ઓળખ – હરજીવન દાફડા

કોઈ સાધુ-ફકીરને ઓળખ,
તે પ્રથમ આ શરીરને ઓળખ.

ધન વગર મોજશોખ માણે છે,
કો’ક એવા અમીરને ઓળખ.

આયખાનો અવાજ રૂંધે છે,
એ અહમની લકીરને ઓળખ.

તું ઝવેરી જ હોય સાચો તો,
હેમ ઓળખ, કથીરને ઓળખ.

તું જ આસન લગાવ અંતરમાં,
તું જ તારા કબીરને ઓળખ.