ગુજરાતી લઘુકથાસંચય – સં. મોહનલાલ પટેલ, પ્રફુલ્લ રાવલ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : પ્રફુલ્લ રાવલ, મોહનલાલ પટેલ
32 પ્રતિભાવો
[સાહિત્યમાં લઘુકથાનું સ્વરૂપ અનોખું છે. તે થોડામાં ઘણું કહી જાય છે. ક્યારેક તેનો અંત ચોટદાર અને આશ્ચર્યચકિત કરી મૂકે તેવો હોય છે. આ લઘુકથાના જનક એવા શ્રી મોહનલાલ પટેલનું લઘુકથાના આરંભ અને વિકાસમાં મહત્વનું યોગદાન છે. તેમણે શ્રી પ્રફુલ્લભાઈ રાવલ સાથે મળીને કુલ 76 જેટલી સુંદર લઘુકથાઓ ચૂંટીને ‘ગુજરાતી લઘુકથાસંચય’ રૂપે આપણને આ સુંદર પુસ્તક પ્રાપ્ત કરાવ્યું છે. આજે તેમાંથી માણીએ કેટલીક લઘુકથાઓ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] ખેલ – વિનોદ ભટ્ટ
પછી એ માણસ રસ્તા પર પડેલ ઈંટાળાનો ભૂકો કરીને ખાવા માંડ્યો. આખુંય ટોળું એની સામે આશ્ચર્યથી જોઈ રહ્યું. થોડીક ખીલીઓ ને ટાંકણીઓ લઈ તે પાપડની જેમ બડુકા બોલાવતો ખાવા લાગ્યો. લોકો તેની સામે મુગ્ધભાવે જોતા હતા. અને સોડા-વોટરની એક બાટલી જમીન પર પછાડી, ફોડીને જ્યારે તેણે કાચના ટુકડા ખાવા માંડ્યા ત્યારે તો કેટલાક લોકો મોંમાં આંગળાં ઘાલી ગયા. એક-બે જણાએ તો તેને આવું કામ કરતાં વારવા પ્રયત્ન કર્યો. કેટલાકે દયાથી પ્રેરાઈને પોતાના ખિસ્સામાંથી ચાર-આઠ આનાના સિક્કા કાઢીકાઢીને પેલાએ પાથરેલ શેતરંજી પર નાખવા માંડ્યા. પૈસા આપીને બધા વેરાવા માંડ્યા.
સામેની દુકાનમાં બેઠેલા ગીધુકાકા આ બધું તદ્દન નિર્લેપભાવે જોતા હતા. એમના મોં પરના ભાવો જરાય બદલાયા નો’તા. પેલો ખેલ કરનાર ગીધુકાકા પાસે આવી હાથ લાંબો કરતાં બોલ્યો : ‘શેઠ, આઠ આના-રૂપિયો જે કંઈ આપવું હોય એ આપો, મા-બાપ…..’
‘પણ શેના ભૈ ?’ ગીધુકાકાએ પૂછ્યું.
‘આ મેં ઢેખાળાના ટુકડા, ઈંટાળાનો ભૂકો, લોખંડના ખીલા, કાચ –એ બધું ખાધું એ તમે જોયું નહિ ?’
‘એમાં ભાઈલા, તેં ધાડ શી મારી એ કહીશ, જરા ?’
‘એટલે ?’
‘આ બધો ખેલ તો અમે રોજ કરીએ છીએ. ફેર એટલો કે તું જે જાહેરમાં કરે છે એ અમે ખાનગીમાં કરીએ છીએ.’
‘સમજાયું નહીં, શેઠ…..’
‘તને નહીં સમજાય…… અમે જેવી ચીજો ખાઈએ છીએ એવી તો તુંય નહીં ખાતો હોય…. ઘીમાં ડુક્કરની ચરબી, મરચામાં લાકડાનું ભૂસું, ધાણાજીરામાં ઘોડાની લાદ, લસ્સીમાં બ્લોટિંગ પેપર-બોલ, આવી બધી વસ્તુઓ તેં કદીય ખાધી છે ?’
….ને પેલો પોતાનો ખેલ કરવા બીજા લત્તા તરફ ચાલતો થયો.
વધુ આગળ વાંચો »





