બે અક્ષર જિંદગીના – ભૂપત વડોદરિયા
[ જીવનપ્રેરક વાતોના પુસ્તક ‘બે અક્ષર જિંદગીના’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] ડંખીલા શબ્દો
એક મિત્રે કહ્યું, ‘કંઈ કારણ વગર મને એવું લાગે છે કે મારી તબિયત ખરેખર બગડી ગઈ છે. એક સમયે બધા મને હસમુખો કહેતા અને આજે હવે કોઈ ને કોઈ મિત્ર મજાકમાં કહે છે કે આવું સોગિયું મોં થઈ જવાનું કારણ શું ? કોઈ તકલીફ આવી પડી છે ? રાતોરાત જાણે મારો મિજાજ બદલાઈ ગયો હોય તેમ લાગે છે.’
જવાબમાં સોગિયું હસીને ભાઈએ કહ્યું, ‘કંઈ ખબર પડતી નથી પણ મનની અંદર આટલી હતાશા કેમ પેદા થઈ છે. વિચાર કરું તો એમ થાય છે કોઈ સમસ્યા તો છે નહીં. ઘરમાં કોઈ પ્રશ્ન નથી. બહારના બધા વહેવારો સચવાય છે. આડોશપાડોશ જોઈએ છીએ. એ અંગે પત્ની કહે છે : ‘આપણી આજુબાજુ દરેક કુટુંબમાં અને ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે કડવી ઝેર બોલચાલી સાંભળીએ છીએ.’ પત્નીએ કહ્યું. મને નવાઈ લાગે છે કે તમે કે હું કદી ઊંચા અવાજે બોલ્યા હોઈએ કે આપણે ઝઘડ્યા હોઈએ એવું બન્યું નથી. તમારી મા જાણે મારી જ મા હોય એવો અમારો વહેવાર છે. કોઈ વાર એમ થાય છે કે આ સુખ શું લાંબું ચાલશે ?
કોઈ પણ બે માણસોની શાંતિ ટકાવી રાખવાની જવાબદારી કુટુંબના સભ્યોની છે. ઘણાં બધાં કુટુંબો આપણે જોઈએ છીએ અને દરેકના સ્વભાવમાં કલેશ અને કંકાસનાં મૂળ ઊંડાં ઘાલી બેઠાં છે. સાચું કહીએ તો ઘણાં બધાં કુટુંબો પૈસાવાળા હોય, ઘણી બધી સગવડોવાળા હોય છતાં આંખો લડ્યા કરે છે, નવાઈની વાત તો એ છે કે લોહીનું સગપણ છે એવા એક જ ઘરના સભ્યો મનમાં ઊંડે ઊંડે તિરસ્કારનાં મૂળ ઊંડા નાંખીને બેઠા છે. નવાઈની વાત એ છે કે પડોશી સાથે સારા સંબંધો રાખીને ઝઘડાઝઘડી નહીં કરનારા ઘરની અંદર જાણે તિરસ્કારની ઊંડી લાગણીથી વર્તી રહ્યા હોય એવું કોઈને પણ દેખાય છે. વિચિત્ર વાત તો એ છે કે કુટુંબમાં સારો પ્રસંગ હોય ત્યારે એ પ્રસંગને સુધારવા-બગાડવાની કોઈ ચિંતા કર્યા વગર કલેશ-કંકાસનો સૂર ઘણો ઊંચો જતો લાગે છે. સમાજમાં આપણે શાંતિ ઈચ્છીએ છીએ પણ આપણા પોતાના ઘરમાં જ શાંતિ ટકાવી શકતાં નથી. નવાઈની વાત એ છે કે ઘરના સભ્યો જ એકબીજાની ઈર્ષ્યા કરતાં હોય છે અને એકબીજાને શંકાની નજરે જુએ છે. ઘણાં કુટુંબોમાં કુટુંબના સભ્ય જ પોતાનાં બાળકોની વચ્ચે વેરઝેરનાં બી વાવે છે.
વધુ આગળ વાંચો »
ગણિત કોયડા – પંડિત ધીરજલાલ શાહ
[સાહિત્ય એટલે બધું જ. તેને સીમામાં આબદ્ધ ન કરી શકાય. વિવિધ રસના અનેક વિષયોને તેમાં સમાવી શકાય. ગઈકાલે આપણે વિજ્ઞાનને લઈને સાહિત્યનો રસ માણ્યો હતો, આજે ગણિતના કોયડા સાથે થોડી ગમ્મત કરીએ. પ્રસ્તુત કોયડાના જવાબો અહીં પ્રતિભાવ વિભાગમાં જ 2જી, એપ્રિલના રોજ આપવામાં આવશે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] બે શિલ્પીઓ
એક ગામમાં બે શિલ્પીઓ રહેતા હતા. બંને જણા પોતાની કળામાં કુશળ હતા, પરંતુ એક ખૂબ ખરચાળ હતો અને બીજો બહુ કરકસરિયો હતો. આથી પહેલાના માથે રૂપિયા 500 દેવું થયું અને બીજાની પાસે રૂપિયા 500ની મૂડી થઈ. હવે એક વખત તે ગામના એક કલાપ્રેમી સદગૃહસ્થે બંનેની કલાઓ ખરીદી અને તે બદલ રોકડા પૈસા ન આપતાં પહેલાંને 4 ઘોડા અને બીજાને 2 ઘોડા આપ્યા. હવે તે શિલ્પીઓએ સરખા ભાવે જ એ ઘોડાઓ વેચી નાખ્યા. તેથી બંનેની સ્થિતિ સરખી થઈ ગઈ, તો બંનેએ કેટકેટલા રૂપિયે ઘોડા વેચ્યા હશે ?
[2] આગગાડીના ઉતારુઓ
આગગાડીના એક ડબ્બામાં 4 ખાનાં ખાલી હતાં. તેમાં પૂના જનારા ઉતારુઓ બેઠા. હવે જો પહેલા ખાનામાંનો એક ઉતારુ બીજા ખાનામાં જાય તો ત્યાં પહેલા ખાનાથી ત્રણગણા માણસો થાય, જો બીજા ખાનાનો એક માણસ ત્રીજામાં જાય તો ત્યાં બીજા ખાના કરતાં ત્રણગણા થાય, પરંતુ જો બીજા ખાનામાંનો એક ચોથામાં જાય તો તે ખાનામાં બીજાથી બમણા રહે અને જો ચોથા ખાનાનો એક ઉતારુ પહેલામાં જાય તો ત્યાં (ચોથા ખાનામાં) દોઢગણા રહે, તો દરેક ખાનામાં કેટલા ઉતારુઓ બેઠા હશે ?
વધુ આગળ વાંચો »
વિજ્ઞાન અને અહિંસા – વિનોબા ભાવે
[‘વિજ્ઞાન અને અધ્યાત્મ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
વિજ્ઞાનયુગ આજે ભારે ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે હવે માણસને માત્ર પૃથ્વીથી સંતોષ નથી, તે બીજા ગ્રહો ઉપર પણ પહોંચવા માગે છે અને એમની સાથે સંપર્ક રાખવા ઈચ્છે છે. પાંચસો વરસ પહેલાં કોલંબસ જેવા શોધકોએ અમેરિકા શોધ્યો અને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને નવા નવા પ્રદેશોની ભાળ કાઢી. આને લીધે દુનિયા આખીના જીવનમાં અનેકાનેક પરિવર્તન આવ્યાં. પરંતુ એ બધી ખોજ પૃથ્વી પરની જ હતી. આજે હવે માણસ પૃથ્વીને અતિક્રમી જવા તત્પર બન્યો છે. પાંચસો વરસ પહેલાં જે જિજ્ઞાસા પૃથ્વીની ખોજ કરવા માટેની હતી, એ જ આજે પૃથ્વીની બહારની અન્ય પૃથ્વીઓ સુધી આગળ વધી ગઈ છે. માણસ હવે અન્ય ગ્રહો સાથે સંપર્ક સાધવા મથી રહ્યો છે. આ ભારે મોટી પ્રગતિ છે. આ અભિનવ વિજ્ઞાનયુગ શરૂ થઈ ગયો છે. તેને આપણે ‘અપાર્થિવ વિજ્ઞાનયુગ’ પણ કહી શકીએ.
આ અભિનવ વિજ્ઞાનયુગનાં મુખ્ય બે લક્ષણ નોંધપાત્ર છે. એક તો આજે વિરાટમાં પ્રવેશવાનું વલણ છે, અને બીજું સૂક્ષ્મમાં પ્રવેશવાનું. એક બાજુ માણસ આ વિરાટ સૃષ્ટિનો તાગ લેવા મથી રહ્યો છે, તો બીજી બાજુ સૂક્ષ્મ અણુની શક્તિનું આકલન કરવા મથે છે. વિરાટ અને અણુ બેઉનો તાગ લેવાનું વલણ આ અભિનય વિજ્ઞાનયુગનું છે. આવો આ વિજ્ઞાનયુગ આજે ઝડપથી આગળ વધી રહ્યો છે. વિજ્ઞાનની આ પ્રગતિ રોકાવી ન જોઈએ, તેને મોકળું મેદાન મળવું જોઈએ. પરંતુ આની સાથોસાથ વિજ્ઞાનની આ પ્રગતિ માનવજાત માટે સર્વ રીતે સર્વથા કલ્યાણકારી બની રહે, તેનુંયે ચિંતન થવું જોઈએ.
વધુ આગળ વાંચો »
કેળવણીની કેડીએ – ડૉ. અશોક પટેલ
[ વ્યવસ્થિત બાળઉછેર માટે માતા-પિતા, શિક્ષક વગેરે એ ખાસ વાંચવા જેવું પુસ્તક છે ‘કેળવણીની કેડીએ’. પ્રસ્તુત છે તેમાંના બે સુંદર લેખો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] સ્ટાફરૂમમાં શિક્ષકોનું પ્રતિબિંબ દેખાય છે…
શાળા-કૉલેજ તેના વિવિધ પાસાં કે કોઈ એક ચોક્કસ પાસાંથી શોભતી હોય છે, જેવા કે પુસ્તકાલય, પ્રયોગશાળા, ચિત્રખંડ, પ્રાર્થનાખંડ, મેદાન, આચાર્યની ઑફિસ વગેરે. ક્યારેક સાંભળવા મળે છે કે, પેલી શાળા-કૉલેજનું પુસ્તકાલય ખૂબ જ સમૃદ્ધ છે. તો વળી પ્રાર્થના કાર્યક્રમ જોવો હોય તો પેલી શાળામાં જાવ. પેલી શાળા મેદાનનો ભરપૂર ઉપયોગ કરે છે વગેરે. અહીં બીજું પણ એક પાસું ઉમેરવા જેવું છે અને તે છે – સ્ટાફરૂમ, શાળાના શૈક્ષણિક વાતાવરણમાં સ્ટાફરૂમની ભૂમિકા મહત્વની છે. શાળા-કૉલેજની નીતિ, રીતિની ચર્ચાઓ સ્ટાફરૂમમાં થતી હોય છે અને ક્યારેક ઘડાય છે પણ ત્યાં જ. આમ છતાં જુદી જુદી સંસ્થાઓમાં સ્ટાફરૂમનું વાતાવરણ જોઈને આઘાત પણ લાગ્યો છે.
બી.એડ. કૉલેજના અધ્યાપકને નાતે ઘણી સંસ્થાઓમાં જવાનું થાય છે, ત્યારે અચૂક સ્ટાફરૂમમાં જઈને થોડો સમય પસાર કરું છું, ત્યાં જ ખ્યાલ આવી જાય છે કે આ સંસ્થા કેવી છે અને તેનું ભવિષ્ય કેટલું ઊજળું છે. ક્યારેક તો સાંભળવા મળે છે કે, આ સંસ્થા ખૂબ જ જૂની સંસ્થા છે. પહેલા તો અહીં પ્રવેશ મેળવવો વાલી માટે ખૂબ જ અઘરું કામ હતું. એકપણ વર્ગમાં વધારાના એકપણ વિદ્યાર્થીને બેસવાની જગ્યા ન મળે. પણ આજે સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. ખૂબ જ નબળા વિદ્યાર્થીઓ આવે છે. અહીં પ્રશ્ન પૂછવાનું મન થાય કે આવું કેમ બન્યું ? આ માટે, એક કરતાં વધુ પરિબળો હશે, પણ તેમાં એક પરિબળ ચોક્કસ પણ હશે અને તે છે – જે તે શાળાનો સ્ટાફ. સ્ટાફની કામ કરવાની નિષ્ઠા, ધગશ, નીતિ, રીતિ વગેરે પર સ્ટાફરૂમના વાતાવરણની ખૂબ જ મોટી અસર થાય છે. નવા આવેલા કર્મચારીને સ્ટાફરૂમ ઊંચે ચઢાવી શકે છે અને નીચે પણ ફેંકી શકે છે.
વધુ આગળ વાંચો »
ધારોકે પ્રેમલ સાથે કામાક્ષી ભાગી ગઈ…. – નિર્મિશ ઠાકર
[ નિર્મિશભાઈ ઠાકરના હાસ્યલેખોના સુપ્રસિદ્ધ પુસ્તક ‘નિર્મિશાય નમ:’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ધારવાની પણ એક મઝા હોય છે. અલબત્ત, એટલું ખરું કે જેવો જમાનો હોય એના હિસાબથી જ ધારવું, નહીં તો કોઈ આપણને પાગલ ધારે ! તો આજે વાચકોને જેમાં ઊંડો રસ છે, એમાંનું જ કાંઈ ધારવું પડશે. અમમમ, ધારો કે એમ ધારીએ કે….. કનૈયાલાલનો પ્રેમલ પાડોશમાં રહેતા ધરમચંદની સુપુત્રી કામાક્ષીને ભગાડી જાય, તો ? લાપશી ખાધી હોય એમ હસું હસું થઈ ગયેલા તમારા ચહેરાઓને હું કલ્પી શકું છું મિત્રો, કારણ કે આ તમારા રસનો મુખ્ય વિષય છે ! જો તમને ગમ્યું જ છે, તો આગળ વધીને એમ પણ કલ્પી શકાય કે અંદરખાને તો દીકરી થાળે પડી ગયાનો સંતોષ જ હોય છતાં લોકલાજે ઝઘડો કરવો પડે એટલે કામાક્ષીનાં મા-બાપ પ્રેમલનાં મા-બાપ સાથે ઝઘડો કરવા જાય ! ઝઘડામાં પણ તમને રસ છે જ, તો હવે ઝઘડાને રજૂ કરું છું….
(કામાક્ષીનાં મા-બાપ રીટાબહેન અને ધરમચંદ હવે બરાબર કનૈયાલાલના ઘરને બારણે ઊભાં છે….)
ધરમચંદ : ‘શું કરવું છે ? બેલ વગાડું ?’
રીટાબહેન : ‘કેમ એમનો છોકરો આપણી છોડીને ભગાડી ગયો, એ પહેલાં એણે બેલ વગાડેલો ? અરે બારણે આ રીતે લાત મારવાની હોય, આમ જુઓ….’ (રીટાબહેન એક પ્રચંડ લાત મારે છે, પણ બારણું ખાલી આડું કરેલું હોવાથી તરત ખૂલી જાય છે…. અને રીટાબહેન ફંગોળાઈને અંદર ઊભેલા કનૈયાલાલનાં ચરણોમાં જઈ પડે છે !)
કનૈયાલાલ : ‘વંદન સ્વીકાર કરું છું, રીટાબહેન, આયુષ્યમાન ભવ ! ખરેખર તો તમારે રોજ આ રીતે તમારા પતિના ચરણસ્પર્શ લેવા જોઈએ, શાસ્ત્રોમાં કહ્યું છે કે….’
ધરમચંદ : ‘(અંદર ધસી આવતાં….) ખબરદાર કનૈયાલાલ, આ પ્રકારનો લવારો અમને પસંદ નથી….’
કનૈયાલાલ : ‘અહો !…. તો એન્જિનની પાછળ ડબ્બો અ….આઈ મીન રીટાબહેનની પાછળ તમે પણ પધાર્યા છો ! (પાછા ફરીને પોતાની પત્નીને બૂમ પાડે છે…..) કહું છું સાંભળે છે ચંદ્રિકા, ધરમચંદભાઈ આવ્યા છે…..’
ચંદ્રિકાબહેન : (રસોડામાંથી બહાર આવતાં….) ‘કેમ રીટાબહેન આમ શાહુડી જેવું મોં કરીને ઊભાં છો ? બેસો ને ! માંદાં છો કે શું ?’
વધુ આગળ વાંચો »
ડોસા-ડોસી – ગીરીમા ઘારેખાન
[‘તાદર્થ્ય’ સામાયિકમાંથી સાભાર.]
વરસ એંસીનો જર્જર ડોસો
………એકોતેરની ડોસી
સાઈઠ વરસના લગનજીવનની
………પૂનમ આવી પોષી.
આંગળિયોમાં હાથ પરોવી
………બેઠી બે ખંડેર કાયા
દાયકા પે’લા દીકરા-વહુએ
………મૂકી દીધી’તી માયા.
તૂટેલી ભીંતો માંહેથી
………પવન કાઢે હડિયો
ડોસા-ડોસીની કિસ્મત આજે
………અક્કરમીનો પડિયો
ભાંગેલા નળિયા વચ્ચેથી
………માવઠું ઘરમાં વરસે
ધ્રૂજે થરથર, નિર્બળ હાથે
………ડોસી ડોસાને સ્પર્શે
જૂનો ઘરમાં એક ધાબળો
………બેઉ છે એને ટેકે
જીર્ણ આયુ ને ટૂંકા દેહે
………ટુકડો કોને શેકે ?
‘તું લઈ લે,’ ‘ના તમે જ લ્યો’
………છે ડોસા-ડોસી ચડસે
પોષી માવઠાના હિમની વચ્ચે
………પ્રેમની હૂંફો વરસે
ટૂંકા ધાબાળે, લાંબા પ્રેમે
………રાતમાં ઉષ્મા આણી
એકમેકની હારે હારે
………બેઉએ લાંબી તાણી.





