Wednesday, March 3, 2010 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : હરિશ્ચંદ્ર · 26 પ્રતિભાવો
[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]
માધુકાકા અને માલુકાકી સાથે અમારે ઘર જેવો સંબંધ. અમારી પડોશમાં જ રહે. એમનો જયંત મારા જેવડો. મારો દોસ્ત. અમે સાથે ભણીએ, એટલે એકબીજાના ઘરમાં જવા-આવવાનો, રમવા-જમવાનો નિકટનો સંબંધ. માલતીકાકી મારા પર બહુ પ્રેમ રાખે. પોતાના દીકરા જેવો જ માને. ભણી-ગણીને નોકરી નિમિત્તે હું બહારગામ રહેતો થયો એટલે મળવાનું ઓછું થઈ ગયું. છતાં જ્યારે પણ ઘરે આવું, ત્યારે માધુકાકા, માલુકાકી અને જયંતને અચૂક મળું. જો એક ટંક એમના ઘરે જમ્યા વિના પાછો જાઉં, તો માલુકાકી બહુ નારાજ થઈ જાય.
આ વખતે બહુ લાંબા ગાળે મારે ઘેર આવવાનું થયું. દોઢેક વરસ થઈ ગયું હતું. મા સાથે વાત કરતો બેઠો હતો. સહેજે મેં પૂછ્યું : ‘માલુકાકી, જયંત વગેરે બધાં મજામાં છે ને ?’
‘અરે, તારી માલુકાકી તો હવે ઓનરશિપના ફલેટમાં રહે છે. બે રૂમ કિચનનો સરસ મજાનો ફલેટ છે.’
‘શું કહે છે !’ અને એમનું જૂનું ઘર મારી આંખ સામે આવી ગયું. ઘર શું, એક નાનકડો વાડો જ હતો. એ વાડામાં અમે બહુ રમતા, ઝાડ પર ચઢતા. એક સરસ મજાનો આંબો હતો અને એક ફણસનું ઝાડ. આંબા ઉપર કેરી આવે કે માલુકાકી પહેલી અમારા ઘરે મોકલે. ફણસ પણ મને બહુ ભાવે. પણ એમનું ઘર બહુ જૂનું. હવા-ઊજાશ ઝાઝાં નહીં. પાંચ-સાત ઓરડા ખરા, પણ કેટલાંક તો બહુ અંધારિયા. કુટુંબ બહોળું. માલુકાકી કાયમ રસોડામાં જ હોય. અમારું મકાન એમના વાડાને અડીને જ. પછી અમે સોસાયટીમાં રહેવા ગયા, પણ તોય અમારો સંબંધ એવો જ રહ્યો. મારાં લગ્ન વખતે સો માણસનું રસોડું માલુકાકીએ જ સંભાળેલું. આ બધું મારી આંખ સામે આવી ગયું.
વધુ આગળ વાંચો »
Tuesday, February 9, 2010 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : હરિશ્ચંદ્ર · 18 પ્રતિભાવો
[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]
[1] મંગળની છાયામાં
સુધાએ છાપામાં વાંચ્યું : ‘આ મહિનામાં મંગળ પૃથ્વીની બહુ નજીક આવવાનો છે. નરી આંખેય જોઈ શકાશે. મહિના સુધી સંધ્યાકાળે સૂર્યાસ્ત પછી પૂર્વ ક્ષિતિજે તેનાં દર્શન થશે.’ તેણે બાજુમાં બેઠેલા સમીરને કહ્યું, પણ તેણે તો સાંભળ્યું-ન સાંભળ્યું કર્યું. પરંતુ સુધાએ નક્કી કરી નાખ્યું કે મંગળ જોવો જ. સાંજે સૂર્યાસ્ત થાય તે પહેલાં જ અગાશી પર પહોંચી ગઈ. સૂર્ય અસ્ત થયો હતો ત્યારે પૂર્વ ક્ષિતિજ પર અત્યાર સુધી ઝાંખો દેખાનારો તારો ધીરે ધીરે ચમકવા લાગ્યો. જોત-જોતામાં તેનો રંગ લાલાશ પકડતો ગયો. બસ, આ જ મંગળ ! સુધા ખુશ ખુશ થઈ ગઈ. પછી તો ચાર-પાંચ દિવસ રોજ સાંજે મંગળને જોતી રહી.
એમને જમીનનો પ્લોટ ખરીદવો હતો. સમીરના મિત્ર જોશીએ એક જગ્યા બતાવી. તેણે પોતે પણ હમણાં જ ત્યાં એક પ્લૉટ ખરીદેલો. સમીર પણ ત્યાં જ પ્લોટ ખરીદે એવો એમનો આગ્રહ હતો. સારા પડોશી મળે. જગ્યા જોઈ. બંનેને ગમી. ત્યાં જોશીએ પૂછ્યું : ‘તમારી જન્મ-કુંડળી હશે ને !’
‘જમીન ખરીદવામાં જન્મ-કુંડળીની શી જરૂર ?’
‘ના ભાઈ, હોં ! હું તો બધું જ કામ કુંડળીને જોઈને કરું. આ જમીન ખરીદતી વખતે મેં તો મારી કુંડળીનો બરાબર અભ્યાસ કરેલો, અને પછી જ જમીન ખરીદી. તમારી બંનેની કુંડળી મને આપજો, આપણે પછી જ સોદો પાકો કરીશું.’
સુધા-સમીરે તો લગ્ન વખતેય કુંડળી-બુંડળી જોયેલી નહીં. કુંડળી ક્યાં હશે તેય ખબર નહીં. છતાં માળિયામાંથી સમીરની કુંડળી તો મળી, સુધાની ન મળી. જોશી કહે, ‘કાંઈ નહીં, તમારી જન્મ તારીખ અને જન્મનો સમય મને આપો, હું કુંડળી બનાવી લઈશ.’ જન્મ-તારીખ તો ખબર, પણ જન્મ-સમય કોને ખબર ? સુધાએ માને પૂછીને જન્મ-સમય પણ કહ્યો. અને જોશીએ એની કુંડળી બનાવી લીધી. બંને કુંડળીનો બરાબર અભ્યાસ કર્યા બાદ જોશીએ કહ્યું, ‘સુધાબહેન ! તમને મંગળ છે.’
વધુ આગળ વાંચો »
Tuesday, December 15, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : હરિશ્ચંદ્ર · 14 પ્રતિભાવો
[‘જન્મભૂમિ પ્રવાસી’ની મધુવનપૂર્તિમાંની ‘આસવ’ કૉલમમાંથી સાભાર.]
[1] પહેલાંનાં બૈરાં
તમે માનશો ? પહેલાંનાં બૈરાં શું શું કરતાં, તે બધું મને મોઢે થઈ ગયું છે, કારણ કે મારા પતિદેવ દિવસમાં દસ વાર એનું પારાયણ મને સંભળાવે છે. સવારના પહોરમાં મને મરવાની ફુરસદ ન હોય. ચા-નાસ્તો, પાણી ભરવું, કપડાં, કૂકર ચઢાવવું, લોટ બાંધવો, એમને નવ વાગ્યાની લોકલ પકડવાની, છોકરાંઓને નિશાળે મોકલવાનાં. એ કશાયમાં જરીક હાથ ન દે તે તો બળ્યું, પણ ધીરે ધીરે ચા પીતાં, પગ પર પગ ચઢાવી છાપું વાંચતાં જ્યારે એક પછી એક હુકમ છોડવા માંડે – પાણી ગરમ થયું કે ? બાથરૂમમાં ટુવાલ મૂક્યો ? મારાં કપડાં ક્યાં ? ત્યારે સંયમ રાખવો અઘરો પડે.
તેમાં તે દિવસે તો લગભગ બરાડ્યા : ‘મારા એકેય ખમીસને પૂરાં બટન નથી. ચાર દી’થી તને કહ્યું છે. આખો દી’ કરે છે શું ? પહેલાંનાં બૈરાં તો કેટલું કામ કરતાં.’
‘હમણાં અમારા મહિલામંડળની વ્યાખ્યાનમાળા ચાલે છે. કાલે પૂરી થશે એટલે બધું વ્યવસ્થિત કરી આપીશ.’ થોડો વખત થયો ત્યાં ફરી બાંગ પડી : ‘મારો રૂમાલ નથી મળતો. પેન ને ઘડિયાળ ક્યાં છે ? મારાં મોજાં ?’
‘પોતે વ્યવસ્થિત રાખવું નહીં અને બીજા પર ધમપછાડા ?’ મારાથી બોલાઈ ગયું.
‘પહેલાનાં બૈરાં આમ સામું નહોતાં બોલતાં. પતિની સેવા માટે ખડેપગે હાજર ! આખો દિવસ કામ કરીને રાતે પાછાં પગ દાબી આપતાં, તળિયે ઘીની માલિશ કરી દેતાં. આજે તો બસ, મહિલામંડળ અને સમાન હક્ક !’
વધુ આગળ વાંચો »
Thursday, November 12, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : હરિશ્ચંદ્ર · 34 પ્રતિભાવો
[ લઘુકથાઓના પુસ્તક ‘વીઁણેલાં ફૂલ’ ભાગ-15માંથી સાભાર.]
‘હલ્લો, સોનુ ! મમ્મી બોલું છું. કેમ છે તબિયત ?’
‘સારી છે.’
‘સાંજે આવો છો ને, તે પૂછવા ફોન કર્યો. એટલે કે છોકરાં માટે કાંઈક બનાવી રાખું. કાલે રવિવાર, એટલે બધાંને છુટ્ટી હશે. કાલે સાંજે જમીને જ જજો. જમાઈરાજ પણ આવશે ને !’
‘ખબર નથી. હું શું કહું ?’
આજે સોનલનો મૂડ કાંઈ સારો નથી લાગતો. આમ કેમ બોલે છે ! જમાઈરાજ બહુ વ્યસ્ત હોય છે, તે હું જાણું છું, પણ અહીં આવવાની કદી ના નથી પાડતા. મારા હાથનાં આમટી ને ભાત તો એમને બહુ ભાવે. કહે, મને મિષ્ટાન્ન ન જોઈએ, સાસુમાના હાથનાં આમટી ને ભાત મળે એટલે બસ ! પણ આજે સોનલ આમ કેમ બોલે છે ? મેં એને જરીક ધમકાવી, ‘જો, સોનુ ! જમાઈરાજ સાથે તમારે બધાંએ આવવાનું. મારા વતી એમને કહેજે, આજે રાતે આમટી ને ભાત બનાવીશું.’
‘મમ્મી, તું જ એમને ઑફિસે ફોન કરીને કહી દે ને ! હું તો અત્યારે જ આવું છું. આજે શનિવારે સવારની સ્કૂલ એટલે છોકરાં તો સ્કૂલેથી આવી ગયાં.’ અને સોનુએ ફોન મૂકી દીધો. ચોક્કસ બંને વચ્ચે ઝઘડો થયો હોય એમ લાગે છે. મારી દીકરી છે ને, ભારે લાડકોડમાં ઊછરી છે. ભારે હઠીલી છે, પણ હોશિયાર બહુ છે હોં ! હમણાં જ એને એના કાવ્યસંગ્રહ માટે રાજ્યની સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે.
વધુ આગળ વાંચો »
Friday, September 11, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : હરિશ્ચંદ્ર · 16 પ્રતિભાવો
[ટૂંકીવાર્તાઓના પુસ્તક ‘વીણેલાં ફૂલ’ માંથી સાભાર.]
[1] પતંગિયું
બગીચામાં ઊડી રહેલ રંગબેરંગી પતંગિયાને જોવામાં સમીર લીન બની ગયો હતો. એને પકડવા દોડ્યા કરતો હતો. ત્યાં નીલ રંગનું એક સુંદર પંખી આવ્યું. એની પાંખો પરની પીળી ટપકીઓ એવી તો શોભતી હતી ! આની મખમલી પાંખને તો અડવું જ જોઈએ. છુપાઈને એ દીવાલ સાથે અડીને ઊભો રહ્યો. પછી બિલાડીની ચાલાક ચાલે ધીરે ધીરે આગળ વધ્યો. એકાએક એ કૂદ્યો…. ‘એ…. હાથમાં આવ્યું !’ પણ પંખી તો ફુર્રર્ર કરતું ઊડી ગયું !
ત્યાં પપ્પાએ એનો કાન પકડ્યો : ‘કપડાં કેવાં ગંદાં કરી નાંખ્યાં !’
સમીર ચોંકીને પોતાનાં કપડાં જોવા લાગ્યો. એને તો કાંઈ ગંદું દેખાયું નહીં. ત્યાં મમ્મી પણ આવી પહોંચી હતી. સમીરે પહેરેલા લાલ ટી-શર્ટની પીઠે લાગેલો ચૂનો એ ખંખેરી રહી હતી. ચૂનો તો ખંખેરાઈ ગયો, પણ સફેદ ધાબાં પડી ગયાં હતાં.
પપ્પાએ પૂછ્યું : ‘ચાલ બતાવ ! તારો લેફટ ફૂટ કયો ?’
સમીરે ડાબો પગ આગળ કર્યો.
‘વેરી ગૂડ !…. હવે લેફટ હેન્ડ બતાવ !’
સમીરની નજર પતંગિયા પર હતી. તેણે જમણો હાથ આગળ ધર્યો. પપ્પા ગુસ્સાને માંડ-માંડ કાબૂમાં રાખતાં તેને સમજાવવા લાગ્યા…. ‘બેટા, લેફટ ફૂટની ઉપર જ લેફટ હેન્ડ હોય.’
છેલ્લા થોડા વખતથી પપ્પા-મમ્મી બંને બહુ બેચેન હતાં. સમીરના એડમિશનનો ક્યાંય મેળ પડતો નહોતો. એ ત્રણ વરસનો થયો. હવે કે.જી.માં એને દાખલ કરવો જ પડે. પરંતુ અંગ્રેજી માધ્યમની ‘ટોપ’ ગણાતી ત્રણ સ્કૂલના ઈન્ટરવ્યૂમાં એ નાપાસ થયો. હવે સારી કહેવાય એવી એક જ સ્કૂલ બચી હતી. તેમાંય જો એડમિશન ન મળે, તો તો કમબખ્તી જ બેસી જાય ને ! પપ્પા ને મમ્મીએ રાત-દિવસ એક પ્રેક્ટિસ કરાવી હતી – ‘વૉટ ઈઝ યૉર નેમ ?’…… ‘વૉટ ઈઝ યોર ફાધર્સ નેમ ?’ પરંતુ સ્કૂલમાં તો એને લેફટ ફૂટ અને રાઈટ હેન્ડ વિશે પુછાયું. બીજી સ્કૂલમાં એને રાઈટ-લેફટ વિશે ગોખાવ્યું. પણ ત્યાં એને સીતાફળના ચિત્રમાં રંગ પૂરવાનું સોંપાયું. બિચારા સમીરે કદી સીતાફળ ખાધું નહોતું, જોયું નહોતું. એણે દ્રાક્ષનો ઝૂમખો સમજીને તેમાં રંગ પૂર્યો !
વધુ આગળ વાંચો »
Thursday, August 27, 2009 · પ્રકાર : નિબંધ · સાહિત્યકાર : હરિશ્ચંદ્ર · 20 પ્રતિભાવો
[ મૂકસેવક તરીખે ઓળખાતા રવિશંકર મહારાજના નામથી તો કોણ અપરિચિત હોય ? બીજા માટે ઘસાઈ છૂટવું એ તેમના જીવનનો મહામંત્ર રહ્યો. ગાંધીજી અને વિનોબાજી સાથે અદ્દભુત કાર્યો કર્યા. સતત ભ્રમણ કરતા રહ્યા. સરળ શબ્દોમાં જીવનની ગહન વાતોને સમજાવવાની તેમની અનોખી શૈલી રહી. તેમની આ જીવનપ્રેરક વાતોનું ‘હરિશ્ચંદ્ર’ ઉપનામથી લખતા કાન્તાબેન અને હરવિલાસબેને સુંદર સંપાદન કર્યું છે. માણીએ તેમાંથી બે પ્રકરણો સાભાર....]
[1] બીજાને ખપ આવજો
પરમેશ્વરે આપણને આ શરીર આપ્યું છે. કાન, નાક, આંખ, બધાંય સેવા કરનારાં અંગો છે. પરંતુ જો આપણને સેવા કરવાની મૂળમાં ઈચ્છા હોય તો જ આ અંગો સેવા આપે. એને બદલે જો મોજશોખ કરવાની ઈચ્છા હોય તો એ બધાં મોજશોખને માર્ગે વળી જાય. આંખ સિનેમા જુએ, કાન સિનેમાનાં ગીતો સાંભળે. અને જીભ ભજીયાં, રસગુલ્લાં વગેરે આરોગવામાં આનંદ માણે ! જો આ શરીર વડે આપણે સેવા કરવી હોય તો સૌથી પહેલાં તેને મજબૂત બનાવવું જોઈએ. માયકાંગલા નબળા શરીરથી કોઈની સેવા થઈ શકે નહીં, ઊલટું એવા શરીરને તો બીજાની સેવા લેવી પડે.
હવે સવાલ એ ઊભો થાય છે કે સારું શરીર કોને કહેવાય ? હવે જુઓ ભાઈ, આપણી ઘેર કોઈ ચીજની જરૂર પડી છે. બજારમાં લેવા જઈએ છીએ તો જે ચીજની જરૂર છે અને જે આપણને ખપમાં આવી શકે છે તે જ ચીજ આપણે લઈએ છીએ. વળી, તે ચીજ બે-ચાર દુકાને પૂછીને જ્યાંથી સોંઘી મળે છે ત્યાંથી જ લાવીએ છીએ. આ સોંઘી ચીજ સાથે સાથે ટકાઉ પણ હોવી જોઈએ. નહીં તો ઘેર આવતાં જ જો તે તૂટી જાય તો ઘરના માણસો વઢે અને લોકો હસે ! પણ ચીજ સોંઘી ય હોય અને લાંબો વખત સુધી ટકે તેવી ય હોય તો ફાવ્યા કહેવાઈએ. આમ આપણે આણેલી ચીજ ખપમાં આવે તેવી, સોંઘી ને વળી ટકાઉ હોવી જોઈએ. ચીજમાં આ ત્રણે ય ગુણ હોય પણ તે ચીજ દેખાવમાં ખરાબ હોય તો ? તો તો લોકો મોં મચકોડે ને ? એટલે વળી પાછી તે દેખાવમાં પણ સારી, સુઘડ અને સુંદર હોવી જોઈએ.
વધુ આગળ વાંચો »
Wednesday, July 29, 2009 · પ્રકાર : સાહિત્ય લેખ · સાહિત્યકાર : હરિશ્ચંદ્ર · 17 પ્રતિભાવો
[‘જીવનઘડતરના પ્રેરક પ્રસંગો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
[1] એ તારો ગુલામ છે !
બાળપણમાં વિનોબાને ભૂતનો બહુ ડર લાગતો. ત્યારે મા તેને સમજાવતી કે ભૂત-બૂત તો નરી કલ્પના છે. ભગવાનના ભક્તોને ભૂત-પ્રેત કદી નથી સતાવી શકતાં. રામનામ લેવું એટલે બધાં ભૂત-પ્રેત ભાગી જશે. દીકરાને મા પર શ્રદ્ધા હતી એટલે એ ડર તો ઘણો ખરો ગયો. પણ એક દિવસ એવું થયું કે રાતે ઓરડામાં એક બાજુ ફાનસ હતું, એટલે સામેની દીવાલ ઉપર વિન્યાનો જ લાંબો-મોટો પડછાયો દેખાતો હતો. વિન્યો એકદમ ગભરાઈ ગયો કે સામે કેવડો મોટો માણસ ઊભો છે ! એ તુરત મા પાસે દોડીને એની સોડમાં લપાઈ ગયો. ત્યારે માએ તેને પ્રેમથી સમજાવ્યું કે આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. એ જે દેખાય છે તે તો તારો ગુલામ છે. તું કરીશ તેમ જ તેણે કરવું પડશે. તું બેસીશ, તો એ પણ બેસશે, તું ઊભો થઈશ, તો એ પણ ઊભો થશે.
વિન્યાએ તો એમ કરી જોયું. એ બેઠો તો પડછાયો પણ બેઠો. એ ઊભો થયો તો પડછાયો પણ ઊભો થયો, એ ચાલવા લાગ્યો તો પડછાયો પણ ચાલવા લાગ્યો. એટલે એને ખાતરી થઈ ગઈ કે આ તો આપણો ગુલામ છે, તેનાથી ડરવાનું હોય નહીં. આમ માએ બુદ્ધિપૂર્વક બાળકના મનમાંથી પડછાયાનો ડર કાઢ્યો.
[2] શબ્દ ખોટો, પણ મોહન સાચો !
હાઈસ્કૂલના પહેલા વરસનો એક પ્રસંગ. શિક્ષણ ખાતાના ઈન્સ્પેક્ટર આવેલા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ અંગ્રેજી શબ્દ લખાવ્યા. એક શબ્દ હતો : kettle. મોહને તેની જોડણી ખોટી લખી. માસ્તરે તેને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ મોહન સમજ્યો જ નહીં કે માસ્તર તેને સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે છે. માસ્તર તો છોકરાઓ એકબીજામાંથી ચોરી ન કરે તે જોવા માટે હોય ને. તે કાંઈ સામે ઊઠીને કોઈને ચોરી કરવાનું થોડું જ કહે ? મોહનના મનમાં આવી પાકી છાપ. તેથી પરિણામ એ આવ્યું, બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડ્યા અને એકલો મોહન ઠોઠ ઠર્યો ! તેની ‘મૂર્ખાઈ’ કે ‘બાઘાઈ’ તેને માસ્તરે પાછળથી સમજાવી. પણ તોયે મોહનના મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. તેને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી આવડ્યું જ નહીં ! આથી જ મોહન મોટો બનતાં સત્યનો મહાન ઉપાસક બની શક્યો અને મહાત્માનું બિરુદ પામ્યો. આ મોહન તે મહાત્મા ગાંધી.
વધુ આગળ વાંચો »
Tuesday, June 23, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : હરિશ્ચંદ્ર · 23 પ્રતિભાવો
[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારની ‘આસવ’ કૉલમમાંથી સાભાર.]
[1] મારું ઘર
સામેની પાટલી પર બેઠેલ જોડું ખુશખુશાલ હતું. એક-મેક સાથે ખૂબ હળીમળી ગયાં હશે ! જાય જ ને ! પેલીનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ જ નહીં હોય. પેલો એની કેટલી કાળજી લે છે ! ‘જાંબુ લઈશું ? પાણી જોઈએ છે તને ? બારી બંધ કરી દઉં ? ચા કે કોફી ?’ પુરુષો પોતાને આવી જ રીતે હલાવે-મલાવે એમ ઈચ્છે છે બધી પત્નીઓ. આવા વર્તનથી કેટલી રાજી થતી હોય છે ! સમાનતા નર્યો દંભ છે. પરાવલંબનમાં જ સુખ છે !
કાલે મારો ઈન્ટરવ્યૂ. શું પૂછશે ? ‘આટલી સારી નોકરી શું કામ છોડી ?’ હું શું કહીશ ? તે દિવસ પરાગના મોં પર મંગળસૂત્રનો ઘા કરીને હું ચાલી આવી. પરિત્યક્ત બિચારો ! ‘તમારા મિસ્ટર શું કરે છે ?’ એમ પણ પૂછશે. પુરુષોને કદી પૂછતા હોય છે કે ‘તમારી મિસિસ શું કરે છે ?’ – ટ્રેન જોરથી દોડી રહી છે. સામેની પત્ની પતિના ખભે માથું નાખીને સૂતી છે. સૂતી તો ધૂળ હશે ? નર્યા પોચલિયાવેડા ! થોડી વારમાં સ્ટેશન આવ્યું. પોતે પુરુષ છે એટલે બૈરા માફક બેસી શું રહેવું એવા વિચારથી એ નાહક જ નીચે ઊતર્યો. બીજા પણ ઘણા પુરુષો ઊતર્યા. મોટા ભાગના ગાડી ચાલવા લાગી ત્યારે જ ચડ્યા. ચાલતી ગાડી પકડી કે હું પુરુષ છું એ સિદ્ધ !
મેં પરાગ સાથે પરણવાનું નક્કી કર્યું ત્યારે બધા કહેવા લાગ્યા : તું પી.એચ.ડી. અને તે ફક્ત બી.એસ.સી. ગાંડી થઈ ગઈ છે કે ? વળી, પૈસોય નથી. એના કરતાં તો તું વધુ કમાય છે. તને તો અમેરિકા જનારો પતિ મળશે. મોટર, ફ્રીજ, ફર્નિચર બધું…. હું હસતી. ‘હું પોતે જ નહીં જાઉં અમેરિકા ? પરાગને પણ સાથે લઈ જઈશ. ફ્રીજ વગેરે હું પોતે જ લઈશ. પરાગ મારાથી ઓછું ભણેલો તેમાં શું ? પુરુષોને પોતાનાથી ઓછું ભણેલ પત્ની નથી ચાલતી ? મારો ધણી મારા કરતાં બધી બાબતમાં શ્રેષ્ઠ જ હોવો જોઈએ, એવું શું કામ ? સ્ત્રીઓની એ માનસિક ગુલામી હજી ગઈ નહીં.’ અને એમ બધાની સલાહ વિરુદ્ધ મેં પરાગ સાથે લગ્ન કર્યાં. શરૂ શરૂમાં તો સારું ચાલ્યું, પણ પછી કાંઈ અમારો મેળ પડ્યો નહીં. ધીરે-ધીરે મારા ધ્યાનમાં આવ્યું કે પરાગની વિનોદબુદ્ધિ બહુ જ બુઠ્ઠી છે. બીજાઓ ખડખડાટ હસે, પણ એ બાઘાની જેમ બેઠો રહે. ક્યારેક ખોટી જગ્યાએ નાહક હસી પડે. એકવાર મેં સીધું પૂછી પાડ્યું :
‘કેમ રે, તને સમજાતો નથી મારો વિનોદ ?’
એનું પુરુષ-અભિમાન ભભૂકી ઊઠ્યું : ‘મૂરખ જેવો હોય છે વિનોદ તારો. આખો દિવસ ખીલખીલ શું કર્યા કરવું ?’
મને ચાટી ગઈ. પોતે મૂર્ખ તો મૂર્ખ અને પાછો મને મૂર્ખ કહે ! વળી, અપેક્ષાઓ પણ એની મૂરખ જેવી. હું એનો દાઢીનો સામાન ધોઈ દઉં, એના બૂટને પોલિશ કરી દઉં, રોજ એનાં કપડાં બાથરૂમમાં મૂકું – આવી-આવી એની અપેક્ષા અને પાછું મારે અગિયાર વાગ્યે કૉલેજમાં પહોંચવાનું. તે પહેલાં કલાકેક તો લેકચરની તૈયારી કરવામાં જાય અને રસોઈ તો કરવાની હોય જ.
વધુ આગળ વાંચો »