Aug 04
2010

જંગલનું અંધારું – દક્ષા પટેલ

[‘અખંડ આનંદ’ જુલાઈ-2010માંથી સાભાર.]

નાનપણમાં મામાને ઘેર ગામડે રાતે આંગણામાં સૂતા સૂતા અંધારાનો ડર લાગતો ત્યારે મારી બા તારાઓ જોવાનું કહેતી. તો શહેરમાં અચાનક વીજળી ચાલી જતાં અંધારાથી ડરવા લાગતી ત્યારે બા ‘રામ રામ’ બોલવાનું કહેતી. મોટા થયા પછી હું મારા પરિવાર સાથે મધ્યપ્રદેશના કાન્હાના જંગલમાં ગઈ અને જંગલનું અંધારું જોઈ રામનામનું બાષ્પીભવન થઈ ગયું !

જંગલમાં આવેલી નાનકડી હોટલ પર પહોંચ્યાં ત્યારે બપોરનો એક વાગ્યો હતો. હોટલ એટલે નાની આઠ દસ રૂમો, રૂમની બહારની દીવાલો પર વાંસની ચોડેલી પટ્ટીઓ. વરસાદથી કાળી પડી ગયેલી પટ્ટીઓવાળા રૂમ કોઈ બાવાની મઢૂલી જેવા લાગતા’તા. પણ અંદર જોયું તો શહેરના રૂમ જેવી અદ્યતન ઝગારા મારતી લાઈટો, એ.સી., ફ્રીજ, ગીઝર બધું જ. રૂમમાં એક બાજુ દીવાલને બદલે મોટી મોટી પારદર્શક કાચની બે બારીઓ. બારીઓ પર સુંદર મજાના પડદા. તેને અડીને આરામદાયક સોફાસેટ. સોફા પર બેસતાં જ પડદા ખોલી નાંખ્યા કે તરત જ પારદર્શક કાચની પરવા કર્યા વગર બહારનું આખેઆખું લીલું જંગલ આંખો વાટે મનમાં ફરી વળ્યું. અમે ખુશખુશાલ થઈ ગયાં. રૂમમાંથી બહાર આવ્યાં.
વધુ આગળ વાંચો »

Jun 24
2009

ફરી એક વાર – દક્ષા પટેલ

[‘અખંડ આનંદ’ મે-2009માંથી સાભાર.]

શહેરની શાળા-કૉલેજમાં પરીક્ષાની મોસમ ઊઘડે એટલે શાળાજીવનનો પરીક્ષાકાળ અવશ્ય યાદ આવી જાય. મૂળે મારો રમતિયાળ સ્વભાવ. સૌની સાથે ગપાટા મારવાની આદત. એટલે ઘરનિકાલ કરી અગાશીના સામેના ખૂણે બેસી વાંચવાની કાળાપાણીની સજા મળે. સંધ્યાકાળે અગાશીમાં બેસીને વાંચતાં-વાંચતાં અક્ષરોની દુનિયામાંથી ક્યારે આકાશી દુનિયામાં સરી પડું તેનું ભાન જ ન રહે. પકડદાવ રમતાં વાદળો પાછળ નજર દોડ્યા કરે. પવન પડી જાય એટલે ક્ષિતિજની છેક ઉપર સ્થિર થયેલાં વાદળો એકમેકના હાથ પકડી ડુંગરમાળા રચી દે. દિવસ આથમતાં સૂરજનાં કેસરી કિરણોથી વાદળોની કોર કેસરવર્ણી થઈ ચમકવા લાગે. જાણે ડુંગરા પર ઊભેલા ખાખરાનાં કેસરી ફૂલો ! ઊગી ઊઠે મનમાં મોસાળના ગામના ડુંગરો. માળા ભણી પાછાં ફરતાં પંખીઓની ડુંગરોને આંબી જતી કલરવ કરતી હારમાળા આકાશને બોલતું કરી દે. મને આકાશવાણી સંભળાય, ‘ભોણી…. ભોણીબા આવો….’ બસ પછી તો મન ગામના ડુંગરો ને કેસૂડાનાં ફૂલોનાં ભમરાં બની ભટકવા લાગે. ગામડે જવાની તલપ લાગે.

છેલ્લું પેપર પૂરું થતાં મોસાળ જવાની વડીલો તરફથી છૂટ મળે કે દિવાસ્વપ્નો જોવા લાગું. ગામડે લઈ જવાની વસ્તુઓની યાદી તૈયાર કરવાના ઉદ્યમમાં મન લાગી જાય. બે મહિના ગામડે રહેવાથી વડીલોને મારી સાહસિકતા અને પરાક્રમોનો સાચો પરિચય થાય. ગીતા મંદિર એસ.ટી સ્ટેન્ડ પરથી ગામની બસમાં મારા થેલા સાથે મને માલ-સામાનની જેમ ચડાવી દેવામાં આવે. ડ્રાઈવર-કંડકટરને મારા અંગે ખાસ સૂચનાઓ અપાય. આખરે બસ ઊપડે અને શહેરનાં ઘોંઘાટ, ગીચતા ને પ્રદૂષણને પડતાં મૂકી સડસડાટ ગામના રસ્તે દોડવા લાગે. બસની ગતિને ઓળંગી જઈ કેટલી વાર મન મામાને ઘેર પહોંચી સૌને મળી હરખાઈ જાય. મારો હરખ પણ પૂનમના ચાંદાની જેમ ચહેરા પર સોળે કળાએ ખીલી ઊઠે. ચાંદની પેઠે મારી ખુશી આજુબાજુ બેઠેલા મુસાફરો પર પથરાઈ જાય. રસ્તાની બંને બાજુનાં ઝાડ, ખેતરો, ગામ, કૂવા…. મારી અધીરાઈ જાણી ગયાં હોય તેમ ઝડપથી દોડીને ભાગી જાય. બે કલાક જેટલો લાંબો સમય પસાર થતાં મન કહેતું બસ હવે ગામ આવશે. ડુંગરા મુખ્ય આકર્ષણ. એ જાણે મારા માટે કલ્પતરુ જેવા. અજોડ અને અદ્વિતીય. આપણા એટલે સ્તો !!
વધુ આગળ વાંચો »