સુખ અંદરથી આવે છે – અવંતિકા ગુણવંત

[‘અભરે ભરી જિંદગી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

અસીમા ને શિખા કૉલેજમાં સાથે ભણતાં હતાં. અભ્યાસ પૂરો થયા પછી છૂટાં પડ્યાં તે છેક આજે મળ્યાં છે. લગભગ બત્રીસ વરસે. આ બત્રીસ વરસમાં તો ઘણું ઘણું બન્યું છે. બેઉ પરણ્યાં. સંતાનો થયાં. એમનાંય લગ્ન થયાં ને અલગ સંસાર રચાયા છે. બેઉ ખૂબ ઉમળકાથી એકબીજાને મળે છે ને ઉત્કટતાથી ખબરઅંતર પૂછે છે. શિખા બોલી :
‘મારે એક દીકરો છે. એ ડૉક્ટર છે ને મદ્રાસના દવાખાનામાં સર્વિસ કરે છે. દીકરી પરણી છે. એનો વર બૅન્કમાં છે. હાલ એ સૂરતમાં છે. તારે શું સંતાનો છે ?’
‘મારે દીકરો નથી, ચાર દીકરીઓ છે. ચારે પરણી છે ને સુખી છે.’ અસીમા બોલી.

અસીમાના મોં પર સુખ ને સંતોષની આભા જોઈને શિખાને થયું નક્કી એના જમાઈઓ ખૂબ પૈસાદાર હશે તેથી જ આટલા આનંદથી વાતો કરે છે. શિખાનો જમાઈ બૅન્કમાં નોકરી કરતો હતો, એણે પોતાનો ફલૅટ લીધો હતો, ધીરે ધીરે બધી સગવડો વસાવી હતી છતાં દીકરી મળે ત્યારે ફરિયાદ જ કરતી હોય, બબડતી હોય, ‘આ તે કંઈ જીવન છે ? પૈસો પૈસો કરીને બચત કરવી પડે છે. એક વસ્તુ વસાવવી હોય તો આખું વરસ કરકસર કરવી પડે છે, કંઈ કેટલાય ઠેકાણે કાપ મૂકો તો એક ચીજ ખરીદાય ! લોકો કેટલા એશારામથી જીવતા હોય છે. મને તો બજારમાં નીકળું ને સારી સારી વસ્તુઓ જોઉં ને જીવ બળી જાય છે. ટી.વી.માં જાહેરખબર જોઉં ને મન એવું ચચરે કે આ બધું હું ક્યારે વસાવીશ ?’
વધુ આગળ વાંચો »

ધનસંપત્તિ – અવંતિકા ગુણવંત

[‘હલચલ’ સામયિકમાંથી સાભાર. આપ શ્રીમતી અવંતિકાબેનનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.]

ટેકરા પાસેની ઝૂંપડપટ્ટીને ખસેડીને એ ખાલી જગ્યામાં પાયા ખોદાતા હતા ત્યારથી ત્વિષા એ બાંધકામ જોતી આવી છે. શરૂઆતમાં એને હતું કે એપાર્ટમેન્ટની કોઈ સ્કીમ હશે. પણ બાંધકામ શરૂ થયું ને એને ખ્યાલ આવવા માંડ્યો કે આ કોઈ હાઈરાઈઝ બિલ્ડિંગ નહિ પણ કોઈનો બંગલો બને છે. ‘ઓહોહો, આવી વિશાળ જગ્યામાં એક જ કુટુંબનો નિવાસ ! કેવાં ભાગ્યશાળી હશે આ બંગલામાં રહેનારાં !’ ત્વિષાથી બોલાઈ ગયું. બંગલો ક્રમશ: આકાર લેતો ગયો – વિશાળ ઓરડાઓ, મોટાં મોટાં બારણાં ને બારીઓ, કમાન અને ઝરૂખા, કોતરણીવાળી જાળીઓ અને કલાત્મક સ્તંભો – બધું જ અનુપમ, કલાના ઉત્કૃષ્ટ નમૂના જેવું.

ત્વિષા એ બંગલાને પસાર કરીને દૂર જાય પછીય એના ચિત્તમાં એ બંગલો રમ્યા કરે. એની નજર આગળથી એ બંગલો ખસે જ નહિ. એ વિચારે – આજકાલ તો કુટુંબો મોટાં હોતાં નથી, માંડ ચાર-છ માણસનું કુટુંબ હોય, બાકી હોય નોકરોનો કાફલો. એ કુટુંબના નોકરોનેય કેવા આલીશાન બંગલામાં રહેવાનું મળશે ! એ લોકોએય પુણ્ય કર્યા હશે, અને અરેરે, અમે કેવાં પાપ કર્યાં હશે તો બે ઓરડીના ફલેટમાં રહેવું પડે છે. જિંદગી આખી વૈતરું કરીશું તોય બે ઓરડીમાંથી ત્રણ ઓરડીઓ નહિ થાય.

ત્વિષા પોતે નોકરી કરતી હતી, એનો પતિ અરીલ પણ નોકરી કરતો હતો. સીમિત એમની આવક હતી. આજ સુધી ત્વિષા પોતાની જિંદગીથી ખુશ હતી. એને કોઈ અભાવ-અછત નડ્યાં ન હતાં. કોઈની સંપત્તિએ એને બેચેન નહોતી બનાવી. સ્નેહ, સમજ અને સંસ્કારને એ પોતાની સંપત્તિ માનતી. એ બોલતી, ‘મનથી હું મહારાણી જેવું જ ગૌરવ અનુભવું છું.’ પરંતુ એણે આ બંગલો બંધાતો જોયો છે ત્યારથી એનામાં અસંતોષ જાગ્યો છે. એનું હૈયું ચચર્યા કરે છે કે, ‘અમે ગમે એટલી મહેનત કરીએ તોય વૈભવ નહિ પામી શકીએ. અમારે લમણે તો કરકસર જ લખાઈ છે. બે રૂપિયા અને પાંચ રૂપિયાના સરવાળા-બાદબાકી કરતા રહીશું.’
વધુ આગળ વાંચો »

પ્રેમથી થાય પરિવર્તન – અવંતિકા ગુણવંત

[દામ્પત્યજીવનની વિવિધ સમસ્યાઓનું સુંદર સમાધાન મળી રહે તેવા અનુપમ લેખોનો સંચય ‘કુર્યાત સદા મંગલમ’ પુસ્તકમાં થયો છે. ‘જનકલ્યાણ’ સામાયિકમાં નિયમિતરૂપે પ્રકાશિત થતા આ લેખો સંગ્રહિત થઈને તાજેતરમાં પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. અવંતિકાબેનનો આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 036શિયાળાની બપોર છે. બધાં શાંતિથી પોતપોતાના રૂમમાં આરામ કરે છે. ત્યારે નવપરિણીતા નિતલે જોયું કે એનાં સાસુ અરૂપાબહેન રસોડામાં કંઈક ઉદ્યમ કરી રહ્યાં છે.
‘અત્યારે શું કરો છો ?’ નિતલે સંવેદનાહીન અવાજે કહ્યું.
‘નાસ્તો બનાવું છું.’ ઉત્સાહથી અરૂપાબહેને કહ્યું.
‘પણ આ તો તમે રોટલી લઈને બેઠાં છો.’
‘હા, બૂરુ ખાંડ, સહેજ ચોખાનો લોટ અને પાણીને મિક્સ કરીને પેસ્ટ બનાવી છે, તેને આ વધેલી રોટલી પર લગાડી વીંટો વાળીને તળી લઈશ, બિસ્કિટ જેવું લાગશે, હમણાં ચા બનાવીશું ત્યારે ખાઈશું.’

નિતલ કંઈ બોલી નહિ. એને સાસુની આવી પ્રવૃત્તિમાં જરાય રસ ન પડ્યો. અરૂપાબહેન સવારના છ વાગ્યે ઊઠે ત્યારથી કંઈ ને કંઈ કર્યા જ કરે. ઘરનું ફર્નિચર જુદી રીતે ગોઠવે. આંગણામાં ગોઠવેલાં કુંડાં અને ક્યારામાં ગોડ કરે ને કંઈક વાવે ને કાપે અને રસોડું તો જાણે એમના માટે સ્વર્ગ. એનાં એ જ લોટ, દાળ, શાક અને મસાલા હોય પણ એમાંથી રોજ નવી નવી વાનગી બનાવે. ભાણામાં નવા રૂપરંગ સ્વાદવાળી વાનગીઓ પીરસાય. અમીય એની મમ્મીના આ ગુણનો પૂજારી હતો. પરંતુ નિતલને સાસુની આ રીત ના ગમે. એ રસ ના લે, મદદ ના કરે પણ બેધડક બોલે, ‘મમ્મીને તો જીવતાં જ નથી આવડતું. આખો દિવસ કામ કામ ને કામ. મને એમને જોઈને થાક ચડી જાય છે.’ અમીય ક્યારેય અરૂપાબહેનને કહેતો : ‘મમ્મી, નિતલને તારી પાસે બેસાડીને બધું શીખવને.’
વધુ આગળ વાંચો »

સોનામાં સુગંધ – અવંતિકા ગુણવંત

[‘સહજીવનનું પ્રથમ પગથિયું’ પુસ્તકમાંથી સાભાર. શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) આપ +91 79 26612505 પર સંપર્ક કરી શકો છો.]

‘મમ્મી, લે આ તારા માટે.’ કહીને અર્પણે સોનાની ચાર બંગડીઓ સંતોષબહેનના હાથમાં પહેરાવવા માંડી. સંતોષબહેન નવીનકોર ઝગારા મારતી બંગડીઓ મૂંઝવણથી જોઈ રહ્યાં. એમણે પૂછ્યું, ‘આ નવી બંગડીઓ મને કેમ પહેરાવે છે ? હવે તો તારે આકાંક્ષાને દાગીના ઘડાવી આપવાના હોય, મને નહીં. તારે એની હોંશ પૂરી કરવાની હોય.’
‘મમ્મી, આ હું એની જ હોંશ પૂરી કરું છું. જ્યારે એણે જાણ્યું કે અમારાં લગ્ન વખતે એની બંગડીઓ ઘડાવવા તેં તારી બંગડીઓ ઉતારી આપી હતી ત્યારે જ એણે કહ્યું હતું કે મમ્મીને આપણે વહેલામાં વહેલી તકે નવી બંગડીઓ કરાવી આપવી જોઈએ. એથી તો લગ્ન પછી અમે માથેરાન ફરવા જવાનાં હતાં એ કેન્સલ કર્યું. એ પૈસા બચ્યા અને લગ્ન પહેલાં આકાંક્ષા જોબ કરતી હતી એની એ બચત ઉપરાંત આકાંક્ષાએ લોન લીધી અને આ ચાર બંગડીઓ ઘડાવી.

સંતોષબહેન તો આભાં જ બની ગયાં. દીકરાને પોતાની માને બંગડીઓ ઘડાવી આપવાનું મન થાય પરંતુ વહુ એમાં પોતાનો સાથ સહકાર આપે ! વહુએ તો હજી હમણાં જ આ ઘરમાં પગ મૂક્યો છે; એને મારો શું પરિચય ? તોય એણે એની પોતાની બચતના પૈસા કાઢ્યા ને ઉપરાંત લોન લીધી અને હનીમૂન પર ના ગયાં. આખી જિંદગીમાં હવે ફરીવાર હનીમૂન પર જવાની તક આવવાની નથી. દામ્પત્યજીવનના આરંભના એ દિવસો કેવા વિસ્મય કુતૂહલ અને રોમાંચથી ભરપૂર હોય ! બેમાંથી એક થવાની એ અનન્ય અદ્દભુત અનુભૂતિ કુદરતના સાંનિધ્યમાં માણવાની એ તક મને બંગડીઓ ઘડાવી આપવા ખાતર જતી કરી.
વધુ આગળ વાંચો »

સંબંધોમાં સ્નેહ – અવંતિકા ગુણવંત

[‘એક દૂજે કે લિએ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] સ્નેહની પરખ જ નથી ?

કુળ, કુટુંબ, અભ્યાસ અને બાહ્ય દેખાવ જોઈને ઉદિત અને વૈભવીએ એકબીજાને પસંદ કર્યા. બેઉ કુટુંબને સંતોષ થયો કે સંતાનોએ યોગ્ય પસંદગી કરી. હવે વિવાહ વખતે આપવાની સાડી પસંદ કરવા ઉદિતની મમ્મી વીણાબેને વૈભવીને ફોન કર્યો. વૈભવી મળી નહીં પણ વૈભવીના બદલે એની મમ્મી રમુબેને વીણાબેનને કહ્યું, ‘તમારી પસંદગીની સાડી ખરીદીને આપો. તમારા તરફથી અપાતી પ્રથમ શુકનની સાડી સાથે તમારા આશીર્વાદ અને પસંદગી ભળેલાં હોવાં જોઈએ. વૈભવીને તમારી પસંદગી ગમશે.’

રમુબેને એવી મીઠાશથી આવું કહ્યું કે વીણાબેન ખુશ થઈ ગયાં. ઉદિતે આ સાંભળ્યું તો એય ખુશ થયો. એ સાંજે વૈભવીને મળ્યો ત્યારે કહે, ‘તારી મમ્મીએ જે કહ્યું એથી મારી મમ્મીને એટલું સારું લાગ્યું કે વડીલોની લાગણીને તમારે ત્યાં કેટલું માન અપાય છે !’ ઉદિતના મનમાં હતું કે વૈભવી પણ મીઠી મધઝરતી પ્રેમાળ ભાષામાં એવું જ કંઈ બોલશે. પરંતુ વૈભવી તો ફટ દઈને બોલી, ‘એમને સારું જ લાગે ને એમને સસ્તી સાડી ખરીદવી હોય તો ખરીદી શકે, હું હોઉં ને મોંઘી પસંદ કરું તો પ્રોબ્લેમ થઈ જાય, ખોટો ખર્ચો થઈ જાય. મારી મમ્મીએ તમારી સ્થિતિ સમજીને આવું કહ્યું હતું.’

ઉદિતને જનોઈવઢ ઘા પડ્યો. ઓહ, વૈભવી ને એનાં મમ્મી આટલાં અભિમાની છે ! હેતપ્રેમ પારખતાં એમને આવડતું જ નથી. મારી મમ્મીએ તો લેટેસ્ટ ફૅશનની સાડી વિશે કેટલી જાણકારી મેળવી હતી ! પપ્પાને હરખભેર કહ્યું હતું, ‘તમે મને વધારે પૈસા આપજો, વૈભવીને હું એને મનગમતી સાડી અપાવવાની છું, ભલે એ ગમે તેટલી મોંઘી હોય. ત્યારે પપ્પા બોલ્યા હતા ‘હા, આપણે અત્યારે અપાવવાની છે પછી તો ઉદિત અપાવશે. ઉદિત સારું કમાય છે, એના બધા શોખ પૂરા કરશે. પછી તો આપણને વૈભવીને અપાવવાનો ચાન્સ જ નહીં મળે.’ પપ્પાના અવાજમાં કેટલી હોંશ હતી. મારાં મમ્મી-પપ્પાની લાગણીની આમને તો કંઈ પડી જ નથી. આવું વર્તન ને સ્વભાવ મારા ઘરમાં ન ચાલે. આ તો ડગલે ને પગલે અપમાન કરશે અને ઉદિતે વાત ત્યાં જ અટકાવી દીધી. ઉદિત અને વૈભવીનો સંબંધ બંધાયા પહેલાં જ તૂટી ગયો.
વધુ આગળ વાંચો »

એ ઘડી વીતી ગઈ – અવંતિકા ગુણવંત

[‘પ્રેમ ! તારાં છે હજાર ધામ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 067દેવશ્રી રુચિરને રોજ મળતી ને એક પત્ર આપતી. પાંચસાત લીટીમાં એ કાગળ પૂરો થઈ જતો. ક્યારેક તો એકાદ બે લીટીમાં જ – પણ એ થોડા જ શબ્દોમાં દેવશ્રી એનું હૈયું ઠાલવી દેતી. એ કાગળ વાંચીને રુચિરનો ચહેરો પુલકિત થઈ ઊઠતો. હસી ઊઠતો. દેવશ્રી અધીરી થઈ ઊઠતી કે રુચિર હવે કંઈક બોલશે, પણ રુચિર કંઈક બોલતો નહીં. દેવશ્રીના મનમાં પ્રશ્ન અટવાયા કરતો કે ‘રુચિર મને કહે, તું કેમ આટલો ખુશ થઈ ગયો ? મારા કાગળથી તારા હૈયામાં કેવી લાગણીઓ ઊઠે છે ?’ પણ દેવશ્રી મનમાં ઊઠતો એ પ્રશ્ન હોઠ બહાર કાઢી શકતી નહિ. વાતાવરણ જીવંત રાખવા એ એક હજાર ને એક નિરર્થક સવાલો પૂછતી ને રુચિર એ પ્રશ્નોના જવાબ આપતો. પણ દેવશ્રીના હૃદયને બેચેન કરી મૂકતો પેલો સવાલ તો બાકી જ રહી જતો.

રુચિર દેવશ્રી સાથે દુનિયાભરની વાતો કરતો. નાનપણનાં તોફાનની, મિત્રો સાથે હતુતુ અને નાગોળચું રમતાં કેટલી વાર પડ્યો હતો ને હાથપગ છોલાયા હતા. સંતાકૂકડી રમતાં ભોંયરામાં જતાં એ કેવો ડરતો હતો ને ખો રમે ત્યારે દાવ આવે તો એ કેવો ગભરાઈ ઊઠતો, લખોટી રમવાની કુનેહ કુશલતા કદી સધાઈ નહિ ને કાયમ હારી જતો, બધી લખોટીઓ ગુમાવવાથી સર્વસ્વ ગુમાવ્યું હોય એમ એ હક્કાબક્કા થઈ જતો. આમ બાળપણની વાતો એ સંપૂર્ણ વિગતે દેવશ્રીને કરતો, ત્યારે દેવશ્રી એકીટશે એના મોં-આંખો સામે જોતી. રુચિરની આંખોમાં બાળકોની દુનિયા દેખાતી પણ દેવશ્રીને એના સવાલનો જવાબ ના મળતો.
વધુ આગળ વાંચો »

પ્રેમ અશક્યને શક્ય બનાવે છે – અવંતિકા ગુણવંત

[‘અખંડ આનંદ’ માર્ચ-2009માંથી સાભાર. આપ અવંતિકાબેનનો (અમદાવાદ) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505.]

આત્રેયી રોજ એની મમ્મી સુચિત્રાને મળવા આવે છે. પહેલાં તો અઠવાડિયે એક વાર આવતી હતી પણ હમણાં હમણાંથી એનું આવવાનું વધી પડ્યું છે, લગભગ રોજ આવે છે. એક જ શહેરમાં રહેતી દીકરી માને મળવા આવે એમાં નવાઈ નથી, એ મળવા ના આવે તો નવાઈ; પણ સુચિત્રા મૂંઝાય છે કે દીકરી આવે તો છે પણ કેમ કંઈ બોલતી નથી ? મા-દીકરીનો સંબંધ એવો આત્મીય ગણાય છે કે કશું કહ્યા વિના ઘણું બધું કહેવાય જાય છે અને સમજાઈ જાય છે. દીકરીને જોઈને સુચિત્રાને એટલું સમજાય છે કે દીકરી બેચેન છે, કોઈ અજંપો એને પીડી રહ્યો છે. એ મને કહે નહીં તો શી રીતે આવશે એની સમસ્યાનો ઉકેલ ? શી રીતે દૂર થશે એની બેચેની, અજંપો ?

સુચિત્રા દીકરીની બાજુમાં બેસીને એને પંપાળે છે, એની ઉદાસ મુખમુદ્રા અને નિસ્તેજ આંખો જોઈને ચિંતામાં ડૂબી જાય છે. એને થાય છે દીકરી કંઈ બોલે, એની મૂંઝવણ વિશે કંઈ કહે પણ દીકરી કંઈ કહેતી નથી. છેવટે સુચિત્રાએ સ્નિગ્ધ સૂરે પૂછ્યું : ‘દીકરી, કંઈ તો બોલ. કોણે તને દુભાવી કે તું આટલી બેચેન બની ગઈ છે ?’
‘મમ્મી, બહારની કોઈ વ્યક્તિએ મને દુભાવી નથી. હું મારા કારણે જ દુ:ખી છું.’ આટલું કહીને આત્રેયી થોડી વાર અટકી અને પછી બોલી, ‘મેં ઝંખ્યું હતું એ મને અરૂપમાં દેખાયું, એટલે તો અરૂપ સાથે હું જોડાઈ. ત્યારે મારી જાતને હું નસીબદાર માનતી હતી પણ…. પણ હવે મને અરૂપના સંગે કોઈ સુખ નથી લાગતું.’
‘કંઈ સમજાય તેવું બોલ.’ ઉચાટભર્યા સૂરે સુચિત્રા બોલી.

‘મમ્મી, હવે મારા જીવનમાં મને ખાલીપો અનુભવાય છે, બધે સૂનકાર વરતાય છે, જાણે લગ્ન કરીને મેં કંઈ મેળવ્યું નથી. હું આખી જિંદગી હારી ગઈ, મેં બધું ગુમાવી દીધું હોય એવું લાગ્યા કરે છે. ત્યારે મને લાગતું હતું કે મારું સ્વપ્નું સાકાર થયું. હું મુગ્ધાવસ્થામાં પ્રવેશી ત્યારથી મારા મનમાં એક સ્વપ્નું રચાતું ગયું હતું કે હું લખલૂટ સંપત્તિની સ્વામિની બનીશ, હું દુનિયાના દેશોની સફર ખેડીશ. દેશ દેશની કલાત્મક વસ્તુઓ – ખાસ તો એન્ટીક પીસ ખરીદીને મારું ઘર સજાવીશ. મારા ઘરમાં અલગ એક લાઈબ્રેરી હશે જ્યાં પુસ્તકો જ પુસ્તકો હશે, ત્યાં દીવાલ પર સુંદર પેઈન્ટિંગ હશે. મારી જિંદગીમાં કોઈ અભાવ નહીં હોય, અછત નહીં હોય. મમ્મી, અરૂપ સાથે લગ્ન મને વૈભવી જિંદગી મળી, હું ધારું એટલા પૈસા ખરચી શકું છું છતાં હું સુખી નથી. મમ્મી, હું સુખી નથી. મને સંતોષ નથી…’
વધુ આગળ વાંચો »

એક દૂજે કે લિએ – અવંતિકા ગુણવંત

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા અવંતિકાબેનના પુસ્તક ‘એક દૂજે કે લિએ’ની પ્રસ્તાવના થોડા દિવસો અગાઉ આપણે માણી હતી. આજે માણીએ તેમાંના બે સુંદર લેખો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે અવંતિકાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે : avantika.gunvant@yahoo.com અથવા આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505 - તંત્રી ]

[1] એ જિંદગી જીવવાની કલા જાણે છે

ઋષભ મુંબઈથી કન્યાની પસંદગી માટે એના ગામ આવ્યો. મામી બોલ્યાં : ‘શહેરની એકે છોકરી નજરમાં ન આવી તો છેક અહીં છેવાડાના ગામમાં આવ્યા ? અહીંની છોકરી તમને નજરમાં ય નહીં આવે. અહીંની છોકરીને ટાપટીપ બહુ ન આવડે, પટ પટ બોલતા ન આવડે, થોડી શરમાળે હોય. તમે તો મોટા સર્જન ડૉક્ટર. કેવો તમારો ફલેટ, ત્યાં અહીંની ઊછરેલી શોભતી હોય ?’
મામા બોલ્યા : ‘બહેન કહેતાં હતાં કે કેવી કેવી ડૉક્ટર છોકરીઓ આવે છે, ઋષભ જેટલું જ ભણેલી, કમાતી ને વળી રુઆબદાર, રૂપાળી પરંતુ ઋષભ કહે છે ઘરમાં હું એક ડૉક્ટર છું તો બસ છે. મારે ડૉક્ટર નહીં કલાકાર છોકરી જોઈએ છે.

બનેવી કહેતા હતા કે, ‘આવું સાંભળ્યું ને કલાકાર છોકરીઓની લાઈન લાગી ગઈ. કોઈને ગાતાં આવડે, કોઈને નાચતાં તો કોઈને ચીતરતાં. એ બધીઓનાં નામનાં સિક્કા પડે, છાપામાં ફોટા આવે, પણ ભાઈસાહેબને એકે પસંદ ન પડે. કહે છે મારે તો જેનો આત્મા કલાકારનો હોય, જેનાં રૂંવેરૂંવેથી સૌમ્યતા ને શીતળતા પ્રગટતી હોય એવી જીવનસાથી જોઈએ. એ છોકરી જીવન જીવવાની કલા જાણતી હોવી જોઈએ.’ મામાએ એમનું કહેવાનું પૂરું કર્યું એટલે મામી બોલ્યાં : ‘જુઓ ભાઈ, આ મયૂરી તમને પસંદ પડે તો એના તો ભાગ્ય જ ખૂલી જશે. છોકરી ખોટી નથી.’
વધુ આગળ વાંચો »