જીવન જીવ – ભરત આર. જાદવ
બી.ઍડ. કર્યા પછી તે જ વર્ષે શહેરની પ્રતિષ્ઠિત શાળામાં નોકરી મળી ગઈ. શહેરના મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીં જ આવે. 70 ઉપરાંત શિક્ષકોથી ઉભરાતો સ્ટાફખંડ. બે-ચાર ને બાદ કરતા બધા વેલસેટ. મોટા ભાગના શિક્ષકો અને કેટલાક વિદ્યાર્થીઓ પણ મોંઘીદાટ બાઈક લઈને જ શાળાએ આવે, અરે કેટલાક તો કારવાળાએ ખરા, ને તેવા વાતાવરણમાં મારે પગપાળા આવવાનું બનતું. તેથી ક્યારેક સંકોચ થતો, તો ક્યારેક ખુદને કોસતોય ખરો – ‘હું પણ નોકરી કરું છું ને છતાં એક બાઈક પણ લાવી શકતો નથી.’ પછી મનોમન ઘણી ગોઠવણો કરી નવું નહિ તો જૂનું બાઈક ખરીદી લેવાનો નિર્ણય કરી, શનિવારની સ્કૂલ ભરી હું ગામડે મા-કાકા પાસે ગયો.
જુલાઈના અંતિમ દિવસો હતા. ખેતરોમાં મકાઈ-મગફળી લીલા લહેર કરતાં હતાં. ‘મા-કાકા (અમે બાપુજીને કાકા કહીએ છીએ) બન્ને ખેતરમાં મકાઈનાં નીંદણ કરતાં હતાં. હું સીધો મા પાસે જઈને બેસી ગયો. તેણે તેની હંમેશાંની આદત મુજબ શીતળ હૈયે ‘હમણાં આયો બેટા ?’ કહી માથે હાથ ફેરવ્યો. ને પડખે રહેલી છીંકણીની ડબ્બીમાંથી ચપટી ભરી હાથ નાકે મૂક્યો. કાકા પણ ખુશ થયા, થોડી ઔપચારિક વાતો પછી મેં માને ધીરેથી કહ્યું : ‘મા, મારી શાળામાં ક્રેડીટ સોસાયટી લોન આપે છે. હું વિચારું છું કે ત્યાંથી લોન લઈ એક મોટર સાઈકલ લઈ લઉં.’
માએ છીંકણીની ડબ્બી મૂકી હાથ ખંખેરતાં મારી સામે હળવા ભાવે જોયું. જાણે એ કંઈક વિચારતી હોય એવું લાગ્યું. હું કંઈ બોલું એ પહેલાં જ ખૂબ જ મૃદુ અવાજે મારી આંખોમાં આંખ પોરવી એણે કહ્યું, ‘જો બેટા, અમે હાડકાંતોડ મજૂરી કરી, ખેતરોમાં દિવસ-રાત વિતાવી તમને બધાં ભાઈ-બહેનોને ભણાવ્યાં-પરણાવ્યાં અને નોકરી-ધંધે લગાડ્યાં. ને તોય રૂપિયાનું દેવું કર્યું નથી. ને તું આજે જાતે કમાતો થયો ત્યારે દેવું કરીને મોટરસાઈકલ લાવવાની વાત કરે છે ? તને શરમ આવે છે ? જે દિવસે તારી પાસે રૂપિયા ભેગા થાય ત્યારે તારે જે ખરીદવું હોય તે ખરીદજે. દેવું કરીને આપણે મોટા થવું નથી.’ આટલું કહી તે તેના કામમાં વળગી ગઈ. મેં પણ તેની પાસે પડેલું દાંતરડું લઈ નીંદણ કામ શરૂ કર્યું, બાઈકનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો. એક જ વર્ષ થયું. ‘મા’ સદેહે પાસે નથી. પૈસેટકે હાથ ચાલતો થયો છે, ને ઘણું બધું ખરીદવાની ઈચ્છા થાય છે. ત્યારે ‘મા’ની એ મુદ્રા અને શિખામણ હૃદયમાં ઊભી થાય છે અને તેણે આપેલ શક્તિ મુજબ જીવવાનો મંત્ર જાણે સિદ્ધ થયો હોય એમ ઘણા પ્રસંગોએ પ્રેરક બની રહ્યો છે. જીવનમાં સાદગી, ઓછી વસ્તુઓથી ચલાવવું, શક્તિ મુજબનો ખર્ચ કરવો જેવાં પાયાનાં મૂલ્યોનું શિક્ષણ આજે જીવનની સંજીવની બની રહ્યું છે.
વધુ આગળ વાંચો »
રંગ છે બાપુ ! – સંકલિત
[સૌ વાચકમિત્રોને ધૂળેટીના પર્વની શુભેચ્છાઓ. – તંત્રી.]

કરસનકાકા : ‘તેં મને છેતર્યો.’
દુકાનદાર : ‘સાહેબ, સારામાં સારી ક્વોલિટીનો રેડિયો આપ્યો છે.’
કરસનકાકા : ‘લખ્યું છે તો મેઈડ ઈન જાપાન પણ ચાલુ કર્યો તો રેડિયોમાં કહે છે : ધિસ ઈસ ઓલ ઈન્ડિયા રેડિયો.’
*********
આંખના ડૉક્ટર : ‘તમને ખરેખર ચશ્માં છે.’
દર્દી : ‘તપાસ કર્યા પહેલાં તમને કઈ રીતે ખબર પડી ?’
આંખના ડૉક્ટર : ‘દરવાજો છોડી તમે બારીમાંથી આવ્યા.’
*********
કનુ અને કેતન જંગલમાં ફરતા હતા ત્યાં અચાનક વાઘ જોયો. બંને ઊભી પૂંછડિયે નાઠા. કનુએ પોતાની થેલીમાંથી દોડવા માટેના ખાસ બૂટ કાઢ્યા.
કેતન : ‘દોડી શકીશ ?’
કનુ : ‘વાઘ કરતાં નહિ તારા કરતાં ફાસ્ટ દોડી શકીશ એટલે બસ !’
*********
વધુ આગળ વાંચો »
સુવાચ્ય અક્ષરો – ડૉ. નલિની ગણાત્રા
[‘હસવું મરજિયાત છે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નલિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428351120. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
આ શીર્ષક તમે જો મારી હસ્તપ્રતમાં વાંચ્યું હોત તો આંખ અને પ્રતને ઊંચી-નીચી-આડી-અવળી-ઊભી-ત્રાંસી-દૂર-નજીક કરીને અવશ્ય પૂછત કે શીર્ષક શું લખ્યું છે ? અને હું મારો પિત્તો ગુમાવીને બરાડત કે, મારા અક્ષર તમે નથી ઉકેલી શકતા તો ભલા માણસ, હું કેવી રીતે ઉકેલી શકું ? સાક્ષરોનો વિવેક જાળવતાં શીખો જરા ! અને…. મારું જ લખેલું હું વાંચતી હોઈશ કદી !
મારા અક્ષરો આમ તો ઉત્તમ છે. ઊકલે નહીં એટલું જ. મને સાંભળવામાં લોકોને તકલીફ નથી. મને વાંચવામાં છે. એ જ સાબિત કરે છે કે લોકોના કાન કરતાં આંખો વધુ નબળી હોય છે. રાઝ કી બાત બતાઉં તો હું રફ વિસ્તારના રફ માણસો કરતાં ય રફ અક્ષરો એટલે કાઢું છું કે આપણો લેખ વંચાણે આપ્યા પછી પૂછવા આવે કે, ‘આ શું લખ્યું છે ?’ અને ત્યારે લેખ કેવો લાગ્યો, એ રૂબરૂ જ પૂછી લેવાય. અને તદ્દન સાચી અફવા જેવી વાત એ છે કે મ્યુનિસિપાલિટીની સ્કૂલમાંય હું ભણી છું અને એ.સી. સ્કૂલમાંય ભણી છું. બધી જ પરીક્ષામાં હું નાપાસ થયા વગર પાસ થઈ છું. અક્ષર ઊકલે તો કોઈ ભૂલ કાઢે ને !! ઈવન આજ દિન સુધી મારો એક પણ શિક્ષક મને ભૂલી શક્યો નથી, કારણ કે હું ક્ષર, પણ મારા અક્ષર તો અ-ક્ષર જ ને ! એકવાર આંખોમાં ઊગીને વસી ગયા પછી ક્રેનથી પણ ખસેડી ન શકાય.
અક્ષરદેહે
ભમતી રહીશ હું
સૌની આંખોમાં
વધુ આગળ વાંચો »
છૂટાછેડાનો શાનદાર પ્રસંગ – વલ્લભ મિસ્ત્રી
[‘હાસ્ય-ઉત્સવ’ પુસ્તકમાંથી સાભાર.]
હાસ્યરસના અમારા એક કાર્યક્રમમાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો :
‘છૂટાછેડાના પ્રસંગને શાનદાર બનાવવા માટે શું કરવું જોઈએ ?’ અચાનક જ ફેંકાયેલા બમ્પર પ્રશ્નને નીચા નમી પાસ-ઑન કરી દેવામાં અમારી ઈજ્જતનો સવાલ હતો, હુક કરીને બાઉન્ડ્રી બતાવવામાં જોખમ એ હતું કે હૉલમાં બાઉન્ડ્રી લાઈનમાં ખુરશીમાં બેસીને ફિલ્ડિંગ ભરી રહેલી મારી પત્ની ‘હુપ’ કરતાં કૂદીને અમને કેચ-આઉટ જ કરી નાખે !
‘ભાઈ, તમે પરણેલા છો ?’ બમ્પર પ્રશ્ન સામે મેં સ્પીન બેટિંગ કરી.
‘કાચો…કુંવારો છું.’
‘વાંધો નહીં, પરણ્યા પછી કાચા-પાક્કા થઈ જશો, પરંતુ એ સમજાતું નથી કે લગ્ન-પહેલાં જ છૂટાછેડાનો સુવિચાર કેમ આવ્યો ?’
‘શું કરું ? પાણી આવતાં પહેલાં પાળ તો બાંધવી પડે ને ?’
‘તો લગ્ન પછી ઘોડિયુંય બાંધવું પડે તેનો પણ વિચાર કર્યો જ હશે ને ! ખેર, જવા દો એ વાત. મૂળ વાત એ છે કે, અમારા લગ્નજીવનનાં ત્રીસ વર્ષમાં છૂટાછેડા તો શું, તેનું નાટક પણ ભજવ્યું નથી.’
‘તો શું થયું ? સાચા-ખોટાનું અનુમાન તો કરી શકો ને ? કદાચ એ તમને ભવિષ્યમાં મદદરૂપ થાય પણ ખરું !’
બસ, હવે અમે સ્ટેજની પીચ પર સેટ થઈ ગયા હોવાથી દે અનુમાન ધનાધન કરી દીધે રાખવાનું ચાલુ કરી દીધું. સૌપ્રથમ તો જે ગોર મહારાજે લગ્નનું શુભ મુહૂર્ત કાઢી આપ્યું હોય તેની જ પાસે છૂટાછેડાનું અશુભ મુહૂર્ત કઢાવવું ! વધુ દાન-દક્ષિણા આપી લગ્નપ્રસંગનાં જે તારીખ-સમય હતાં તે જ રખાવવાં (યાદ રાખીને જે સાલ ચાલતી હોય તે રાખવી). અને હા, કદાચ ગોર મહારાજ સ્વર્ગે સિધાવી ગયા હોય તો તેમના કાયદેસર વારસદાર ચાલશે. લગ્ન સમયે જે હૉલ, વાડી કે પાર્ટીપ્લોટમાં લગ્ન થયાં હોય તે જ રાખી લેવાથી પિત્તળમાં ગંધ ભળશે !
વધુ આગળ વાંચો »






