Monday, March 8, 2010 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : કુન્દનિકા કાપડીઆ · 48 પ્રતિભાવો
[‘મનુષ્ય થવું’ પુસ્તકમાંથી સાભાર.]
બારણું ઉઘાડીને તે ચુપચાપ બાલ્કનીમાં આવીને બેસી ગઈ હતી. વાર્તાની રાજકુમારીને વરદાન મળ્યું હતું : તે બધાને જોઈ શકે, પણ કોઈ તેને જોઈ શકે નહિ. બંધ આંખે પોતે પણ દીવાનખંડના મહેમાનોને જોઈ શકતી હતી. એક પછી એક આવી રહેલાં, દમામદાર કપડાં, લળી પડતાં સ્મિત અને સુંવાળા અવાજવાળાં સ્ત્રીઓ ને પુરુષો. નોકરોની અવરજવર. કાચનાં નવાં ચકચકિત વાસણોની સપાટી પર તરતાં પ્રકાશનાં પ્રતિબિંબ.
મોના રસોડામાં હશે. છેલ્લી સૂચનાઓ આપતી હશે. સુદીપ સરસ કપડાં પહેરીને તૈયાર થયો હશે. દરેક વખતની જેમ, બધું સંપૂર્ણ હોવું જોઈએ. પીણાં, જમવાની વાનગીઓ, સજાવટ. બધા લોકો સુંદર તો નહિ હોય, પણ દરેકે સજાવટ પૂરેપૂરી કરી હશે. એ લોકો જાણે છે કે ક્યા સિક્કા ક્યારે વાપરવા. એ લોકો જાણે છે કે શું વાપરવાથી શું મેળવી શકાય. બધી રમત છે. એ લોકો સરસ રીતે રમે છે. દૂર બેઠાં બધું જોઈ શકાય છે. પહેલાં એક વાર ભૂલ થઈ હતી. બધાં આવવાનાં હતાં અને તે તો દીવાનખંડમાં જ બેઠી હતી. તેણે પણ તૈયાર થઈ કડકડતાં કપડાં પહેરી રજૂ થવાનું છે, એવો કંઈક ભાસ હતો, ભ્રમણા હતી. મોનાએ બહુ સલૂકાઈથી બીજા રૂમમાં જવા કહ્યું હતું. દીવાનખંડ એને ખાલી જોઈતો હતો. ‘તમે ત્યાં જ જમી લેજો. ઊંઘી જવું હોય તો ઊંઘી જજો. અમારી પાર્ટી જરા લાંબી ચાલશે. તમને બહુ ઘોંઘાટ લાગશે. તમારા રૂમનાં બારણાં બંધ કરી દેજો.’
ત્યાર પછી બે વાર પાર્ટી થઈ હતી. આગળથી જ તે પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. તે દિવસે સોમવાર કરી લીધો હતો અથવા પછી અગિયારશ કે કાંઈ પણ. જમવાની ખટપટ જ નહિ. આટલી બધી વસ્તુઓમાંથી શું જમવું ને શું નહિ, તેની પસંદગી કરવી મુશ્કેલ બનત. કોઈક વાની ન પીરસાય તો માઠું લાગત. ભૂલી ગઈ હશે એમ મન મનાવવા છતાં ડંખ લાગત. જાણીને અજાણપણું આચર્યું હશે ? અથવા એમ હશે કે એક-બે વસ્તુ ન પીરસી તોયે શું ? આ ઉંમરે હવે ખાવા-પીવાના બહુ શા અભરખા ! પોતાને ખબર હતી કે ખાવાપીવાનો શોખ ઉંમર વધે એમ ઓછો કરવો જોઈએ. તો પણ મોં પર કોઈ એમ કહે તો ઓછું આવી જાય. અને આ શોખની વાત નયે હોય. હાજરીના સ્વીકારની વાત કદાચ હશે. ગમે તેમ પણ આવે વખતે સોમવાર, કે જે વાર હોય તે, કર્યો જ સારો. અંદરથી ટેકો તો રહે.
વધુ આગળ વાંચો »
Thursday, November 26, 2009 · પ્રકાર : આધ્યાત્મિક લેખ · સાહિત્યકાર : કુન્દનિકા કાપડીઆ · 9 પ્રતિભાવો
[સાહિત્યરસિક મિત્રોને આમ તો ‘પરમ સમીપે’ પુસ્તકનો પરિચય આપવાની જરૂર ન પડે. વિવિધ દેશોની અનેક પ્રકારની ભાષાઓ અને ત્યાં જન્મેલા મહાપુરુષોની 101 જેટલી સુંદર પ્રાર્થનાઓનું સંપાદન કરીને કુન્દનિકાબેને ગુજરાતી સાહિત્યને એક અમૂલ્ય પુસ્તકની ભેટ આપી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર +91 2632 267245 પર સંપર્ક કરી શકો છો. 15થીયે વધુ આવૃત્તિઓ ધરાવનાર આ પુસ્તક મેળવવા માટેની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1]
વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ
હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન:
સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત્પ્રણામે
દષ્ટિ સતાં દર્શનેડસ્તુ ભવત્તનૂનામ (ભાગવત)
હે પ્રભુ, અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો, અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો, અમારા હાથ તારાં સેવાકર્મ કરો, અમારું મન તારાં ચરણોના ચિંતનમાં રહો, અમારું શિર તારા નિવાસ-સ્થાનરૂપ જગતને પ્રણામ કરવામાં રહો, અમારી દષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોનાં દર્શનમાં રહો.
[2]
હે પ્રભુ,
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;
અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં
તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;
પણ હું જો તારી પ્રાપ્તિ માટે જ
તારી ભક્તિ કરતી હોઉં
તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી
વંચિત ન રાખીશ. (સંત રાબિયા)
વધુ આગળ વાંચો »
Thursday, November 19, 2009 · પ્રકાર : આધ્યાત્મિક લેખ · સાહિત્યકાર : કુન્દનિકા કાપડીઆ · 12 પ્રતિભાવો
[જેની 27થી વધુ આવૃત્તિઓ થઈ છે તેવી 30 પાનની નાનકડી પુસ્તિકા ‘જીવન : એક ખેલ’ મૂળમાં ફલોરેન્સ સ્કોવેલ શિનના પુસ્તક ‘ધ ગેમ ઑફ લાઈફ ઍન્ડ હાઉ ટુ પ્લે ઈટ’ (1925)નો સંક્ષિપ્ત અનુવાદ છે. અગાઉ આ પુસ્તિકાનું પ્રથમ પ્રકરણ આપણે 2007માં માણ્યું હતું. હવે માણીએ વધુ બે પ્રકરણ. આ પુસ્તિકા મેળવવા માટે : કુસુમ પ્રકાશન, અમદાવાદ ફોન : +91 79 26600959 પર સંપર્ક કરવો.]
[1] શબ્દની શક્તિ
જે માણસ શબ્દની શક્તિને ઓળખે છે, તે વાતચીતમાં ઘણો સાવધ રહે છે. પોતાના ઉચ્ચારેલા શબ્દો વડે માણસ સતત પોતાને માટે નિયમો બનાવતો રહે છે. હું એક માણસને ઓળખું છું. તે હંમેશા કહેતો : ‘હું જેવો સ્ટોપ પર પહોંચું કે હંમેશાં બસ ઊપડી જ ગઈ હોય છે.’ એની દીકરી કહેતી : ‘મેં કોઈ દિવસ બસ ગુમાવી નથી. જેવી હું સ્ટોપ પર પહોંચું કે બસ આવી જ હોય છે.’ આવું વરસો સુધી ચાલેલું. એ બંનેએ પોતાના જુદા નિયમો બનાવેલા : એકે નિષ્ફળતાનો, બીજાએ સફળતાનો.
અંધશ્રદ્ધા કે વહેમ પાછળ આ જ માનસ કામ કરતું હોય છે. લોકો કેટલીક વસ્તુને શુકનિયાળ ને બીજી વસ્તુઓને અપશુકનિયાળ લેખતા હોય છે. પણ ખરી રીતે તો દરેક વસ્તુ પાછળ ભગવાનની શક્તિ જ આવી રહેલી હોય છે, અને તેથી કોઈ વસ્તુ અપશુકનિયાળ નથી, કશું જ અનિષ્ટ નથી. મારી એક મિત્રને નિસરણી હેઠળથી ચાલતાં ખૂબ ડર લાગતો. મેં તેને કહ્યું, ‘તું ભય પામે છે તેનો અર્થ એ કે તું બે સત્તામાં માને છે : શુભની અને અશુભની. પણ પરમાત્મા એક જ છે, તે શુભ છે. માણસ પોતે પોતાના ખ્યાલથી અશુભ ઊભું કરે છે. અશુભની પોતાની કોઈ શક્તિ નથી, તેવું તું માનતી હો તો નિસરણી હેઠળથી ચાલી જો.’ ત્યાર પછી તરતમાં તેને બેન્કમાં જવાનું થયું. સેફ ડિપોઝિટ વૉલ્ટમાં તેને પોતાનું ખાતું ઉઘાડવું હતું. પણ વચ્ચે નિસરણી મૂકેલી હતી. તે ભયથી પાછળ રહી ગઈ, ને બહાર નીકળી આવી. રસ્તા પર ચાલતાં તેને મારા શબ્દો યાદ આવ્યા અને તે પાછી ગઈ. તેણે નિસરણી હેઠળથી જવાનો નિશ્ચય કર્યો. આ તેના માટે એક મોટી ક્ષણ હતી. કારણ કે આખી જિંદગી તે આ ભયમાં પકડાયેલી હતી. તે પોતાના ખાના તરફ જવા આગળ વધી અને આશ્ચર્ય ! નિસરણી ત્યાં હતી જ નહિ. આવું ઘણી વાર બને છે. માણસને જેનો ભય લાગે તે કરવાનું તે નક્કી કરે, તો પછી તે બાબત ત્યાં રહેતી જ નથી.
વધુ આગળ વાંચો »
Friday, October 16, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : કુન્દનિકા કાપડીઆ · 17 પ્રતિભાવો
[‘સાંવરી’ સામાયિક (કોલકતા) દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર.]
એ એક બહુ જ મોટું અને બહુ જ જૂનું થઈ ગયેલું મકાન હતું. પણ એકાદ જાજવલ્યમાન પ્રતિભાશાળી માણસ ઉંમરથી જીર્ણ થઈ ગયો હોય છતાં તેના કોઈ ને કોઈ અંગમાંથી અતીતની યાદ આપતું તેજ ઝલકી જતું હોય, એવી જ રીતે એ વિશાળ મકાનની ધુમાડિયા રંગની ભીંતો, લાકડાના ખખડતા ઝરૂખાઓ, તૂટી ગયેલી કાચની બારીઓમાંથી વીતી ગયેલી જાહોજલાલી અલપ-ઝલપ દેખા દઈ જતી. એ મકાન સાવ જ ન પડી જવા માટે કારણ હતું. એમાં હજુ પેલો સંગીતકાર રહેતો હતો. તે છેક વૃદ્ધ નહોતો થઈ ગયો, પણ એકલતા, સંગીત માટેનું દર્દ અને અણરોક શરાબપાનને લીધે તેનું જીવન ખૂબ ઘસાઈ ગયું હતું. એક વેળા તેની ખૂબ નામના હતી. તેની પ્રતિષ્ઠાના મધ્યાહનકાળમાં અહીં દિવસો સુધી મહેફિલો જામતી, મોટા મોટા ગાયકો-વાદકો-તબલચીઓ આવતા અને એમના સંગીતથી આ વિશાળ ઘરને ભરી દેતાં. ઘરની આસપાસ ભમતી હવા એમના સૂરોથી સદાય થરક્યા કરતી.
એ વખતે મકાન આસપાસનો બગીચો પણ સુંદર હતો. તેની લોન વ્યવસ્થિત રહેતી, ફૂલછોડના ક્યારાને હંમેશા પાણી પવાતું, બાગની નાનકડી વાંકી-ચૂકી લાલ માટીની પગદંડીઓ હંમેશા વાળવામાં આવતી. કોઈ છોડ પર કરમાયેલું ફૂલ કે સડેલું પાન દેખાતું નહીં. ક્યારાઓમાં મોટા તેજસ્વી રંગોવાળાં ડહેલિયા, મૃદુ પાંખડીઓવાળા ગુલાબ, ઝીણી સુગંધવાળાં શ્વેત તગર ખીલતાં અને બાજુના રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓના મનને પ્રસન્નતાથી આર્દ્ર કરી દેતાં. આંગણાની દીવાલ લગોલગ ઘટાદાર વૃક્ષો મકાનને એવી રીતે ઘેરીને ઊભાં હતાં ને ઊગતાં ગયાં હતાં અને તેમની ઘટાને લીધે ઘરમાં અજવાળું ઓછું થઈ જતું. છતાં કોઈએ એમાંના એકાદેય વૃક્ષને કે એકાદી ડાળને સુદ્ધાં કાપવાનો વિચાર કર્યો નહોતો.
એ વખતે તો માળીઓની એક આખી ફોજ હતી, જે બગીચાનું ધ્યાન રાખતી. એ બધામાં મુખ્ય હતો વિષ્ણુ માળી. બીજા બધા પેટ ખાતર કામ કરતાં, પણ વિષ્ણુ માળી પ્રેમ ખાતર કામ કરતો. તે વૃક્ષોને ચાહતો. ચોમાસામાં ગીચોગીચ ઊગી આવેલી તેમની પર્ણઘટા જોઈને તેના હૃદયમાં શીળી છાંય ફેલાતી. બંગલાની પાછળના ભાગમાં લાકડાનો એક બાંકડો હતો. પાનખરની મૃદુ બપોરે તે એ બાંકડા પર લાંબો થતો. તેના પર ઝીણાં મોટા સૂકાં સોનેરી પાંદડા વરસતાં. એ વખતે તેને અવર્ણનીય સુખ થતું. માથા પર ફેલાયેલી વાંકી કાળી નિષ્પર્ણ ડાળીઓ વચ્ચેથી તે સ્વચ્છ ભૂરા રંગનું આકાશ જોયા કરતો, અને કોઈએ તેને ત્યારે પૂછ્યું હોત કે સ્વર્ગ ક્યાં છે ? તો તે કહેત કે અહીં, આ બાંકડા ઉપર. જેને આપણે ચાહતાં હોઈએ તેની સાથે આપણું નિરંતર મિલન રચાયા કરતું હોય ત્યારે હૃદય જેવું ભરપૂર, પ્રશાંત, ફરિયાદ વગરનું રહે છે તેવું આ વિષ્ણુ માળીનું સુખ હતું. જે તેનું કામ્ય હતું તે સાવ તેની સમીપ હતું અને આ બગીચાનો પોતે માલિક નથી, પણ નોકર છે – એ બાબતનું ત્યાં કશું મહત્વ રહેતું નહીં.
વધુ આગળ વાંચો »