ગુજરાત સરકાર દ્વારા કાવ્ય સ્પર્ધાનું આયોજન

ગુજરાત રાજ્ય સ્થાપનાની સુવર્ણ જયંતી ઉજવણી – 2010 પ્રસંગે ગુજરાતનું ગૌરવ-ગાન કરતી કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાવ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રથમ, દ્વિતીય અને તૃતીય કૃતિઓને રાજ્ય સરકાર તરફથી પુરસ્કૃત કરવામાં આવશે. ગુજરાતનું ગૌરવ ગાન કરતાં કાવ્યો તા. 31-મે-2008 સુધીમાં માહિતી કમિશનરની કચેરી, બ્લોક નં : 7/2, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર – 382010 ને મળી જાય એમ મોકલવાના રહેશે. કાવ્યો ફૂલસ્કેપ કાગળ પર એક જ બાજુએ લખેલા હોવા જોઈશે અને પરબીડિયા પર ‘ગુજરાત ગૌરવ-ગાન કાવ્ય સ્પર્ધા માટે’ લખવાનું રહેશે. પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર કે ઈ-મેઈલથી મોકલવામાં આવેલાં કાવ્યો માન્ય ગણાશે નહીં. કાવ્ય ગુજરાતી ભાષામાં વધુમાં વધુ 20 પંક્તિ-લાઈનમાં લખેલું હોવું જોઈશે. ગુજરાત કે ગુજરાત બહાર અન્યત્ર વસતી કોઈપણ ગુજરાતી વ્યક્તિ આ કાવ્ય સ્પર્ધામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલી કમિટીના નિર્ણાયકશ્રીઓનો પુરસ્કાર અંગેનો નિર્ણય તમામ સ્પર્ધકો માટે બંધનકર્તા અને આખરી ગણવાનો રહેશે.

ગઝલકારોને અપાશે ‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ

તા. 18મી મે, 2008 ના રોજ સાંજે 6:00 કલાકે ભાઈકાકા હૉલ, લૉ ગાર્ડન પાસે, અમદાવાદ ખાતે ગુજરાતના જાણીતા અને લોકપ્રિય ગઝલકાર સર્વશ્રી ‘જલન માતરી’ ને વર્ષ 2007નો તથા ‘આદિલ’ મન્સૂરીને વર્ષ 2008નો ‘વલી’ ગુજરાતી એવોર્ડ અર્પણ કરવામાં આવનાર છે. આ સમારંભ ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના માનનીય મંત્રીશ્રી ફકીરભાઈ વાઘેલાના વરદહસ્તે યોજવામાં આવેલ છે. આ પ્રસંગે ડૉ. ચિનુ મોદી બંને ગઝલકારોના ગઝલક્ષેત્રે પ્રદાન વિશે વક્તવ્ય આપશે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અંકિત ત્રિવેદી કરશે. આભારદર્શન વિધિ ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી કિરીટભાઈ દૂધાત સંભાળશે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે આપ સૌને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.

દૂરદર્શનપરથી યુવા કવિસંમેલનનું પ્રસારણ થશે

તા. 16મી મે, 2008 ના રોજ સવારે 10.30 કલાકે દૂરદર્શનની ડીડી-11 ચેનલ પરથી યુવા કવિસંમેલનનું પ્રસારણ થશે જેમાં શ્રી શૈલેષ પંડ્યા ‘ભીનાશ’, શ્રી અનિલ ચાવડા, શ્રી ચંદ્રેશ મકવાણા, શ્રી ભાવેશ ભટ્ટ અને શ્રી અશોક ચાવડા ભાગ લેશે. કાર્યક્રમનું સંચાલન શ્રી અશોકભાઈ ચાવડા કરશે. સૌ શ્રોતામિત્રોને કાર્યક્રમ માણવા નમ્ર વિનંતી.

સાહિત્ય પરિષદ તરફથી અપાનારાં પારિતોષિકો

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી સન 2006 અને 2007 માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિવાળાં પુસ્તકોને વિવિધ પારિતોષિકો આપવામાં આવનાર છે. આ માટે સર્જકો-પ્રકાશકોએ તા. 30મી મે, 2008 સુધીમાં પુસ્તકની બે નકલો મોકલવાની રહેશે. વધુ વિગતો માટે ‘પરબ’ નો માર્ચ 2008નો અંક જોવો.

સર્જક સાથે મુલાકાત અંતર્ગત યોજાયેલો કાર્યક્રમ

કમળાશંકર પંડ્યા ફાઉન્ડેશન, વડોદરા અને સ્ટેટસના સંયુક્ત ઉપક્રમે ‘સર્જક સાથે મુલાકાત’ કાર્યક્રમમાં કવિ શ્રી રાજેન્દ્ર શુક્લએ તેમણે 1965થી આજ સુધી લખેલી ગઝલોમાંથી પ્રણય અને અધ્યાત્મ વિષયક ગઝલો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આરંભમાં ડૉ. પ્રદીપ પંડ્યાએ કવિનું સન્માન કર્યું હતું. અંતે મંત્રી શ્રી સતીશ ડણાકે આભારવિધિ કરી હતી.

સાહિત્યકાર પ્રવિણ દરજીને કાલેલકર એવોર્ડ

ગુજરાત સમાચારના કટાર લેખક અને 95થી વધુ પુસ્તકોના સર્જક તેમજ એમિરિટસ પ્રોફેસર ડૉ. પ્રવીણ દરજીને હ્યુમન સોસાયટી ઑફ ઈન્ડિયાના ઉપક્રમે નડિયાદ ખાતે તાજેતરમાં યોજાયેલા એક સમારંભમાં લલિત નિબંધ ક્ષેત્રે વિશેષ પ્રદાન બદલ ‘કાકાસાહેબ કાલેલકર’ એવોર્ડ અર્પણ કરાયો હતો. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પાંચ પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકો, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, સંસ્કૃતિ ગૌરવ એવોર્ડ, કલાગુર્જરી એવોર્ડ સહિત અનેક એવોર્ડઝ પ્રાપ્ત થયા છે.