Jul 22
2010

રણ તો લીલાંછમ – ગુણવંત શાહ

[‘રણ તો લીલાંછમ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] નાનકડું એ રૂપકડું

સુખી લોકોનું એક લક્ષણ હોય છે. તેઓ થાક ન લાગે તોય આરામ કરી શકે છે. ભૂખ ન લાગી હોય તોય તેઓ ખાતાં રહે છે. તરસ ન લાગી હોય ત્યારે પણ શરબત પીવાની ટેવ ખબર ન પડે એમ પડી જાય છે. કોઈ ખાસ આપત્તિ વગર પણ તેમનો મૂડ બગડી જાય છે. ક્યારેક કારણ વગર તાણ રહે છે. પૂરતી ટાઢ ન હોય તોય સ્વેટર પહેરવાનું જરૂરી બને છે. બેડરૂમમાં આરામ માટેની તમામ સગવડો હોય છે. માત્ર એક જ વાતની કમી હોય છે અને તે છે, ઊંઘ. ડાઈનિંગ ટેબલ આંખે ઊડીને વળગે તેવું હોય છે અને તેના પર મૂકેલી વાનગીઓની ડિશમાં સાક્ષાત સ્વાદ યોગ્ય જીભની પ્રતીક્ષા કરતો રહે છે. માત્ર એક જ વાત ખૂટે છે અને તે છે ભૂખ. પ્રશ્ન થાય છે કે સ્વાદનું ઉપસ્થાન વાનગી છે કે જીભ ? ઊંઘનું ઉપસ્થાન શયનખંડ છે કે આપણે પોતે ?

ભૂખ લાગે એ માટે લોકો ઍપિટાઈઝર લે છે. ઊંઘ માટેની જાતજાતની ગોળીઓ બજારમાં વેચાય છે. ભૂખ ન લાગે તે માટે પણ ગોળીઓ હોય છે અને ઊંઘ ન આવે તે માટેની એટલે કે જાગરણને મદદરૂપ થનારી ગોળીઓ પણ છે. આપણી ભૂખ પણ કેટલી બધી અતડી ! આપણી ઊંઘ પણ કેટલી બધી અળગી ! કદાચ કેટલાક સુખી લોકોની અવળચંડાઈને કારણે જ સમાજના કેટલાય લોકોને ભૂખ લાગે ત્યારેય ખાવા મળતું નથી. આરામની ખરેખરી જરૂર હોય ત્યારેય એમણે તો ઢસડબોળો કરવો પડે છે. હાથલારી ખેંચનારને કકડીને ભૂખ લાગે છે પણ અમુક જગ્યાએ માલ પહોંચાડ્યા વગર એ ખાવા ક્યાંથી બેસે ? વળી વાનગી ખરીદવા માટે જરૂરી પૈસા પણ એકઠા થવા જોઈએ ને ? આખો દિવસ કામ કર્યા પછી એ જ્યાં આડો પડે છે ત્યાં સમાધિ લાગી જાય છે.

ક્યારેક નિરાંતની પળોમાં વિચારવા જેવું છે. આપણે પાણીનો બગાડ નથી કરતા ? આપણે થાળીમાં એઠું નથી છાંડતાં ? આપણે જરૂર કરતાં વધારે આરામ નથી કરતા ? ટાળી શકાય એવી મુસાફરી આપણે ટાળીએ છીએ ખરા ? માણસ કેટલું ખાય તેનું નહિ, એ કેટલું પચાવી શકે છે તે વાત મહત્વની છે. તરબૂચ કેટલું મોટું છે તેનું નહિ, એમાં લાલ ભાગ કેટલો છે તે વાત મુદ્દાની છે. સાબુ કેટલો વજનદાર છે તેનું નહિ પણ એ કેટલું ફીણ આપે છે તે અગત્યનું છે. છાણનો ઢગલો કેવડો છે તેનું નહિ પણ તેમાં કેટલો નાઈટ્રોજન રહેલો છે તેનું જ મહત્વ છે. સુખનો ભ્રમ દુઃખ કરતાંય વધારે ખતરનાક બાબત છે. ચશ્માં પહેરીને કોઈ માણસ ઊંઘી જાય ત્યારે થોડું આશ્ચર્ય થાય છે પણ જીવનમાં આપણે આવું લગભગ રોજ કરીએ છીએ, એવું નહિ ?
વધુ આગળ વાંચો »

May 11
2010

જાત ભણીની જાત્રા – ગુણવંત શાહ

[‘જાત ભણીની જાત્રા’ એ આદરણીય ગુણવંતભાઈ શાહની ‘નવનીત સમર્પણ’માં ચાલી રહેલી સ્મરણાત્મકથા છે; જેમાં તેમણે પોતાના જીવનના અનુભવો અને પ્રસંગો વિશે વિસ્તારથી વાત કરી છે. આજે તેના તાજેતરના પ્રકરણમાંથી કેટલોક અંશ માણીએ. રીડગુજરાતીને આ માટે પરવાનગી આપવા બદલ શ્રી ગુણવંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2340673 સંપર્ક કરી શકો છો.]

31મી ડિસેમ્બર 1987નો દિવસ મારી નોકરીનો છેલ્લો દિવસ હતો. એ દિવસે સાંજે ચાર વાગે મેં મારી ચેમ્બરની બહાર લટકતું મારા નામનું પાટિયું જાતે ઉતારી લીધું. મારા સાથી પ્રાધ્યાપકો ત્યાં જ ગોઠવાઈ ગયા. સૌનાં હૈયાં ભીનાં હતાં. અમારું એ છેલ્લું મિલન હતું. મેં મારી ખુરસીમાં બેઠાં બેઠાં પ્રાર્થના શરૂ કરી. એ અમારા પરિવારની કાયમી પ્રાર્થના હતી, જેમાં વેદ-ઉપનિષદના મંત્રો રોજ બોલાતા હતા. પ્રાર્થના પૂરી થઈ કે તરત મંએ ખુરસી ખાલી કરી અને આગ્રહપૂર્વક મારા અનુગામી ડૉ. કૌશિક શેઠને મારી ખુરસી પર બેસાડ્યા અને શુભેચ્છાના શબ્દો કહ્યા. ઑફિસના કર્મચારીઓ શોકમગ્ન ચહેરે ઊભા હતા. માંડ એકાદ-બે મિનિટ વીતી હશે ત્યાં ઉતાવળ સાથે મેં મારી કાર મારી મૂકી. સૌના દેખતાં રડાઈ ન જાય તે માટે ઉતાવળ કરવી પડી હતી. એ જ દિવસે દીકરા વિવેકની વર્ષગાંઠ હતી. જે આઝાદીની હું છેલ્લાં દસ-પંદર વર્ષથી પ્રતીક્ષા કરી રહ્યો હતો તેનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.

મારો મૂડ કેવો હતો ? આઝાદ થયો તેના આગલા દિવસે તા. 30મી ડિસેમ્બરે (બુધવારે) ‘ગુજરાત મિત્ર’માં મારી કટાર ‘કાર્ડિયોગ્રામ’માં પ્રગટ થયેલા લેખમાં મારી માનસિકતાના અણસારા કંઈક આવા હતા. કોઈ પણ જાતના ફેરફાર વિના એ અણસારા જ અહીં ધરી દઉં છું. એ અણસારા સવા બે દાયકા પહેલાંના છે. સાંભળો :
વધુ આગળ વાંચો »

Mar 30
2010

બાળકોને બગાડનારાં માતાપિતા – ગુણવંત શાહ

[કેટલાક લેખ હોમિયોપેથી દવા જેવા હોય છે, જેમ નાનાં તેમ વધુ અસર કરે. એવો જ આ લેખ આજના અતિવ્યસ્ત માતાપિતાઓના ચરણોમાં સમર્પિત છે. આશા છે કે દવા યોગ્ય અસર કરશે ! ‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર. આદરણીય શ્રી ગુણવંતભાઈનો આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2340673 – તંત્રી.]

માલદાર માતાપિતા પોતાનાં સંતાનોને બગાડવા માટે અઢળક પૈસા ખર્ચે છે. એમનાં સંતાનોને મળતા પોકેટમની કેટલાક પરિવારોની માસિક આવક કરતાં વધારે હોય છે. એમાં જો વળી, કાળાં નાણાંનો ભરાવો થાય, તો તો નિર્દોષ બાળકો બચી જ ન શકે એવી સ્થિતિ સર્જાય છે. વધારે પડતી આવકને પહોંચી વળવા માટે નવા નવા ખર્ચા શોધી કાઢવા પડે છે. રૂપિયાની નોટના થોકડા કબાટમાં નથી સમાતા, તેથી એક ઓરડો રાખવો પડે છે. આવાં માતાપિતાનાં સંતાનો ખરેખર કમનસીબ ગણાય કારણ કે તેઓ પ્રેમ સિવાય બીજું બધું જ પામે છે.

ભદ્ર સમાજમાં બાળકો પર થતા ચોકલેટિયા પ્રહારોનો પાર નથી. અખરોટ, આલુ, અંજીર અને કાજુ કરતાં કેડબરીની ચોકલેટ ઓછી મોંઘી નથી હોતી. વળી, જે કશુંક મોંઘું ન હોય તે ખરીદવામાં મજા પણ શી ! શિંગદાણા જો કાજુ કરતાં મોંઘા હોત તો ગરીબોને ભાગે જરૂર થોડા કાજુ આવ્યા હોત. જે કશુંક ખૂબ જ મોઘું હોય તે આપોઆપ શ્રેષ્ઠ બની જાય, ત્યારે જાણવું કે પરિવારમાં હરામનો પૈસો આવી પહોંચ્યો છે. માલદાર પરિવારોને પરવડે તેવી તમામ કુટેવો ધીરે ધીરે મધ્યમ વર્ગના પરિવારો અપનાવવા માંડે છે. અને પછી એ કુટેવો ગરીબો તરફ રવાના થાય છે. ટીવી પર આવતી જાહેર ખબરો આ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આ જાહેર ખબરો મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકોને લઘુતાગ્રંથિથી ભરી દે છે.

બગડેલાં બાળકો થોડાંક મોટાં થાય પછી ભારે ઉધમાત મચાવે છે. બાપ લિમિટેડ કંપનીનો માલિક હોય છે અને દીકરો અનલિમિટેડ ખર્ચા કરવાની કુટેવનો કેદી હોય છે. બન્ને વચ્ચે ટક્કર ચાલે ત્યારે એક રૂપિયાની જગ્યાએ સો રૂપિયા ખર્ચનારી ફૂવડ માતાએ પહેરેલા હીરાના દાગીના ઝંખવાણા પડી જાય છે. બગડી ચૂકેલા દીકરા આગળ બકરી બેં બની ગયેલાં માતાપિતા પોતે જ કરેલાં કુકર્મોનું ડિવિડન્ડ લેતાં રહે છે. સાઠ વર્ષની ઉંમર પછી માણસનાં સુખદુ:ખનો સઘળો આધાર સંતાનો કેવાં છે, એ વાત પર રહેતો હોય છે.
વધુ આગળ વાંચો »

Dec 10
2009

થોડાક પ્રેમપત્રો – ગુણવંત શાહ

[યુવાવર્ગ માટે ઉપયોગી તેમજ લગ્નપ્રસંગે ભેટ આપવા લાયક પુસ્તક ‘મનનાં મેઘધનુષ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2340673 ]

Picture 029[1] મહાત્મા ગાંધીનો પત્ર કસ્તૂરબાને (તા. 09-11-1908)

તારી તબિયત વિષે શ્રી વેહરે આજે તાર કર્યો છે. મારું મન ટુકડે ટુકડા થઈ રહ્યું છે, પણ તારી ચાકરી માટે પહોંચી શકું એ શક્ય નથી. સત્યાગ્રહની લડાઈમાં મેં બધું જ અર્પિત કરી દીધું છે. હું ત્યાં આવી જ નહિ શકું. દંડ ભરી દઉં તો જ આવી શકું, પણ દંડ તો કદી નહિ ભરી શકું ! તું હિંમત રાખજે. નિયમિત ખાઈશ તો સારી થઈ જઈશ. છતાંય મારા નસીબમાંથી જઈશ જ, એવું થશે તો હું તને એટલું જ લખું છું કે તું વિયોગમાં, મારા જીવતે જીવતા મરી જઈશ તો ખરાબ નહિ કહેવાય. મારો સ્નેહ તારા પર એટલો બધો છે કે મરવા છતાં તું મારા મનમાં જીવિત જ રહીશ. તું મરી જઈશ તો પાછળથી હું બીજી પત્ની કરવાનો નથી, એટલું નિશ્ચયપૂર્વક કહું છું. આવું મેં તને એક-બે વાર કહ્યું પણ છે. તું ઈશ્વર પર આસ્થા રાખીને પ્રાણ છોડજે…

તું મરી જઈશ, તો એ પણ સત્યાગ્રહને માટે અનુકૂળ થશે. મારું યુદ્ધ માત્ર રાજકીય નથી, એ ધર્મયુદ્ધ છે, અર્થાત અતિ સ્વચ્છ છે. એમાં મર્યા તો પણ શું અને જીવિત રહ્યા તો પણ શું ? તું પણ આવું જ સમજીને તારા મનમાં જરાય ખરાબ નહિ લગાડે એવી મને આશા છે. તારી પાસે આ મારી માગણી છે.

મો. ક. ગાંધી
(દક્ષિણ આફ્રિકા)
. વધુ આગળ વાંચો »

Nov 02
2009

આખા ને આખા માણસની કેળવણી – ગુણવંત શાહ

[‘જનકલ્યાણ’માંથી સાભાર. આદરણીય શ્રી ગુણવંતભાઈનો (વડોદરા) આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2340673 ]

ગાંધીજનોની કોઈ નાત કે જમાત નથી હોતી, કારણ કે સત્યની કોઈ ખાસ જાતિ કે સંસ્થા નથી હોતી. રાવણની લંકામાં પણ વિભીષણ હોઈ શકે છે અને રામની અયોધ્યામાં પણ કૈકેયી હોઈ શકે છે. ગાંધી નામની ઘટના કોઈ સ્થાનવિશેષ, જૂથવિશેષ, વાદવિશેષ કે વ્યક્તિવિશેષની ઓશિયાળી નથી કારણ કે એ સત્ય સાથે જોડાયેલી છે. જ્યાં પણ કોઈ સામાન્ય જણાતો માણસ સત્યના પાલન માટે જાત સાથે મથામણ કરતો હોય ત્યાં મહાત્મા ગાંધીની સૂક્ષ્મ હાજરી પણ વરતાય છે.

સન 1915માં ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિનિકેતન ગયેલા. બે મહામાનવોનું એ પ્રથમ મિલન હતું. કાકાસાહેબ કાલેલકરે એનું વર્ણન ‘બાપુની ઝાંખી’ પુસ્તિકામાં કર્યું છે : ‘રવિબાબુ એક મોટા કોચ ઉપર બેઠા હતા તે ઊભા થઈ ગયા. રવિબાબુની ઊંચી, ભવ્ય મૂર્તિ, સફેદ વાળ, લાંબી દાઢી અને ભવ્યતામાં વધારો કરનાર ઝભ્ભો, બધું પીઢ અને સુંદર હતું. તેમની સામે ટૂંકું ધોતિયું, પહેરણ ને કાશ્મીરી ટોપી પહેરીને ગાંધીજી ઊભા રહ્યા ત્યારે જાણે સિંહની સામે ઉંદર ઊભો હોય તેવું લાગ્યું.’ આવી પ્રભાવહીન પર્સનાલિટી ધરાવતા ગાંધીજીના પ્રચંડ પ્રભાવનું રહસ્ય શું ? ગાંધીજીના પ્રભાવનું રહસ્ય એમની સત્યસાધનામાં પડેલું છે. સત્ય પણ એક પ્રકારની ઊર્જા છે. જ્યારે જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણી પ્રાણઊર્જા ક્ષીણ થાય છે. જૂઠો માણસ પ્રભાવહીન જણાય છે. આજના સમયમાં સીધીસાદી નિખાલસતા પણ અદશ્ય થતી જાય છે. ગાંધીજી નિખાલસ હતા કારણ કે તેમને કશુંય છુપાવવાનું ન હતું. એમનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. આપણું એવું નથી. કરવું શું ?

આપણે ભલે આપણી બધી નબળાઈઓ જાહેર ન કરીએ, પરંતુ સાધુ હોવાનો ડોળ ન કરીએ તોય ઘણું ! આપણા કેટલાય ‘ન પકડાયેલા ગુના’ ભલે છુપાવીએ, પરંતુ તેવા ગુના કોઈ બીજો માણસ કરે ત્યારે તેની નિંદા ન કરીએ તોય ઘણું ! આજની પેઢી ખાસી નિખાલસ છે. તે આપણા સઘળા દોષો માફ કરવા તૈયાર છે, પરંતુ આપણો દંભ સાંખી લેવા તૈયાર નથી. જે સદગુણ આપણામાં નથી તે સદગુણનો દાવો શા માટે કરવો ? જે ક્ષણે આપણે સામા માણસને ન છેતરવાનો સંકલ્પ કરીએ છીએ તે જ ક્ષણથી આપણી પ્રાણઊર્જા વધવા લાગે છે. આજે કેટલાય સેવકોનો પ્રભાવ કેમ નથી પડતો ? શું એમાં સમાજનો વાંક છે ? લોહચુંબક જ્યારે પોતાનું ચુંબકત્વ ગુમાવી બેસે ત્યારે પાસે પડેલી ટાંકણી પણ એના તરફ ખેંચાતી નથી. એમાં ટાંકણીનો શો વાંક ? ચુંબકત્વ ખતમ થાય ત્યારે કહેવાતું લોહચુંબક કેવળ લોઢાનો ટુકડો બની રહે છે.
વધુ આગળ વાંચો »

Jul 13
2009

e -મેઈલ – ગુણવંત શાહ

[પુસ્તકોના અનેક પ્રકાર પૈકી એક પ્રકાર છે ‘કૉફી-ટેબલ-બુક’ કે જેમાં જે તે લેખકની વિશિષ્ટ તસ્વીરો અને તેમના લેખનના વિશિષ્ટ વિષય વૈવિધ્યનો સમાવેશ કરાતો હોય છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સૌ પ્રથમ પુસ્તક બન્યું છે ‘e –મેઈલ’ કે જેનું તસ્વીર અને સંપાદન સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર શ્રી સંજયભાઈ વૈદ્યે કર્યું છે. આપણી ભાષાના સમર્થ વિચારક અને આદરણીય સાહિત્યકાર એવા શ્રી ગુણવંતભાઈ શાહના મૌલિક વિચારો (સંજયભાઈની ભાષામાં કહીએ તો ‘પવિત્ર પજવણી’ કરતા રહે તેવા વિચારો !)ના આ પુસ્તકનું આજે આપણે થોડુંક આચમન કરીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2340673]

[1]
Picture 039એક મજાની ઘટના બની ગઈ.
મુંબઈની ડબલડેકર
કોઈ નાના બસસ્ટેન્ડ પર
થોડીક પળો માટે થંભી ગઈ. ઉપરની
બારીમાંથી
પાસેના વૃક્ષની
એક નાનકડી ડાળખી
સંકોચપૂર્વક
અંદર દાખલ થઈ ગઈ.

ત્રણ મજાનાં
લીલાં પાન
મારી છાતી આગળ
આવીને ગોઠવાઈ ગયાં

ત્રણેને
બસ ઊપડી
ત્યાં સુધી પંપાળી લીધાં.
ત્રણે વગર બોલ્યે કંઈક કહી ગયાં.

કોઈ જૂનો મિત્ર
વર્ષો પછી ક્યાંક મળી જાય
અને
ટોણો મારે તેમ એ લોકોએ કહ્યું :
‘કેમ,
શહેરમાં ગયા પછી
અમને ભૂલી ગયો ને ?’
વધુ આગળ વાંચો »