Apr 18
2010

કુપાત્રની પાસે – ગંગાસતી

કુપાત્રની પાસે વસ્તુના વાવીએ રે,
સમજીને રહીએ આપણે ચુપ રે,
લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,
ભલે હોય શ્રીમંત કે ભૂપ રે…. કુપાત્રની પાસે….

ભજની જનોએ ભક્તિમાં રે’વુંને,
કરવો સ્મરણ નિરધાર રે……
અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,
બાંધવો સુરતા કેરો તાર રે……. કુપાત્રની પાસે…..

ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે,
ગાળી દેવો રે તેનો એવો મોહ રે,
દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે,
રાખવો રે એમાં ઘણો સ્નેહ રે…….કુપાત્રની પાસે…..

સંશય ટળે ને મનડું ગળે ને રે
રાખે નહીં કોઈના પર દ્વેષ રે,
પાત્રને જોઈને ઉપદેશ કરવો રે,
સમજીને રહીએ આપણે ચુપ રે…..કુપાત્રની પાસે…..

Aug 22
2009

જુગતી તમે જાણી લેજો – ગંગાસતી

જુગતી તમે જાણી લેજો પાનબાઈ !
મેળવો વચનનો એક તાર,

વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમનો માર –
ભાઈ રે ! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે.

મરજાદ લોપાઈ ભલે જાય.
ધરમ અનાદિયો જુગતીથી ખેલો
જુગતીથી અલખ તો જણાય…. જુગતી.

ભાઈ રે ! જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ !
જુગતીથી તાર જોને બંધાય,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં
જુગતી જાણે તો પર પોંચી જાય…. જુગતી….

ભાઈ રે ! જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે.
તે તો હરિ જેવા બની રે સદા,
ગંગા રે સતી એમ બોલિયાં રે
તને તો નમે જગતમાં બધા… જુગતી….

Jul 05
2009

શીલવંત સાધુને… – ગંગાસતી

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વર્તમાન જો;
રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે…..

સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;
સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત રે…… શીલવંત સાધુને…

વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે;
અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે….. શીલવંત સાધુને….

પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે;
પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ… શીલવંત સાધુને….

સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર;
ગંગાસતી કહે સાંભળો પાનબાઈ, દેખાડે અલખના દ્વાર… શીલવંત સાધુને….

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વર્તમાન જો;
રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે…..