વિચારમંથન – સંકલિત
[1] નિશા-અનુપમાને સલામ ! – રજની દવે
21મી સદીમાં આપણને સહજ રીતે એમ જ લાગે કે હવે તો જૂનાં સામાજિક દૂષણોએ વિદાય લીધી છે. પરંતુ નવા જમાનાની ઝાકમઝોળની લાલચ ઘણાને ભ્રષ્ટ કરી રહી છે. લગ્નમાં હવે ટૂ વ્હિલર, ફોર વ્હિલર, ટી.વી. વીડીયો, ફ્રિઝ વગેરે વરપક્ષ તરફથી માંગવામાં આવી રહ્યાં છે. આમ તો નાની મોટી ભેટો તો આપવાનો રિવાજ ચાલુ જ છે પરંતુ જ્યારે બેફામ માંગણીઓ કરવામાં આવે છે ત્યારે કન્યા પક્ષના ધબકારા વધી જાય છે.
આ બાબતે 2003માં બનેલા બે-ત્રણ કિસ્સા યાદ કરવા જેવા છે. નિશા શર્મા એક ઈજનેર બાપની દીકરી સૉફટવૅર ઈજનેરીના છેલ્લા વર્ષમાં ભણતી હતી. 21મા વર્ષે લગ્ન લેવાયાં. મુનશી સાથે લગ્ન ગોઠવાયા. ઈજનેર બાપે ઘણી બધી ભેટ ચીજો જમાઈ તેમજ તેના મોટાભાઈ માટે ખરીદી હતી. પરંતુ લગ્ન સમયે સાસુમાએ વરરાજાના મોટાભાઈ માટે કાર અને 12 લાખ રોકડા માંગ્યા. નિશા અગ્નિની સાક્ષીએ બેઠી હતી પરંતુ સાસુની ખોટી માંગે તેના મગજમાં ગુસ્સાનો અગ્નિ પ્રગટાવ્યો. તેણે જાતે જ પોલીસને ફોન કરીને બોલાવી અને વરરાજાને જેલના સળિયા ગણતો કર્યો.
અનુપમાની પણ એવી જ કહાની છે. અનુપમાએ દહેજની માંગણીને વશ ન થતાં સી.આર.પી.ની હાજરીમાં લગ્નમંડપનો ત્યાગ કર્યો. એક અન્ય છોકરીના લગ્નમાં જાન ચાર કલાક મોડી આવી અને આવ્યા પછી ચાલુ ભેટો ઉપરાંત 8 લાખ રોકડા માંગ્યા. તેણે પણ લગ્નની ચોરીનો ત્યાગ કર્યો. આજે નિશા અને અનુપમાની હિંમત જોઈને ઘણા બધા પ્રેરણા લેશે તેવું લાગે છે. જે પ્રેમ ખાતર નહીં પણ પૈસા ખાતર લગ્ન માટે તૈયાર થાય તેવાને લીલા તોરણે જાકરો મળે તેવું વાતાવરણ સર્જવાની જરૂર છે. નિશા-અનુપમા તેમજ અન્ય સાહસ કરવાવાળી યુવતીઓને સલામ કરીએ. (‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.)
વધુ આગળ વાંચો »
વાત મૂલ્યો અને સંસ્કારોની…. (ભાગ-3) – સંકલિત
[ થોડા મહિનાઓ અગાઉ ‘અખંડ આનંદ’ સામાયિક દ્વારા ‘વાત મૂલ્યો ને સંસ્કારોની...’ વિષય પર સૌને સત્યઘટના કે એ પ્રકારના જીવનપ્રસંગો પર લખવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે સંકલિત થઈને સામાયિકના કેટલાક અંકોમાં પ્રકાશિત થયા હતા. તેમાંથી આપણે થોડા સમય અગાઉ ભાગ-1, ભાગ-2 માં કેટલાક પ્રસંગો માણ્યા હતા. આજે માણીએ જાન્યુઆરી-2010ના અંકમાંથી થોડા અન્ય પ્રસંગો.]
[1] શક્તિ મુજબ જીવન જીવ – ભરત આર. જાદવ
બી.ઍડ. કર્યા પછી તે જ વર્ષે શહેરની પ્રતિષ્ઠિત શાળામાં નોકરી મળી ગઈ. શહેરના મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીં જ આવે. 70 ઉપરાંત શિક્ષકોથી ઉભરાતો સ્ટાફખંડ. બે-ચાર ને બાદ કરતા બધા વેલસેટ. મોટા ભાગના શિક્ષકો અને કેટલાક વિદ્યાર્થીઓ પણ મોંઘીદાટ બાઈક લઈને જ શાળાએ આવે, અરે કેટલાક તો કારવાળાએ ખરા, ને તેવા વાતાવરણમાં મારે પગપાળા આવવાનું બનતું. તેથી ક્યારેક સંકોચ થતો, તો ક્યારેક ખુદને કોસતોય ખરો – ‘હું પણ નોકરી કરું છું ને છતાં એક બાઈક પણ લાવી શકતો નથી.’ પછી મનોમન ઘણી ગોઠવણો કરી નવું નહિ તો જૂનું બાઈક ખરીદી લેવાનો નિર્ણય કરી, શનિવારની સ્કૂલ ભરી હું ગામડે મા-કાકા પાસે ગયો.
જુલાઈના અંતિમ દિવસો હતા. ખેતરોમાં મકાઈ-મગફળી લીલા લહેર કરતાં હતાં. ‘મા-કાકા (અમે બાપુજીને કાકા કહીએ છીએ) બન્ને ખેતરમાં મકાઈનાં નીંદણ કરતાં હતાં. હું સીધો મા પાસે જઈને બેસી ગયો. તેણે તેની હંમેશાંની આદત મુજબ શીતળ હૈયે ‘હમણાં આયો બેટા ?’ કહી માથે હાથ ફેરવ્યો. ને પડખે રહેલી છીંકણીની ડબ્બીમાંથી ચપટી ભરી હાથ નાકે મૂક્યો. કાકા પણ ખુશ થયા, થોડી ઔપચારિક વાતો પછી મેં માને ધીરેથી કહ્યું : ‘મા, મારી શાળામાં ક્રેડીટ સોસાયટી લોન આપે છે. હું વિચારું છું કે ત્યાંથી લોન લઈ એક મોટર સાઈકલ લઈ લઉં.’
માએ છીંકણીની ડબ્બી મૂકી હાથ ખંખેરતાં મારી સામે હળવા ભાવે જોયું. જાણે એ કંઈક વિચારતી હોય એવું લાગ્યું. હું કંઈ બોલું એ પહેલાં જ ખૂબ જ મૃદુ અવાજે મારી આંખોમાં આંખ પોરવી એણે કહ્યું, ‘જો બેટા, અમે હાડકાંતોડ મજૂરી કરી, ખેતરોમાં દિવસ-રાત વિતાવી તમને બધાં ભાઈ-બહેનોને ભણાવ્યાં-પરણાવ્યાં અને નોકરી-ધંધે લગાડ્યાં. ને તોય રૂપિયાનું દેવું કર્યું નથી. ને તું આજે જાતે કમાતો થયો ત્યારે દેવું કરીને મોટરસાઈકલ લાવવાની વાત કરે છે ? તને શરમ આવે છે ? જે દિવસે તારી પાસે રૂપિયા ભેગા થાય ત્યારે તારે જે ખરીદવું હોય તે ખરીદજે. દેવું કરીને આપણે મોટા થવું નથી.’ આટલું કહી તે તેના કામમાં વળગી ગઈ. મેં પણ તેની પાસે પડેલું દાંતરડું લઈ નીંદણ કામ શરૂ કર્યું, બાઈકનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો. એક જ વર્ષ થયું. ‘મા’ સદેહે પાસે નથી. પૈસેટકે હાથ ચાલતો થયો છે, ને ઘણું બધું ખરીદવાની ઈચ્છા થાય છે. ત્યારે ‘મા’ની એ મુદ્રા અને શિખામણ હૃદયમાં ઊભી થાય છે અને તેણે આપેલ શક્તિ મુજબ જીવવાનો મંત્ર જાણે સિદ્ધ થયો હોય એમ ઘણા પ્રસંગોએ પ્રેરક બની રહ્યો છે. જીવનમાં સાદગી, ઓછી વસ્તુઓથી ચલાવવું, શક્તિ મુજબનો ખર્ચ કરવો જેવાં પાયાનાં મૂલ્યોનું શિક્ષણ આજે જીવનની સંજીવની બની રહ્યું છે.
વધુ આગળ વાંચો »
રંગ છે બાપુ ! – સંકલિત
[સૌ વાચકમિત્રોને ધૂળેટીના પર્વની શુભેચ્છાઓ. – તંત્રી.]

કરસનકાકા : ‘તેં મને છેતર્યો.’
દુકાનદાર : ‘સાહેબ, સારામાં સારી ક્વોલિટીનો રેડિયો આપ્યો છે.’
કરસનકાકા : ‘લખ્યું છે તો મેઈડ ઈન જાપાન પણ ચાલુ કર્યો તો રેડિયોમાં કહે છે : ધિસ ઈસ ઓલ ઈન્ડિયા રેડિયો.’
*********
આંખના ડૉક્ટર : ‘તમને ખરેખર ચશ્માં છે.’
દર્દી : ‘તપાસ કર્યા પહેલાં તમને કઈ રીતે ખબર પડી ?’
આંખના ડૉક્ટર : ‘દરવાજો છોડી તમે બારીમાંથી આવ્યા.’
*********
કનુ અને કેતન જંગલમાં ફરતા હતા ત્યાં અચાનક વાઘ જોયો. બંને ઊભી પૂંછડિયે નાઠા. કનુએ પોતાની થેલીમાંથી દોડવા માટેના ખાસ બૂટ કાઢ્યા.
કેતન : ‘દોડી શકીશ ?’
કનુ : ‘વાઘ કરતાં નહિ તારા કરતાં ફાસ્ટ દોડી શકીશ એટલે બસ !’
*********
વધુ આગળ વાંચો »
આમ આદમીની વાત – સંકલિત
[ 'અરધી સદીની વાચનયાત્રા'માંથી સાભાર.]
[1] મુંબઈનો માળો – સુરેશ દલાલ
મુંબઈ જેવું વિશાળ શહેર, એમાં ભરચક લત્તાઓ, એમાં એક નાનકડી સાંકડી ગલી, એમાં એક ચાર મજલાનું મકાન, મકાનની લગોલગ લગનની વાડી, વાડીમાં પીપળાનું ઝાડ, પીપળાના ઝાડમાં ભેરવાયેલા ફાટેલા પતંગો અને ચાર માળ પર રહેતા માણસોનો બબ્બે ઓરડીઓમાં સચવાયેલો સંસાર….
મકાનને દાદરે બેસી વાડીમાં ઘણી વાર જોયા કર્યું છે. લગ્નની મોસમમાં દરરોજ નવો માંડવો… સવારના પહોરથી વાતાવરણમાં સાડીશેલાંના રંગ….ધોતિયું, કફની, સફેદ ટોપી અને સફેદ ચંપલ… વાજાંવાળાઓ… લાઉડસ્પીકર…. વરઘોડો આવે ત્યારે મુકાતી લગભગ એક જ રેકર્ડ ‘ઘૂંઘટકા પટ ખોલ રે, તોહે પિયા મિલેંગે…’ પછી રાતનો સમય, બત્તીઓ…. અને પછી કન્યાવિદાય… આંસુઓ…. શિખામણો…… શણગારેલી મોટર અને….. આમ ને આમ સંસારની શરૂઆત…. ફલેટમાં કે ઓરડીમાં…. વાડીમાં પીપળો એમ ને એમ ઊભો છે. કેટલાંયે લગ્ન… જમણ…રિસેપ્શન… નાનામોટા ઝઘડા… માણસનાં નાનાં મન… એની ઈર્ષાઓ… એની પ્રદર્શનવૃત્તિ, રોશની અને એ પછીનો અંધકાર…. ધામધૂમ અને એ પછીનો સૂનકાર….
ચાર માળના મકાનના પગથિયે પગથિયે શૈશવે કૂદકા-ભૂસકા માર્યા છે, કિશોરાવસ્થાએ તંબૂ તાણ્યા છે. પ્રત્યેક ઓરડીનો જુદો જુદો સંસાર જોવા મળ્યો છે – તો આખા માળાનું સામૂહિક જીવન પણ જાણવા મળ્યું છે. દાદરની વચ્ચેની જગામાં, છૂટક કામ કરતા ઘાટીઓ પણ પોતાના એશઆરામની પળોને પાનતમાકુથી લાલમલાલ કરી મૂકતા કે બીડીનાં ઠૂંઠાંથી તેજીલી કરતા જોયા છે. પ્રત્યેક ઓરડીનું વ્યક્તિત્વ જુદું. બહારથી બધી જ સમાન લાગે એ તો માત્ર આભાસ. કોઈકને ઘેર-આંગણે તોરણ લટકે. તોરણના પોપટ બોલકા લાગે અને ઓરડીના માણસો મૂંગા. કોઈકનાં બારણાં બાંડાં જ હોય. ઊંબરા તો પ્રત્યેક ઓરડીના પૂજાય. સામેના પીપળાને કંકુના છાંટા નિયમિત મળે.
વધુ આગળ વાંચો »
આકાશગંગા – સંકલિત
[1] સમજદાર – અરુણભાઈ ભટ્ટ
એકવાર હું ટ્રેનમાં જઈ રહ્યો હતો. મારી સીટની સામે બારી પાસે એક માતા તેના નાનકડા બાળકને લઈને બેઠી હતી. બાળક કદાચ બે-એક વર્ષનું હશે. તે બેઠાં બેઠાં બિસ્કીટનું પેકેટ હાથમાં પકડીને બિસ્કીટ ખાતું હતું. ક્યારેક આમ-તેમ નજર ફેરવીને પાછું પોતાની ધૂનમાં મગ્ન થઈ જતું. ખૂબ વ્હાલું લાગે એવા તેના હાવભાવ હતા. બિસ્કીટનો ટૂકડો મોઢામાં મૂકતાં અચાનક એણે મારી સામે જોયું. મેં તેની સાથે આંખ મેળવીને સ્મિત કર્યું. થોડીક વાર અમારા બંનેનો મુક સંવાદ ચાલ્યો. એ બસ મારી સામે જોયા કરે અને હું એની સામે જોઈને હસું. થોડી વારમાં તો અમારા બંનેની મૈત્રી થઈ ગઈ ! એણે પણ મારી સામે જોઈને સ્મિત કર્યું. અમારી દોસ્તી મજબૂત થઈ એટલે મેં જરાક મારી તરફ આવવા એને વ્હાલથી ઈશારો કર્યો. એ તો ફટાફટ સીટ પરથી ઊતરીને એક જ ફલાંગમાં મારી પાસે ખોળામાં આવી ગયું. એની માતાને આ જોઈને કંઈક સંકોચ થયો. એણે મારી માફી માગતાં કહ્યું : ‘સોરી હોં, એ સમજતો નથીને એટલે કોઈની પણ પાસે જતો રહે છે….’
હું જરાક હસીને મનમાં બોલ્યો કે, ‘સમજતો નથી એટલે જતો રહે છે કે સમજ છે એટલે જાય છે ? હકીકતે સમજ કોને નથી ?’ માણસ સમજતો થાય એમ તો સંકોચાતો જાય છે. સમજદાર ને તો આખું વિશ્વ જ પોતાનું કુટુંબ !
[2] ખાવામાંથી ખાવાની વૃત્તિ – અનિલ શાહ
લગ્નની મોસમ આવે એટલે ઘણીવાર તો અમારે એવું થાય કે સળંગ ત્રણ-ચાર દિવસ સુધી રસોડાને તાળું મારવું પડે. એક પછી એક જમણવાર ચાલ્યા કરે. કોઈને ના પડાય નહીં એટલે દરેક લગ્નમાં હાજરી આપવી ફરજિયાત ! કોઈકવાર તો એક સરખી વાનગીઓ ખાવાનો વારો આવે. હમણાં થોડાક દિવસ પહેલાં રવિવારનો દિવસ હતો એટલે મેં મારી પત્નીને કહ્યું કે જરા બાસુંદી બનાવ. રજાનો દિવસ હતો એટલે સારી રીતે બાસુંદીની વાટકીઓ ઝાપટી ! ત્રણ-ચાર વાટકી તો આરામથી સમાઈ જાય. હવે થયું એવું કે બીજે દિવસે સોમવારે જ્યાં લગ્ન હતાં ત્યાં પણ રસોઈમાં બાસુંદી નીકળી ! પણ મારા આશ્ચર્ય વચ્ચે હું ત્યાં એક વાટકી બાસુંદી માંડ ખાઈ શક્યો. મને ખૂબ નવાઈ લાગી. મનમાં વિચાર આવ્યો કે નક્કી આની પાછળ કોઈક રહસ્ય છે. મેં મારા કેટરીંગનું કામકાજ કરતાં મિત્રને આ પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ ? ઘરની બાસુંદી આરામથી ત્રણ વાટકી ખાઈ શકાય અને લગ્નપ્રસંગોમાં એક વાટકી બસ થઈ જાય !
વધુ આગળ વાંચો »
હાસ્યમેવ જયતે – સંકલિત
[1] વહતા ભાભા – ગિજુભાઈ બધેકા
નાનું એવું ગામડું હતું. એમાં બધીય વસ્તી અજડ; કંઈ સમજેય નહિ ને સુણેય નહિ. એકેય ચીજને ઓળખેય નહિ ને કોઈને કોઈનું નામેય ન આવડે. એક વખત ચોમાસામાં એક મહોલ્લામાં દેડકું આવ્યું. જન્મારામાં દેડકું કોઈએ દીઠેલું નહિ, એટલે આખા ગામના માણસો એકઠા મળ્યા. સૌ વાંકા વળીને નીરખી નીરખીને જોવા લાગ્યા. એ શું હશે તે કોઈ કળી ન શક્યું. ત્યારે બહુ વારે એક બોલ્યો : ‘આ તે શું હશે માળું ?’
ત્યારે બીજો કહે : ‘અરે ભાઈ ! એ તો બગલું હશે, બગલું ! તમને શી ખબર પડે ?’ ત્યાં વળી ત્રીજો કહે, ‘અરે ભાઈ ! વગર વિચાર્યે કાં બોલો ? એ તો ભાઈ શિયાળ હશે શિયાળ ! ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યું હોય !’
ત્યાં તો એકે કહ્યું : ‘અરે ભાઈ ! બોલાવો ને આપણા વહતા ભાભાને ! જેવું હશે એવું કહેશે. એ ઘરડું માણસ છે. એમણે ઘણાં ચોમાસાં જોયાં છે. એમણે બધું જોયુંજાણ્યું હશે. આપણે તો શું સમજીએ ? એમને જ પૂછીએ.’
એક જણ વહતા ભાભાને બોલાવવા દોડ્યો. વહતા ભાભા તો રાડો નાખતા આવ્યા : ‘અલ્યાઓ, હવે તો કંઈ શીખો ! આખો જન્મારો હું કંઈ બેસી રહેવાનો છું. તે તમને બધું કહ્યા કરીશ ? જીવીજીવીને હું હવે કેટલું જીવવાનો ? એદીપણું મૂકી દો. કંઈ શીખો.’
પછી દેડકાને જોઈ વહતા ભાભા બોલ્યા : ‘ઓહો ! આમાં તે શું ? નાખો ને ચપટી દાણા; ચણે તો ચકલું, નહિ તો મોર તો ખરો !’
વધુ આગળ વાંચો »
પુષ્પવાટિકા – સંકલિત
[1] તમે છેલ્લે ક્યારે ખડખડાટ હસ્યા છો ? – નિકેશ દેસાઈ
[રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે નિકેશભાઈનો (ટોરન્ટો) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે desainikesh@yahoo.ca અથવા આ નંબર પર +001 416 916 6960 સંપર્ક કરી શકો છો.]
હસવું એ વર્તમાનયુગની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. એક નાના વેપારીથી માંડીને પ્લેનમાંની એરહોસ્ટેસ સુધી હાસ્ય વેરાયેલું જોવા મળે છે. કેમેરાની ફ્લેશ પણ હાસ્ય વગર ઝાંખી પડી જાય છે. સામેની વ્યક્તિને આકર્ષવા માટે કે ચહેરાને ખુબસૂરત બનાવવા માટે હાસ્ય જરૂરી બની ગયું છે. હાસ્ય જાણે કે આજના યુગનું બિઝનેસ પ્રોફાઈલ છે ! પરંતુ માત્ર હસવું અને ખડખડાટ હસવું એ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. જોબ માટે ઈન્ટરવ્યૂ આપવા જઈએ ત્યારે માત્ર હસીએ છીએ. એરહોસ્ટેસનું હાસ્ય, હોટેલના મેનેજરનું કે વેઈટરનું હાસ્ય, ટીવી પરની કોઈ સેલીબ્રીટીનું હાસ્ય એ માત્ર સ્ટેટ્સ હાસ્ય છે, એમાં ક્યાંય ખડખડાટ હાસ્ય જોવા નહિ મળે.
ખડખડાટ હાસ્ય આપણી વચ્ચેથી લુપ્ત થઈ રહ્યું છે. એ મેળવવા અન્ય રસ્તાઓ શોધવા પડ્યા છે. જેવા કે ખડખડાટ હાસ્ય માટે કોમેડી ફિલ્મ, કોમેડી નાટક, કોમેડી સીરિયલ જોવી પડે છે અથવા તો કોઈક કોમેડી કલાકારને સાંભળવા પડે છે. તમે છેલ્લે ખડખડાટ ક્યારે હસ્યા છો ? – એવો કોઈ સવાલ પૂછે તો યાદ કરવું પડે છે. ફિલ્મો, ટીવી કે સ્ટેજ-શૉમાં ખડખડાટ હાસ્ય મળે છે પરંતુ એ તરત ભુલાઈ જાય છે. ખરેખર જોવા જઈએ તો ખડખડાટ હાસ્ય આપણા રોજિંદા જીવન વચ્ચે છુપાયેલું છે. ઊંચી એડીના સેન્ડલ પહેરીને જતા કોઈ બેન અચાનક લપસી પડે તો ખડખડાટ હસી પડાય છે ! કોઈ નેતાની કારને પંચર પડે, સડસડાટ જતી બાઈક વચ્ચે અચાનક કૂતરું આવી જાય, વરસાદ પડે ત્યારે જ છત્રી ન ખૂલે, સરસ પ્રોગ્રામ ચાલતો હોય ને અચાનક સ્ટેજ તૂટી પડે…. આવી અનેક ઘટનાઓમાં ખડખડાટ હાસ્ય છુપાયેલું છે. એ જોવા માટે નજર ટૂંકી પડે છે. નજરને કેળવવાની જરૂર હોય છે.
વધુ આગળ વાંચો »






