મેઘબિંદુ – સંકલિત
[‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર.]
[1] કારણ વિનાનો દિવસ ! – હરિશ્ચંદ્ર
સુલા એને બે વાર ઉઠાડી ગઈ, પણ એ ન જ ઊઠ્યો.
‘કહું છું, સાત વાગી ગયા. પછી મોડું થશે.’
પણ ‘છો થતું !’ કહી એ પડખું ફેરવી સૂઈ જ રહ્યો.
આઠ વાગે આળસ મરડતો ઊઠ્યો, ત્યારે સુલા ન્હાઈ-ધોઈ પરવારીને રસોડામાં વ્યસ્ત હતી. બંનેને નવ વાગે તો ઑફિસ જવા નીકળી જવું પડતું. હાથ-મોં ધોઈ, શરીરે સાલ વીંટાળી એ ચંપલ પહેરવા લાગ્યો એટલે સુલાએ આશ્ચર્ય પામી પૂછ્યું :
‘કેમ ક્યાં ચાલ્યા ? ઑફિસે નથી જવું ?’
‘ના, નથી જવું.’
‘તબિયત ઠીક નથી ?’ સુલાના સ્વરમાં હવે ચિંતા ભળી.
‘તબિયત તો ફાઈન ! એટલે જ આજે એક દિવસ ગુટલી !’
‘કારણ ?’
પણ જવાબ આપ્યા વિના જ એ બહાર નીકળી ગયો. કારણ ? રોજ સવારે એ છ વાગે ઊઠે છે. કારણ ? કારણ કે ઑફિસ જવાનું હોય છે. ઑફિસે રોજ જાય છે. કારણ ? પૈસા મળે છે માટે. પૈસા મેળવવા છે. કારણ ? જીવવાનું છે માટે. કારણ ?…..કારણ ?……કારણ ?…. આજે કારણ વિનાનો દિવસ ન માણી શકાય ? – વિચારમાં ને વિચારમાં એ ચાલતો રહ્યો. બસસ્ટૉપ ઉપર ખૂબ ગિરદી હતી. લોકો બસની રાહ જોતા ઊભા હતા. નિશાળે જતાં છોકરાં પીઠે દફતરનો ભાર વેંઢારી ઝડપથી ચાલતાં હતાં. સ્કૂટર પર કે મોટરમાંયે જતા બધા જ ઉતાવળ-ઉતાવળમાં હતા. આ બધાંને જોતો-જોતો એ નફિકરાઈથી ચાલતો હતો. પોતે આજે કેવી મોટી ક્રાંતિ કરી નાખી, એમ એને લાગતું હતું. એને વિચાર આવી ગયો કે આ બધાંને ઘડીક ઊભા રાખીને ‘કારણ’ પૂછ્યું હોય તો ? શું જવાબ મળે ?
વધુ આગળ વાંચો »
ગુલાબનો ગજરો – સંકલિત
[1] ‘થ્રી ઈડિયટ્સ’ની ઘરઘંટી – મુકેશ ઠક્કર
ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’માં આમિરખાને ‘સ્માર્ટ કમ ઈનોવેટિવ’ વિદ્યાર્થીનું પાત્ર ભજવ્યું છે, જે હંમેશાં કંઈક સર્જનાત્મક વસ્તુઓ બનાવે છે. આમિરખાન ફિલ્મમાં ‘સ્કૂટર પાવર્ડ ઘરઘંટી’ની ડિઝાઈન તૈયાર કરે છે. સ્ક્રીન પર ભલે આમિરખાન ચમક્યો, પણ એ સ્કૂટર પાવર્ડ ઘરઘંટી તૈયાર કરવા માટે જલગાંવ જિલ્લાના 49 વર્ષના જહાંગીર પેઈન્ટરનું કરામતી ભેજું કામ કરી ગયું છે. મજાની વાત તો એ છે કે જહાંગીર પેઈન્ટરે આ સ્કૂટર પાવર્ડ ઘરઘંટીની પેટન્ટ પણ મેળવી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સતત વીજકાપને લીધે ઉનાળામાં જહાંગીરની પત્ની બૂમો પાડતી કે હવે વીજળી નથી તો લોટ કેમ કરીને દળાવવો ? જહાંગીરના પિતા પેઈન્ટર હતા. જહાંગીરે ભણવાનું વહેલું છોડી દીધું હતું અને સૌપ્રથમ એક વર્કશોપમાં નોકરી સ્વીકારી હતી. વર્કશોપમાં પણ તેણે લોડ શેડીંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં જહાંગીરે ઈલેક્ટ્રિક કોમ્પ્રેસર ખરીદ્યું. આ કોમ્પ્રેસર સ્કૂટરના એન્જિનની ઊર્જા પર કામ કરતું હતું. તેણે કોમ્પ્રેસર ઉપરાંત, પાણીનો પંપ, ટેબલ ફેન, ટ્યૂબલાઈટ જેવા ઉપકરણો પણ સ્કૂટર પર ચલાવ્યા. જેમાં મળેલી સફળતાથી ઉત્સાહિત જહાંગીરે તેના નવતર ઉત્પાદનોની અમદાવાદ સ્થિત ‘નેશનલ ઈનોવેટિવ ફાઉન્ડેશન’માંથી પેટન્ટ મેળવી લીધી છે. ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ની ટીમ જહાંગીરની ‘સ્કૂટર કમ આટા ચક્કી’ વિશે જાણવા માંગતી હતી, જેથી જહાંગીર તેના સ્કૂટરને લઈને મુંબઈ આવ્યો. ત્યારબાદ ‘થ્રી ઈડિયટ્સ’ની ટીમ એ સ્કૂટરને લઈને લડાખ ગઈ હતી. ફિલ્મમાં જહાંગીરના સ્કૂટરને પીળા રંગે રંગવામાં આવ્યું હતું અને ગ્રાઈન્ડરને કાળો રંગ કરવામાં આવ્યો હતો. (‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.)
વધુ આગળ વાંચો »
ફૂલદાની – સંકલિત
[1] મોટું કોણ ? – કુમુદભાઈ બક્ષી
‘હે પરમકૃપાળુ પરમાત્મા, અમને એવી સરળતા આપ કે અમે જીવનના નિર્દોષ, સાત્વિક આનંદો સૌ સાથે માણી શકીએ, ફૂલોને, પ્રાણીઓને, વૃક્ષોને, પુસ્તકોને ચાહવાનો આનંદ, બીજાને સુખી કરવાનો આનંદ.’ કુન્દનિકા કાપડિયાની આ પ્રાર્થના અમે સાક્ષાત વિદ્યાર્થી અને શિક્ષકના સંબંધમાં નિહાળી.
રાત્રીના આઠ વાગ્યા હતા. દીવાનખંડમાં દૈનિક ચર્ચા ચર્ચાતી હતી. અચાનક એક વહોરા સજ્જન પ્રવેશ્યા ! પ્રશ્ન કર્યો : ‘સર, મને ઓળખ્યો ?’ વૃદ્ધ શિક્ષકે વિનયપૂર્વક ના પાડી, આગંતુકે ખુલાસો કર્યો, ’27 વર્ષો પૂર્વે હું આપના ઘરે ટ્યૂશન આવતો હતો. ફી ચૂકવવાની મૂંઝવણે ટ્યૂશન આવવાનું બંધ કર્યું. સાહેબ, તે વેળા આપ મારે ત્યાં પધાર્યા અને સૂચના આપી હતી કે ફી જ્યારે મળે ત્યારે, જે મળે તે આપજે, પણ તું મારે ત્યાં કાલથી ગણિત શીખવા આવ. તમારા અભય વચને હું અભ્યાસ પૂર્ણ કરી શક્યો. અમારા ધર્મગુરુ વડા મુલ્લાસાહેબનો આદેશ છે કે કરજ કરવું પડે તો ભવિષ્યમાં ચૂકવ્યા વિના રહેશો નહિ. આજે હવે વ્યાપારમાં કમાઉં છું અને પુરાણું કરજ ચૂકવવા ઘર શોધતો શોધતો, તમને શોધતો આવ્યો છું.’
શિક્ષકની આંખ અને હૃદય બંને ભીનાં થયાં. વિદ્યાર્થીના પૈસા, પ્રેમ કે સમજ, મોટું શું ? આખરે વિદ્યાર્થીના આગ્રહને વશ કવરને માત્ર હાથ અડકાવી એ જ કવર આવેલા સજ્જનને તેનાં બાળકો માટે પરત કર્યું. સાથે સંદેશો પાઠવ્યો, ‘તમારા દીકરા, દીકરીને કહેજો કે આ દાદાજી તરફથી ભેટ છે.’ શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને હું એકીટશે જોઈ રહ્યો. ધન્ય છે ધર્મગુરુને કે જેમણે આવા નેકીના સંસ્કારનું સિંચન કર્યું અને વર્ષો બાદ શિક્ષકના ઋણને વેપારી ચૂકતે કરવા આવ્યા. સાથે જ રૂપિયા પરત કરનાર શિક્ષક કેમ ભુલાય ? સુરતને વિજ્ઞાન મેળામાં રૉશન કરનાર 88 વર્ષના શિક્ષક બ.ઉ. દીક્ષિતજીને વંદન. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)
વધુ આગળ વાંચો »
હાસ્યફુવારા – સંકલિત
[રીડગુજરાતીને આ ટૂચકાઓ મોકલવા માટે શ્રી તરંગભાઈ હાથી (hathitarang@gmail.com) અને શ્રી રજનીભાઈ ગોહિલનો (rajnigohil@hotmail.com) ખૂબ ખૂબ આભાર.]
મચ્છરની મમ્મી, પોતાના નાનકડા મચ્છરને :
‘બેટા, આજે તું પહેલીવાર ફરવા ગયો. તને દુનિયામાં કેવું લાગ્યું ?’
નાનકડું મચ્છર : ‘બહુ જ સરસ, મમ્મી ! હું જ્યાં જઉં ત્યાં લોકો તાળીઓ પાડીને મારું સ્વાગત કરતા હતા !’
*******
નટુ : ‘તને ખબર છે ? મારી પત્ની દેવી છે. ‘
ગટુ : ‘દેવી તો મારેય છે, પણ લ્યે કોણ ?’
*******
ગામડામાં નવી કૉલેજ ખુલી. બાજુના ગામડેથી રણછોડલાલ રોજ ઘોડા પર બેસીને કૉલેજ આવે. એમનો બહુ વટ પડે. પણ એક દિવસ રણછોડલાલ ચાલતા ચાલતા આવ્યાં.
લોકોએ પૂછ્યું : ‘ઘોડો ક્યાં ?’
રણછોડલાલે કીધું : ‘ઈ ગ્રેજ્યુએટ થઈ ગ્યો !’
*******
એક ડૉક્ટર દર્દીને તપાસવા વોર્ડમાં ગયા. થોડીવારે બહાર આવ્યા. કાતર લઈને ફરી અંદર ગયા. વળી પાછા બહાર આવ્યાં. ડિસમિસ લઈને ફરી અંદર ગયા. એટલામાં પાછા બહાર આવ્યા અને હથોડો લઈને જલ્દીથી અંદર ગયા. આ જોઈને દર્દીના સગાએ પૂછ્યું :
‘રોગ શું થયો છે એની ખબર પડી ?’
ડૉક્ટર કહે : ‘અલ્યા ભઈ ! રોગની ક્યાં વાત કરો છો, પહેલાં મારી બેગ તો ખૂલવી જોઈએ ને !’
*******
વધુ આગળ વાંચો »
તણખલાં – સંકલિત
[અ] અમારાં માસીબાની સાત શીખ – પદ્મા ફડિયા
[‘અખંડ આનંદ’ માર્ચ-2010માંથી સાભાર.]
પૂ. માસીબા એટલે કલાવતીબહેન પારેખ. ગુણવંતીબહેન ગાંધીનાં મોટાં બહેન. એ બંને બહેનોને હું ‘બા’ જ કહેતી. મને દીકરીની જેમ રાખતાં. માસીબા રંગે ગોરાં, હસમુખાં, સ્વભાવ ઉદાર અને મિલનસાર, પૂરાં શિસ્તબદ્ધ અને પ્રખર બુદ્ધિશાળી.
એક રાતે અમે બંને વાતોએ ચડ્યાં. મને કહે, ‘ભાણી, તું લેખિકા છું, વિચારક છું, હોશિયાર છું પણ મારે તને કેટલીક વાતો કહેવી છે તે તું શાંતિથી સાંભળ, ધ્યાનમાં રાખ. જો તારે જીવનમાં સુખી થવું હોય તો આ શિખામણો તને ખૂબ જ કામમાં આવશે. હું તો ખૂબ ખુશ થઈ ગઈ અને એમની પાસે શાંતિથી બેસી ગઈ. માસીબાએ મને પોતાની પાસે બેસાડીને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કેવી છે, એને ઓળખવી હોય તો એની કર્તવ્યનિષ્ઠાથી ઓળખી શકાય. એ કામ કેવું કરે છે, કેટલું શુદ્ધ અને સાચું કરે છે એ ઉપરથી એ કેવી વ્યક્તિ છે એનો ખ્યાલ આવી જાય. માસીબાએ કહ્યું કે મારી આટલી વાત ગાંઠે બાંધજો :
[1] કોઈ પણ વ્યક્તિ ભલેને ગમે તેવી મહાન હોય તો પણ એનાં વખાણ પહેલેથી કરવાં નહિ. એ વ્યક્તિને પહેલાં સમજો અને પછી જ એના વિશે બોલવું.
[2] કોઈ પણ કામ કરવું તો ચોક્કસ આયોજનપૂર્વક કરવું. આયોજન વગરનું કાર્ય કદી સફળ થતું નથી. એટલે જે કાર્યનું આયોજન કરો તે પૂરા વિચારપૂર્વક કરવું.
[3] જ્યારે જીવનમાં દુ:ખ આવી પડે ત્યારે કદી રડવું નહિ. રડવાથી કદી જિંદગીનો ઉદ્ધાર થવાનો નથી કે નથી એમાંથી માર્ગ નીકળવાનો, પરંતુ હસીને, મનને સ્થિર કરીને, વિચાર કરીને મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધો.
વધુ આગળ વાંચો »
વિચારમંથન – સંકલિત
[1] નિશા-અનુપમાને સલામ ! – રજની દવે
21મી સદીમાં આપણને સહજ રીતે એમ જ લાગે કે હવે તો જૂનાં સામાજિક દૂષણોએ વિદાય લીધી છે. પરંતુ નવા જમાનાની ઝાકમઝોળની લાલચ ઘણાને ભ્રષ્ટ કરી રહી છે. લગ્નમાં હવે ટૂ વ્હિલર, ફોર વ્હિલર, ટી.વી. વીડીયો, ફ્રિઝ વગેરે વરપક્ષ તરફથી માંગવામાં આવી રહ્યાં છે. આમ તો નાની મોટી ભેટો તો આપવાનો રિવાજ ચાલુ જ છે પરંતુ જ્યારે બેફામ માંગણીઓ કરવામાં આવે છે ત્યારે કન્યા પક્ષના ધબકારા વધી જાય છે.
આ બાબતે 2003માં બનેલા બે-ત્રણ કિસ્સા યાદ કરવા જેવા છે. નિશા શર્મા એક ઈજનેર બાપની દીકરી સૉફટવૅર ઈજનેરીના છેલ્લા વર્ષમાં ભણતી હતી. 21મા વર્ષે લગ્ન લેવાયાં. મુનશી સાથે લગ્ન ગોઠવાયા. ઈજનેર બાપે ઘણી બધી ભેટ ચીજો જમાઈ તેમજ તેના મોટાભાઈ માટે ખરીદી હતી. પરંતુ લગ્ન સમયે સાસુમાએ વરરાજાના મોટાભાઈ માટે કાર અને 12 લાખ રોકડા માંગ્યા. નિશા અગ્નિની સાક્ષીએ બેઠી હતી પરંતુ સાસુની ખોટી માંગે તેના મગજમાં ગુસ્સાનો અગ્નિ પ્રગટાવ્યો. તેણે જાતે જ પોલીસને ફોન કરીને બોલાવી અને વરરાજાને જેલના સળિયા ગણતો કર્યો.
અનુપમાની પણ એવી જ કહાની છે. અનુપમાએ દહેજની માંગણીને વશ ન થતાં સી.આર.પી.ની હાજરીમાં લગ્નમંડપનો ત્યાગ કર્યો. એક અન્ય છોકરીના લગ્નમાં જાન ચાર કલાક મોડી આવી અને આવ્યા પછી ચાલુ ભેટો ઉપરાંત 8 લાખ રોકડા માંગ્યા. તેણે પણ લગ્નની ચોરીનો ત્યાગ કર્યો. આજે નિશા અને અનુપમાની હિંમત જોઈને ઘણા બધા પ્રેરણા લેશે તેવું લાગે છે. જે પ્રેમ ખાતર નહીં પણ પૈસા ખાતર લગ્ન માટે તૈયાર થાય તેવાને લીલા તોરણે જાકરો મળે તેવું વાતાવરણ સર્જવાની જરૂર છે. નિશા-અનુપમા તેમજ અન્ય સાહસ કરવાવાળી યુવતીઓને સલામ કરીએ. (‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.)
વધુ આગળ વાંચો »
વાત મૂલ્યો અને સંસ્કારોની…. (ભાગ-3) – સંકલિત
[ થોડા મહિનાઓ અગાઉ ‘અખંડ આનંદ’ સામાયિક દ્વારા ‘વાત મૂલ્યો ને સંસ્કારોની...’ વિષય પર સૌને સત્યઘટના કે એ પ્રકારના જીવનપ્રસંગો પર લખવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે સંકલિત થઈને સામાયિકના કેટલાક અંકોમાં પ્રકાશિત થયા હતા. તેમાંથી આપણે થોડા સમય અગાઉ ભાગ-1, ભાગ-2 માં કેટલાક પ્રસંગો માણ્યા હતા. આજે માણીએ જાન્યુઆરી-2010ના અંકમાંથી થોડા અન્ય પ્રસંગો.]
[1] શક્તિ મુજબ જીવન જીવ – ભરત આર. જાદવ
બી.ઍડ. કર્યા પછી તે જ વર્ષે શહેરની પ્રતિષ્ઠિત શાળામાં નોકરી મળી ગઈ. શહેરના મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીં જ આવે. 70 ઉપરાંત શિક્ષકોથી ઉભરાતો સ્ટાફખંડ. બે-ચાર ને બાદ કરતા બધા વેલસેટ. મોટા ભાગના શિક્ષકો અને કેટલાક વિદ્યાર્થીઓ પણ મોંઘીદાટ બાઈક લઈને જ શાળાએ આવે, અરે કેટલાક તો કારવાળાએ ખરા, ને તેવા વાતાવરણમાં મારે પગપાળા આવવાનું બનતું. તેથી ક્યારેક સંકોચ થતો, તો ક્યારેક ખુદને કોસતોય ખરો – ‘હું પણ નોકરી કરું છું ને છતાં એક બાઈક પણ લાવી શકતો નથી.’ પછી મનોમન ઘણી ગોઠવણો કરી નવું નહિ તો જૂનું બાઈક ખરીદી લેવાનો નિર્ણય કરી, શનિવારની સ્કૂલ ભરી હું ગામડે મા-કાકા પાસે ગયો.
જુલાઈના અંતિમ દિવસો હતા. ખેતરોમાં મકાઈ-મગફળી લીલા લહેર કરતાં હતાં. ‘મા-કાકા (અમે બાપુજીને કાકા કહીએ છીએ) બન્ને ખેતરમાં મકાઈનાં નીંદણ કરતાં હતાં. હું સીધો મા પાસે જઈને બેસી ગયો. તેણે તેની હંમેશાંની આદત મુજબ શીતળ હૈયે ‘હમણાં આયો બેટા ?’ કહી માથે હાથ ફેરવ્યો. ને પડખે રહેલી છીંકણીની ડબ્બીમાંથી ચપટી ભરી હાથ નાકે મૂક્યો. કાકા પણ ખુશ થયા, થોડી ઔપચારિક વાતો પછી મેં માને ધીરેથી કહ્યું : ‘મા, મારી શાળામાં ક્રેડીટ સોસાયટી લોન આપે છે. હું વિચારું છું કે ત્યાંથી લોન લઈ એક મોટર સાઈકલ લઈ લઉં.’
માએ છીંકણીની ડબ્બી મૂકી હાથ ખંખેરતાં મારી સામે હળવા ભાવે જોયું. જાણે એ કંઈક વિચારતી હોય એવું લાગ્યું. હું કંઈ બોલું એ પહેલાં જ ખૂબ જ મૃદુ અવાજે મારી આંખોમાં આંખ પોરવી એણે કહ્યું, ‘જો બેટા, અમે હાડકાંતોડ મજૂરી કરી, ખેતરોમાં દિવસ-રાત વિતાવી તમને બધાં ભાઈ-બહેનોને ભણાવ્યાં-પરણાવ્યાં અને નોકરી-ધંધે લગાડ્યાં. ને તોય રૂપિયાનું દેવું કર્યું નથી. ને તું આજે જાતે કમાતો થયો ત્યારે દેવું કરીને મોટરસાઈકલ લાવવાની વાત કરે છે ? તને શરમ આવે છે ? જે દિવસે તારી પાસે રૂપિયા ભેગા થાય ત્યારે તારે જે ખરીદવું હોય તે ખરીદજે. દેવું કરીને આપણે મોટા થવું નથી.’ આટલું કહી તે તેના કામમાં વળગી ગઈ. મેં પણ તેની પાસે પડેલું દાંતરડું લઈ નીંદણ કામ શરૂ કર્યું, બાઈકનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો. એક જ વર્ષ થયું. ‘મા’ સદેહે પાસે નથી. પૈસેટકે હાથ ચાલતો થયો છે, ને ઘણું બધું ખરીદવાની ઈચ્છા થાય છે. ત્યારે ‘મા’ની એ મુદ્રા અને શિખામણ હૃદયમાં ઊભી થાય છે અને તેણે આપેલ શક્તિ મુજબ જીવવાનો મંત્ર જાણે સિદ્ધ થયો હોય એમ ઘણા પ્રસંગોએ પ્રેરક બની રહ્યો છે. જીવનમાં સાદગી, ઓછી વસ્તુઓથી ચલાવવું, શક્તિ મુજબનો ખર્ચ કરવો જેવાં પાયાનાં મૂલ્યોનું શિક્ષણ આજે જીવનની સંજીવની બની રહ્યું છે.
વધુ આગળ વાંચો »
રંગ છે બાપુ ! – સંકલિત
[સૌ વાચકમિત્રોને ધૂળેટીના પર્વની શુભેચ્છાઓ. – તંત્રી.]

કરસનકાકા : ‘તેં મને છેતર્યો.’
દુકાનદાર : ‘સાહેબ, સારામાં સારી ક્વોલિટીનો રેડિયો આપ્યો છે.’
કરસનકાકા : ‘લખ્યું છે તો મેઈડ ઈન જાપાન પણ ચાલુ કર્યો તો રેડિયોમાં કહે છે : ધિસ ઈસ ઓલ ઈન્ડિયા રેડિયો.’
*********
આંખના ડૉક્ટર : ‘તમને ખરેખર ચશ્માં છે.’
દર્દી : ‘તપાસ કર્યા પહેલાં તમને કઈ રીતે ખબર પડી ?’
આંખના ડૉક્ટર : ‘દરવાજો છોડી તમે બારીમાંથી આવ્યા.’
*********
કનુ અને કેતન જંગલમાં ફરતા હતા ત્યાં અચાનક વાઘ જોયો. બંને ઊભી પૂંછડિયે નાઠા. કનુએ પોતાની થેલીમાંથી દોડવા માટેના ખાસ બૂટ કાઢ્યા.
કેતન : ‘દોડી શકીશ ?’
કનુ : ‘વાઘ કરતાં નહિ તારા કરતાં ફાસ્ટ દોડી શકીશ એટલે બસ !’
*********
વધુ આગળ વાંચો »





