સાઠ વર્ષે મા એકાએક બીમાર પડી. સાઠ વર્ષ સુધી ક્યારેય તાવ પણ આવ્યો નહોતો. તંદુરસ્ત હતી. ગામડાના લોકો કહે તેવી “કડેધડે” હતી. પણ સાઠમું બેઠું અને તબિયત લથડી. લોહી સુકાવા લાગ્યું. આંખોમાં તેજ ઘટવા લાગ્યું. કાને બહેરાશ આવવા લાગી. ટેમ્પરેચર સો ઉપર રહેવા લાગ્યું. નિષ્ણાત ડૉક્ટરો પાસે તેના શરીરના જુદા જુદા અનેક ટેસ્ટ લેવરાવ્યા, છતાં રોગ પકડાતો નહોતો. એક માસ સુધી ડૉક્ટરે પોતાની દેખરેખ નીચે રાખી. છતાં કંઈ ફરક ન પડ્યો, હૃદયની ગતિ મંદ પડી જતી હતી. શ્વાસોશ્વાસ વધી જતા હતા અને આંખે અવારનવાર અંધારાં આવી જતાં હતાં... તેણે તો મને એકલાને કહી પણ દીધું કે શિરીષ... હવે મારો જવાનો સમય આવી ગયો... મારું હૈયું ભારે થઈ ગયું... પ્રાઈમરી ટીચરની નોકરીના પગાર પર મને ભણાવ્યો-ગણાવ્યો અને રંગેચંગે પરણાવ્યો હતો... હું ડૉક્ટર પાસે ગયો તો તેમણે રોકડું પરખાવી દીધું કે મિસ્ટર જોષી... હવે તમારાં મધરને ઘેર લઈ જાવ. એની ઇચ્છા મુજબ જીવવા દો... અલ્પવિરામ સાથે જિંદગી પૂર્ણવિરામ તરફ પહોંચી ગઈ હતી... પ્રત્યેક દરદી માટે એક સમય એવો આવે છે કે જ્યારે ડૉક્ટર હાથ ખંખેરી નાખે છે. મા માટે એ સમય આવી ગયો હતો.
સર્જક : સુમંત રાવલ
હું અને જિતુ રાજપરની ધૂળી નિશાળમાં સાત ધોરણ સાથે ભણ્યા હતા, અમે બંને એક શેરીમાં રહેતા હતા. સાથે રમ્યાં હતાં, સાથે ભણ્યા હતા અને સાથે જ મોટા થયા હતા. આઠમું પૂરું થયું અને રાજપર ગામમાં નવમું ધોરણ નહોતું, પણ ગામના આગેવાનોએ પાટનગર સુધી દોડધામ કરી, ફંડફાળા કરીને મિડલ સ્કૂલ શરૂ કરાવી. મુંબઈ રહેતા ગામના જ એક વેપારીએ પોતાનું પાકું મકાન મિડલ સ્કૂલ માટે ફાળવી દીધું. અમે બંને નવમામાં આવ્યા અને સ્પર્ધા શરૂ થઈ. રંજન નામની એક વેપારીની એકની એક દીકરી પણ નવમા ધોરણમાં ભણવા આવતી હતી. કદાચ આ રંજનને કારણે જ અમારી વચ્ચે સ્પર્ધા શરૂ થઈ હતી અને મારા હૈયામાં નાનકડો તણખો ઝર્યો હતો. જિતુ મને કહેતો, “રાજુ દોસ્ત, જીવનમાં આગળ આવવા માટે સ્પર્ધા બહુ જરૂરી છે. હું જો આગળ નીકળી જઈશ તો તેનું કારણ તું હોઈશ, તારી સાથેની સ્પર્ધા હશે.”