મારી સાઇકલ છે નહીં – હતી. એનું નામ ઈસ્ટર્ન સ્ટાર. પ્રભાત-તારક, સુબહ કા તારા. બાપુજી લઈ આવેલા. સેકન્ડ હેન્ડ. કહેતા હતા કે, ખાસ વપરાયેલી નથી. બાપુજીએ એને જતનથી, જાતે જ, સાફસૂફ કરેલી. કેરોસીનનો રંગ કાળો થઈ ગયેલો, બાપુજીના બંને હાથ કાળામેંશ થયેલા ને આંગણા વચ્ચે જ સાઇકલની ટ્રીટમેન્ટ થયેલી એથી એટલો ભાગ કેરોસીનના કાળા રેલાઓથી ખરડાઈ ગયેલો. દાદા અકળાઈ ગયેલા – ‘એક તો ઠાઠિયું લઈ આવ્યા ને પાછું આંગણું બગાડ્યું!’ પરંતુ કાળા રંગની આ લીલા વચ્ચે સાઇકલ ચકચકતી હતી, આછું આછું મલકતી હતી. એને ઘોડી પર ઊભી કરીને બાપુજીએ જોરથી પેડલ ઘુમાવ્યાં. વેગથી ફરતા એના પાર્શ્વ-ચક્ર એટલે કે પાછલા વ્હીલમાંથી જે તંદુરસ્ત અવાજ આવતો હતો એ જ એની સુધરેલી તબિયતની ઘોષણા કરતો હતો. અમારા સૌના આનંદ-ઑચ્છવની વચ્ચે એકાએક અમારું ધ્યાન પડ્યું કે, પેડલ મારવાના વેગીલા ઉત્સાહમાં સાઇકલના એ સુ-દર્શન ચક્રે પાછળની આખી દીવાલ પર પણ કાળો છંટકાવ કર્યો હતો! બાપુજીએ સાઇકલને હળવીફૂલ કરવા માટે ભારે શ્રમ કર્યો હતો. અમે બે ભાઈઓએ દીવાલ સાફ કરવા માટે અમારું શ્રમદાન કર્યું. એક અવસર પાર પડ્યો જાણે!
સર્જક : રમણ સોની
1 post