રમાભાભી કંઈક વિચારતાં લાકડીને ટેકે ખૂબ જ ધીમે ચાલતાં, પગ હમણાં ઘૂંટણમાંથી વળી જશે ને બેસી પડીશ જમીન પર; એવી તેમના મનની સ્થિતિ સાથે ઉબડખાબડ ગલીના નાકા સુધી પહોંચી ગયાં. તે દેરાસર ગયાં હતાં. રોજનો તેમનો આ નિયમ. હવે તો પચીસ ડગલાં ને ઘર. તેમને નિરાંત થઈ. પહોંચીને ઘરમાં જવાને બદલે ઓટલા પર, લાકડી દીવાલને ટેકવી બેસી પડ્યાં, શરીરને મજૂર ગુણ ફેંકે તેમ ફેંકતાં, ધબ દઈને. શરીર તેમનું પોતાનું નથી એવી લાગણી તેમને થઈ આવી. આ શરીરે કેટલાં વરસ ખેંચી કાઢ્યાં ! તેમના ભરતનો જનમ પણ નહોતો થયો. આમ દેરાસરથી આવીને બેઠાંબેઠાં લગભગ રોજ તેમના મનમાં આ વિચાર ઉભરાતો. આ વિચારમાં બેસી જ રહેતાં.
સર્જક : સુરેશ ઓઝા
1 post