શાંત પળોમાં – ગિજુભાઈ બધેકા
[બાળકોની ‘મૂછાળી મા’ તરીકે જાણીતા આદરણીય કેળવણીકાર સ્વ. શ્રી ગિજુભાઈ બધેકાના બાળ સાહિત્યથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. બાળસાહિત્ય ઉપરાંત તેમણે ચિંતનાત્મક વિચારોને તેમના સર્જનમાં વહેતા મૂક્યા છે. ‘શાંત પળોમાં’ નામનું આ પુસ્તક ગિજુભાઈના નવા સ્વરૂપનો પરિચય કરાવે છે. મૂળ 1934માં લખાયેલ આ પુસ્તકની છેલ્લી આવૃત્તિ 1983માં થઈ હતી. તે પછી આ પુસ્તક અપ્રાપ્ય છે. તેની જૂની પ્રતમાંથી માણીએ તેમના કેટલાક ચિંતનાત્મક વિચારો....]
[1]
ક્ષણિક એવા વીજળીના ચમકારાથી વિશ્વ ઉપર સતત પ્રકાશ નથી રહેતો. વધતા-ઘટતા ચંદ્રના પ્રકાશથી પણ જગતનું અંધારું કેવળ ટળતું નથી. એ તો એક સૂર્ય જ છે કે જેના પ્રખર અને સ્થિર પ્રકાશથી જીવન માત્રને પ્રાણ અને પ્રકાશ મળે છે. જીવન અને પ્રાણ મેળવવા માટે ક્ષણિક ચમકારા અને બદલાતો પ્રકાશ ઓછા ઉપયોગના છે. ચમકારામાં આંજવાની શક્તિ છે, બદલાતા પ્રકાશમાં નવીનતા અને રમ્યતા પણ હોય. પણ સ્થિર પ્રકાશ એ જ નિત્ય છે અને છતાં નવીન છે; સતત છે અને છતાં રમણીય છે.
[2]
માત્ર વેશ્યાઓ જ વેશ્યાવૃત્તિ કરે છે એમ ન કહેવાય. ઘણી જાતની વેશ્યાવૃત્તિઓ રહેલી છે. આજે આપણે બાળકોને નાનપણથી ઈનામ અને લાલચો આપી નચાવીએ છીએ, કુદાવીએ છીએ, એમાં આપણે એમને અધમ દશામાં ઘસડી જઈએ છીએ અને એક જાતની વેશ્યાવૃત્તિમાં લઈ જઈએ છીએ. શાળાઓમાં મહેમાનો સામે ગાવાનું પ્રદર્શન કરવામાં આવે છે અને સામાને રાજી કરવા, ખુશી રાખવા ઉપરી અધિકારીઓને પણ બતાવવામાં આવે છે, તે પ્રદર્શનવૃત્તિ છે અને તે એક જાતની વેશ્યાવૃત્તિ જ છે. તે છોકરા-છોકરીઓ ભોટ લેખાય છે જેમનામાં પ્રદર્શનવૃત્તિ ઓછી છે; તે છોકરા-છોકરી ઉપર માણસો વધારે મોહે છે જેઓ પોતાનું પ્રદર્શન સારી રીતે કરી શકે છે.
[3]
એવું ન સમજશો કે હવે કાંઈ કરવાપણું રહ્યું નથી. કાર્યોનાં અનેક ક્ષેત્રો છે, એક એક ક્ષેત્રોમાં અનંત કાર્યો પડેલાં છે. પણ જ્યારે આપણી નજર ટૂંકી પડે છે, આપણું દર્શન ઝાંખું થાય છે, આપણી શક્તિ ક્ષીણ બને છે, આપણી મહત્વાકાંક્ષા પોલી હોય છે, આપણે પોતે થાકી જઈએ છીએ, આપણે અંતર્મુખ મટી બહિર્મુખ થઈએ છીએ, ત્યારે જ – ત્યારે જ માત્ર વિશાળમાં વિશાળ ક્ષેત્ર ટૂંકું લાગે છે; ત્યારે જ હવે કશું કરવાપણું નથી રહ્યું એમ લાગે છે !
વધુ આગળ વાંચો »





