(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) ઢીંચણ પેટમાં પેંઠેલા હોય તેમ જમીન પર પગની એડીઓ ઉપર ઊભડક બેઠેલા કરસનને જરાય ચેન નહોતું. એ પોલીસથાણાની બહાર ભલે બેઠો હોય પણ એની આંખો અને મન ઘડીએ-ઘડીએ થાણાની અંદર આંટો મારી આવતાં હતાં. અંદર એનો વરસ પહેલાં ખોવાઈ ગયેલો દીકરો સૂરજ હતો! એકનો એક દીકરો ખોવાયો ત્યારે કરસન અને ગોમતી બંને કેવાં બહાવરાં બનીને એને શોધતાં હતાં! દોડી-દોડીને એમના પગ ઘસાઈને ગોઠણે આવી ગયા ને રડી રડીને આંખોય નબળી પડી ગઈ ત્યારે, વરસ પછી આજે દીકરો મળ્યાની ખબર આવી! એ તો શહેરના માલેતુજાર તપન મરચન્ટની દીકરી લિપિ ખોવાઈ તેમાં ‘હો-હા’ થઈ ગઈ. મંત્રીઓ સુધ્ધાં જેના ઘેર આંટા મારે તેવા તપનની ધાકથી પોલીસે આકાશ-પાતાળ એક કર્યાં ને લિપિને શોધી કાઢી. ભેગા બીજા બે છોકરા પણ મળ્યા. એમાં સૂરજ પણ મળ્યો એટલે સૂકા ભેગું લીલું બળે એમ કોઈવાર લીલા ભેગું સૂકું બળેય ખરું જેવો તાલ હતો!
સર્જક : નયના મહેતા
1 post