મોટું જુઠાણું – કનુભાઈ રાવલ
પ્રકાર: બાળ સાહિત્ય
સાહિત્યકાર : કનુભાઈ રાવલ
10 પ્રતિભાવો
[‘હાસ્ય-કથામાળા’માંથી બાળવાર્તા સાભાર.]
મિથિલાના રાજા શિવસિંહ. એમનો એક રાજકુંવર. એનું નામ વિરેન્દ્ર. ત્યાંના દીવાનનો એક પુત્ર. એનું નામ રાજેશ. એ ગામના વેપારીને પણ એક પુત્ર. એનું નામ મહેશ. આ ત્રણેય ભાઈબંધો આખો દિવસ સાથે ને સાથે. ફરવા જાય તો પણ સાથે.
એક વાર બધા સાથે બેઠા હતા રાજેશને તુક્કો સૂઝ્યો. તે બોલ્યો :
‘આપણે કશુંક નવું કરીએ. એક રમત રમીએ. એમાં દરેક જણે ખોટી વાત કહેવાની.’
‘બરાબર છે, પણ જે આ વાત જૂઠી છે એમ કહે તે એક હજાર રૂપિયા આપે !’ મહેશ બોલ્યો.
‘શરત મંજૂર છે.’ રાજકુમાર વિરેન્દ્રએ કહ્યું. ત્રણેય મહેલની અગાશી પર બેઠા. સરસ પવન આવતો હતો. રાજેશે પોતાની વાત શરૂ કરી. તેણે કહ્યું, ‘આજથી સો વર્ષ પહેલાંની વાત છે. મારા પિતાજી અહીંના રાજા હતા. તે સમયે શિવસિંહ પાસે ખાવાનું અનાજ નહોતું. તેઓ ખૂબ ગરીબ, રસ્તે રખડતા ભિખારી એટલે મારા પિતાજીએ એમને નોકરીએ રાખ્યા.’
વાત સાંભળતાં જ રાજકુમારનો મિજાજ ગયો. તે ગુસ્સે થયો. એણે રાજેશને એક તમાચો લગાવ્યો અને બોલ્યો : ‘તું ખોટો છે. તારા પિતાજી ક્યારે રાજા હતા વળી ?’
‘લાવો રાજકુમાર 1000 રૂ. તમે શરત પ્રમાણે વાત ખોટી છે એમ બોલી ગયા ને !’ રાજેશે કહ્યું. રાજકુમારે શરત પ્રમાણે 1000રૂ. આપવા પડ્યા.
હવે મહેશનો વારો હતો. એણે પોતાની વાત શરૂ કરી.
‘ઘણા વર્ષો પહેલાં રાજા મારા પિતા પાસે ભીખ માંગવા આવ્યા હતા…..’
બસ ! રાજકુમાર સાંભળી ન શક્યો. એનો મિજાજ ગયો. ગુસ્સાથી લાલચોળ થઈને તેણે મહેશને બે ચાર લપડાક લગાવી અને બોલ્યો : ‘મોઢું સંભાળીને વાત કરજે, નહિ તો જાનથી મારી નાખીશ. તારા પિતા પાસે મારા પિતાજી ભીખ માંગે ? ખોટી વાત…..’
‘એ જ તો શરત હતી ને કુમાર ! તમે મારી વાતને જૂઠી કહી. તો લાવો હવે હજાર રૂપિયા !’ મહેશ બોલ્યો. રાજકુમાર વિરેન્દ્રએ શરત મુજબ પૈસા આપવા પડ્યા. હવે વારો રાજકુમારનો હતો. તે ખૂબ ગુસ્સે થયેલો હતો અને તેની તબિયત પણ બરાબર નહોતી. તે બોલ્યો : ‘હું આવતીકાલે મારી વાત કહીશ.’
વધુ આગળ વાંચો »
બુદ્ધિની બલિહારી – કનુભાઈ રાવલ
પ્રકાર: બાળ સાહિત્ય
સાહિત્યકાર : કનુભાઈ રાવલ
19 પ્રતિભાવો
[‘વિક્રમ અને વૈતાળની વાતો’ પુસ્તકમાંથી સાભાર.]
દોડતો દોડતો વિક્રમ સ્મશાનમાં અશોક વૃક્ષ નીચે આવ્યો. આછા પ્રકાશમાં ઉંચે નજર કરી. ડાળી પર એક શબ લટકતું હતું. વિક્રમ ઝડપથી ઝાડ પર ચડ્યો અને શબને નીચે ઉતાર્યું. ખભે નાખીને તે ઝડપથી ચાલતો થયો. શબે સળવળાટ કર્યો. તેમાં છુપાયેલો વૈતાળ બોલ્યો : ‘વિક્રમ, તારી વીરતાનો હું પ્રશંસક છું. પણ તું ખોટો અડધી રાતે અહીં સ્મશાનમાં આવે છે. દોડાદોડી કરીને તું થાક્યો હોઈશ. તને આનંદ આવે એવી સરસ વાર્તા કહું છું :’
વારાણસી નામનું નગર. આ નગરમાં ભગવાન શંકરનું નિવાસસ્થાન, પવિત્રભૂમિમાં પુણ્યશાળી લોકો રહેતા હતા. નગરના કાંઠે ગંગા નદી ખળખળ વહેતી હતી. આ નદી જાણે કે ડોકમાં પહેરેલા હીરાના હાર જેવી લાગતી હતી. આ નગરનો રાજા પ્રતાપસિંહ. રાજા પરાક્રમી અને શૂરવીર. દુશ્મનો તેનું નામ સાંભળીને સંતાઈ જતા. પ્રતાપસિંહને એક કુંવર હતો. સૌંદર્યમાં જાણે કામદેવનો અવતાર. અર્જુન જેવો શસ્ત્રવિદ્યામાં પારંગત. પિતા જેવો પરાક્રમી. પ્રતાપસિંહને એક મિત્ર હતો, તેનું નામ બુદ્ધિધન… તેની કુશાગ્ર બુદ્ધિ ચતુરાઈને કારણે રાજકુમારને પ્રાણથી વિશેષ વહાલો હતો. બુદ્ધિધનના પિતા આ રાજ્યના પ્રધાન હતા.
એકવાર પ્રતાપસિંહ જંગલમાં શિકાર કરવા નીકળ્યા. સાથે બુદ્ધિધન પણ હતો, નોકર-ચાકર અને સૈનિકો પણ હતા. પ્રતાપસિંહનો ઘોડો પવનવેગે જંગલમાં ઘુમતો હતો. પ્રતાપસિંહ શિકાર કરવામાં મશગૂલ હતાં. છનનન કરતું તીર છોડતા હતા. જંગલમાં પશુઓ નાસભાગ કરતાં હતાં. વૃક્ષ પર પંખીઓ કલકલાટ કરતાં હતાં. બંને મિત્રો જંગલમાં દૂર દૂર નીકળી ગયા. જંગલની વચ્ચે એક સરોવર હતું. સરોવરમાં રંગબેરંગી કમળો ખીલ્યાં હતાં. પવનની લહેરથી સરોવરમાં પાણીના તરંગો ઊઠતા હતા. કિનારે ઘટાટોપ વૃક્ષ. તેની ડાળે બેસીને કોયલ મધુર ટહુકાર કરતી હતી. આ સરોવરમાં એક યુવતી નહાતી હતી. પાણીમાં છબછબિયાં કરતી હતી. જાણે આકાશમાંથી પરી આ પૃથ્વી પર ભૂલી પડી હોય તેવી તે હતી. આજુબાજુ દાસીઓનું ઝુંડ હતું.
વધુ આગળ વાંચો »





