‘સંગમાં રાજી રાજી’ કરતો એક પ્રયોગ – મીરા ભટ્ટ

[ વિષય-પ્રવેશ : કેટલાક લેખો બાબતે રીડગુજરાતીના વાચકોનું વિશેષ ધ્યાન દોરવા માગું છું અને આ લેખ તે પૈકીનો એક છે. આ લેખ શેના વિશે છે તે જાણીએ તે પહેલાં આ લેખની પૂર્વભૂમિકા રૂપ એક ઘટનાનો ઉલ્લેખ કરવો ઉચિત સમજું છું. જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટને ત્યાં ઘણી વાર જવાનું થાય. અરુણભાઈ અને મીરાબેન સાથે વિવિધ વિષયો પર વાતચીતનો સહજ આનંદ આવે. એક વાર વાતવાતમાં મીરાબેને મને પૂછ્યું કે ‘તમને અમારા ‘પ.મિ’ વિશે ખબર છે ને ?’ મેં જ્યારે ના કહી ત્યારે તેમણે જવાબમાં જે મને જણાવ્યું તે અહીંનો આ લેખ છે. બે-એક કલાકની અમારી વાતચીતને તેમણે મારી વિનંતીથી લેખ સ્વરૂપે રીડગુજરાતીને લખીને મોકલી આપી જેથી સૌ વાચકમિત્રો તેનો લાભ માણી શકે. હકીકતે આ ફક્ત વાંચન માટેનો એક લેખ જ નથી, પરંતુ એક આચરણીય પ્રયોગ છે. ઈચ્છા તો એવી થાય છે કે આજના સમયમાં સૌ લોકો આ પ્રયોગને અપનાવે અને અમલમાં મૂકે. ખેર, આ ‘પ.મિ’ શું છે તે ચાલો મીરાબેનના શબ્દોમાં જ માણીએ. ફરી એકવાર, આપ સૌની વિશેષ એકાગ્રતા ચાહું છું. રીડગુજરાતીને આ સુંદર લેખ મોકલવા માટે મીરાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર + 91 9376855363 સંપર્ક કરી શકો છો. – તંત્રી. ]

સવારનો શીળો શીળો મધુર પવન હવામાં હિલોળા ખાઈ રહ્યો છે, ચોમેર ફેલાયેલી વૃક્ષરાજીનાં લીલાંછમ પર્ણો હવામાં મંદ મંદ મીઠાં સ્મિત પાથરી રહ્યાં છે, વૃક્ષની ડાળીઓ પણ નર્તનના છંદે ચઢીને ડાબે-જમણે ઝૂલી રહી છે. આવા શાંત, એકાંત વાતાવરણમાં વૃક્ષો વચ્ચે બેઠેલો એક નાનકડો સમુદાય અત્યંત શાંત બનીને કોઈના બે બોલ સાંભળવા આતુર કાન માંડીને બેઠો છે. ધીરે ધીરે એક અવાજ હવામાં ફેલાતો સંભળાય છે :

‘તે દિવસે આવી જ સવાર હતી. ઘરમાં હું એકલી હતી. નાહી-ધોઈ કપડાં સૂકવવા આંગણામાં આવી ત્યાં અચાનક મારી નજર આંગણાના વૃક્ષની એક ડાળી પર ગઈ અને મેં એનાં લીલાછમ પાંદડા વચ્ચે એક નાનકડું ફૂલ ડોકિયું કાઢતું જોયું. કોણ જાણે એ ક્ષણે શું થયું તે હું આખેઆખી ડોલી ઊઠી. મારી આંખોમાં આંસુના પૂર ઉમટ્યાં. મને થયું કે કોઈને ભેટી પડીને આ ફૂલ ઊગ્યાના સમાચાર આપું. પરંતુ ઘરમાં તો કોઈ હતું જ નહીં. અત્યંત આકુળ-વ્યાકુળ સ્થિતિમાં કોઈકને શોધતી-ફંફોસતી બસ, હું રોતી રહી… રોતી જ રહી…. ગયા વર્ષની આ એક એવી ઘટના છે, જે હું કદી નહીં ભૂલું !’

શ્રોતાગણ પણ શાંત-સ્તબ્ધ બનીને હૈયામાંથી વહેતાં સૂરને સાંભળતો હતો. ઘડીભર ચૂપકીદી છવાઈ ગઈ. હવામાં ફક્ત પર્ણ-મર્મર સંભળાતો હતો… આ નથી કોઈ કવિ-સાહિત્યકારોની સભા કે નથી કોઈ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓનું મિલન. અહીં જે ત્રીસ-બત્રીસ જણ બેઠાં છે, તેમાં કોઈ આ વક્તા યુવતીના સાસુ-સસરા પણ છે, તો કોઈ કાકા-કાકીજી, તો કોઈ જેઠ-દિયરીયા. પંચોતેર વર્ષના વડીલથી માંડી માની ગોદમાં મીઠું-મીઠું મલકાતું નાનકડું બાળ પણ છે. જી, હા….. આ છે અમારું પરિવાર-મિલન. એક બૃહદ પરિવારનું મિલન. છ ભાઈ-બહેનોનાં સંતાનો સમેતનો બહોળો પરિવાર. અમે સૌ કુટુંબીજન ભેળાં તો મળ્યાં છે, પણ નથી કોઈ લગ્નનો અવસર કે નથી કોઈ વહેવારુ પ્રસંગ ઊજવવાનું ટાણું ! અમે તો બસ ‘યૂં હી’ આમ જ સાવ અમસ્થા ભેગા થયા છે. આ સ્થળ અમારામાં કોઈનું ઘર પણ નથી. બસ, દરિયાકાંઠે સાવ અમસ્તુ અમથું અમથું સાથે રહેવા મળેલા અમારા સૌનું આ પરિવાર-મિલન છે.
વધુ આગળ વાંચો »

સાને ગુરુજી – મીરા ભટ્ટ

[ નવી પેઢીને ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓની માહિતી મળે તે હેતુથી વડોદરાના ‘જનજાગૃતિ અભિયાન’ સંસ્થા દ્વારા મીરાબેન ભટ્ટની કલમે ‘યાદ કરો કુરબાની’ નામે બે પુસ્તકો તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંના ભાગ-1માંથી આજે શ્રી સાને ગુરુજીનું જીવનદર્શન અહીં કરીએ. અન્ય તમામ ચરિત્રોની યાદી આ લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી મીરાબેન ભટ્ટનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિ માટે લેખના અંતે આપેલ સરનામે આપ સંપર્ક કરી શકો છો.]

‘બાબા, મને ‘શામુની મા’ જેવી મા ક્યારે મળે ?’ – તેવીસ વર્ષનો એક તરુણ વિનોબાજીને પૂછે છે. એના જવાબમાં વિનોબાજી કહે છે કે – તું જ્યારે શામુ જેવો બનીશ ત્યારે તને શામુની મા જેવી મા મળશે. કોણ છે આ શામુ, ને કેવી છે એની મા ? – આ બંને જીવતાં પાત્રો નથી, પરંતુ એક પુસ્તકનાં બે પાત્રો છે. પરંતુ મહારાષ્ટ્રના અનેક યુવાનોનાં દિલોમાં શામુની માએ અદ્દભુત સ્થાન મેળવી લીધું છે. આમ, પુસ્તકનાં પાત્રોને જીવંત બનાવી ઘેર ઘેર પહોંચાડનાર લેખકનું નામ છે, સાને ગુરુજી. એમનું હુલામણું નામ ‘શ્યામ’.

આ ‘સાને’ તો એમની અટક. ‘ગુરુજી’ એમનું ઉપનામ. પરંતુ એમનું આખું નામ છે, પાંડુરંગ સદાશિવ સાને. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના એક ગામડામાં સાધારણ સ્થિતિના કુટુંબમાં એમનો જન્મ 1899ની 24મી ડિસેમ્બરે થયો. ધર્મપરાયણ તથા કોમળ સ્વભાવની મા પાસે પાંડુરંગનું નાનપણથી જ ભક્તિભાવવાળું ઘડતર થયું. નાનપણમાં મા કાનમાં અને કાંડામાં ઘરેણાં પહેરાવતી. એક વાર નિશાળમાં મોટા શિક્ષક પરીક્ષા લેવા આવ્યા. પાંડુરંગના દાગીના જોઈ પૂછ્યું, ‘દાગીના કોણ પહેરે ?’
‘બહેનો.’
‘લોકો તને દાગીનાથી ઓળખે તે ગમે, કે સદવર્તનથી ?’
‘સદવર્તનથી’ પાંડુરંગે જવાબ આપ્યો. બસ, તે દિવસથી દાગીના છૂટી ગયા અને સદગુણો કેળવવાનું કામ શરૂ થયું. પછી તો મેટ્રિક-ગ્રેજ્યુએટ થઈ શાળાના શિક્ષક બન્યા. પોતાને નાનપણથી જ સાહિત્યનો શોખ. એટલે વિદ્યાર્થીઓ માટે ‘છાત્રાલય’ નામનું હસ્તલિખિત દૈનિક શરૂ કર્યું. એક વાર મુંબઈ જવાનું થયું તો ચોપાટી પર ગાંધીજીનું ભાષણ સાંભળ્યું. ગાંધીજીના શબ્દો એમના અંતરમાં આરપાર ઊતરી ગયા. ગાંધીજીમાં એમને ભારતનાં તપ અને વૈરાગ્ય દેખાયાં ! જાણે હરતીફરતી, જીવતી-જાગતી ગીતા ! સત્ય અને પ્રેમનો સાક્ષાત અવતાર ! એમની દેશદાઝ તો જાણે ભડભડતી આગ !
વધુ આગળ વાંચો »

ડો. જે.સી. કુમારપ્પા – મીરા ભટ્ટ

[ આજના પ્રજાસત્તાક દિને ગાંધીયુગના અમર સ્વાતંત્ર્યસેનાઓ પૈકીના એક ડૉ. જે.સી.કુમારપ્પાનું સ્મરણ કરીને સૌ સ્વાતંત્ર્યસેનાનીઓને વંદન કરીએ. જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટ (વડોદરા)ની કલમે લખાયેલા 84 જેટલા મહાન વ્યક્તિત્વોનો ‘ગાંધી યુગની આકાશગંગા’ પુસ્તકમાં સમાવેશ કરાયો છે, જે પૈકી ડૉ. જે.સી. કુમારપ્પા એક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ મીરાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 085કહેવાય છે કે મોર પીંછે રળિયામણો. ગાંધીજી પણ એમના એકેકથી ચડિયાતા સાથીઓથી સભરભર્યા હતા. ‘વિષ્ણુસહસ્ત્રનામ’નો પાઠ થાય તેટલા ઉચ્ચ કોટિના સાથી-અનુયાયી એમને સાંપડ્યા. આવા સાથીઓમાં જે.સી. કુમારપ્પાનું સ્થાન અનોખું છે. અત્યંત બાહોશ, વિદેશમાં ભણેલા અને ત્યાંની જ રહેણીકરણીમાં ઉછરેલા ખ્રિસ્તી પરિવારના ડૉ. જોસેફ કોર્નેસિય કુમારપ્પા જે રીતે ગાંધીની ફકીરી અપનાવી લે છે, એ ઘટના સાચે જ મુગ્ધ કરી દેનારી છે. 1891માં ચોથી જાન્યુઆરીએ તેમનો જન્મ થયો.

તામિલનાડુનું મદુરા એમનું વતન. માતા તરફથી ધાર્મિકતાના સંસ્કાર સાંપડ્યા, અને પિતા તરફથી શિસ્તપ્રિયતાના. પ્રારંભિક શિક્ષણ ભારતમાં મેળવી ઑડિટ અને એકાઉન્ટસનું સંશોધનાત્મક શિક્ષણ મેળવવા લંડન ગયા. ત્યાંથી ચાર્ડર્ડ એકાઉન્ટની ઉજ્જવળ ફત્તેહ મેળવી મુંબઈની એક કંપનીમાં જોડાયા. 1927માં અમેરિકા ફરવા જવાનું થયું તો ‘બિઝનેસ એડમિનિસ્ટ્રેશન’ની સ્નાતક ઉપાધિ અને કોલંબિયા યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ લેતા આવ્યા. અનુસ્નાતક પ્રબંધનો વિષય હતો – ભારતની ગરીબીનાં કારણો.
વધુ આગળ વાંચો »

સ્વાસ્થ્ય ભણી દોરી જતી સપ્તપદી – મીરા ભટ્ટ

[‘વિચારવલોણું’માંથી સાભાર.]

મનુનાં સંતાન એટલે તો માનવ ખરાં જ, પરંતુ એ આદ્ય મનુ પણ મનધારી હતો, એટલે ‘મનુ’ કહેવાયો. ‘મન’ એ મનુષ્યનું વિશિષ્ટ અંગ છે, જેના પ્રતાપે તે અનેક વણખેડેલી ક્ષિતિજોને ખેડી શકે છે. ધન એટલે કે ‘સાધન’ કરતાં પણ વિશેષ મહત્વ ‘તન-મન’નું છે, એટલે તન-દુરસ્તી અને મન-દુરસ્તી જીવનમાં પ્રથમ સ્થાન ભોગવે છે. ભારતીય ભાષામાં આ તંદુરસ્તી માટેનો એક સૂચક શબ્દ છે – સ્વાસ્થ્ય, સ્વસ્થતા, આરોગ્યવાન હોવું, નિરામય હોવું એટલે સ્વસ્થ હોવું. ‘સ્વસ્થતા’ એટલે ઘી ઘીના ઠામમાં હોય. દરેકનું પોતપોતાનું આગવું સ્થાન હોય છે, ઊભા રહેવાની બે પગ જેટલી જગ્યા. પોતાનામાં સ્થિત હોવું. તે છે સ્વસ્થતા, સ્વયંધારણા, ક્યાંક કશું જ આમતેમ માથું ન ઊંચકે, આઘુંપાછું ન થાય, સ્વયંમાં સંલીન રહે તે સ્થિતિ છે સ્વસ્થતા.

રવિશંકરદાદા કહેતા – દાળ-શાક સ્વાદિષ્ટ ક્યારે લાગે ? એમાં મીઠું-મરચું-હળદર-ધાણાજીરું, ગોળ વગેરે મસાલા એ રીતે પડે કે કોઈ એક મસાલો પોતાનું માથું ન ઊંચકે. તન-મન પાસે કામ લેવા કુદરતે વિશિષ્ટ શક્તિ આપી છે, પરંતુ પ્રત્યેક શક્તિએ વિવેકના નિયમન અને નિયંત્રણમાં રહેવું જરૂરી છે. શક્તિને આ વિવેકની લગામ લાગે તે છે સ્વસ્થતા. કુદરતે મન પાસે કામ લેવા એમાં ત્રિવિધ શક્તિ મૂકી-સત્વ-રજસ-તમસ આ ત્રિગુણ એ મનનાં અનન્ય સાધન છે. મન ધારે તે કામ એમની પાસે લઈ શકે, પરંતુ એ શક્તિ પોષક-વિધાયક બની રહે તે માટે મનને પણ વિવેકનું અવધારણ જોઈએ.
વધુ આગળ વાંચો »

વિનોબાના જીવનપ્રસંગો – મીરા ભટ્ટ

[તાજેતરમાં જેની દ્વિતિય આવૃત્તિ પ્રકાશિત થઈ છે તેવા પુસ્તક ‘વિનોબાના જીવનપ્રસંગો’ માંથી કેટલાક પ્રસંગો સાભાર. મીરાબેનનો (વડોદરા) આપ આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] કારેલાનું શાક

Picture 046નાનકડો વિનાયક છેક નાનપણથી સંન્યાસ અને વૈરાગ્યની વાતો કરે. મા સૂવા માટે પથારી કરી આપે તો સૂવા ટાણે એ પથારીને હટાવી વિન્યો શેતરંજી પાથરીને સૂઈ જાય. ફરવા જાય, માઈલો ચાલે પણ પગમાં ચંપલ ન નાખે. ભરબપોરે ધૂમ તડકામાં ઉઘાડા પગે ચાલી ચાલીને આંખે આઠ નંબરનાં ચશ્માં પહેર્યાં પણ બ્રહ્મચારી માટે ધર્મગ્રંથો દ્વારા સૂચવાયેલા નિયમોનું પાલન અચૂક થવું જોઈએ. નિશાળે જતાં પહેલાં, મા જમવા માટે બેસાડે, ભાણામાં જે જેટલું પીરસાય તેટલું ખાઈને ઊઠી જાય. મોડેથી પિતાજી કે મા જમવા બેસે ત્યારે ખબર પડે કે આજે તો શાકમાં કે દાળમાં મીઠું જ નહોતું પણ વિન્યો તો જરાય મોં કટાણું કર્યા વગર ખાઈને જતો રહ્યો…. આમ નાનપણથી જ વિનાયકને અસ્વાદવ્રત કોઠે પડી ગયેલું, પણ એક કારેલાનું શાક એને ન ભાવે. મા ઘણીવાર ટોકતી કે, ‘વિન્યા, તું અસ્વાદવ્રતની વાતો ઘણી કરે છે પણ કારેલાનું શાક તો તું ખાઈ નથી શકતો. આ તે તારો કેવો વૈરાગ્ય ? ત્યારે વિન્યો જવાબ આપતો કે : ‘મા, બધા જ સ્વાદ જીતવાનો મેં ઈજારો થોડો જ લીધો છે ?’ આમ વિનોબા ક્યારેય કારેલાના શાકને અડકતા નહીં.

પરંતુ આશ્રમમાં તો બધાં જ શાક બનતાં. એક દિવસે સૌ આશ્રમવાસીઓ જમવા બેઠા હતા. આજે પીરસવાનો વારો બાપુનો હતો. વિનોબા પણ પંગતમાં થાળી લઈને બેસી ગયા હતા. દાળ, ભાત અને રોટલી પીરસાયાં અને છેવટે બાપુ શાક લઈને આવ્યા. દૂરથી વિનોબાએ જોયું કે શાક તો કારેલાનું છે, પણ બાપુ પીરસે છે તે ના કેમ કહેવાય ? ચૂપચાપ થાળીમાં શાક લઈ લીધું. ન ભાવતું શાક સૌથી પહેલાં પતાવી દેવાના ઈરાદાથી વિનોબા પહેલાં શાક ખાઈ ગયા. ત્યાં તો ગાંધી બાપુની નજર પડી વિનોબાની થાળી પર. શાક ખલાસ થઈ ગયું હતું. બાપુને થયું કે વિનોબાને કારેલાનું શાક ખૂબ ભાવે છે. જઈને ફરી પીરસવા માંડ્યું. બાપુનો હાથ પાછો કેમ ઠેલાય ? ફરી પાછું લઈ લીધું અને આમ વિનોબા ખાતા ગયા અને બાપુ પીરસતા ગયા. ત્યારથી કારેલાના શાકની આભડછેટ મટી ગઈ અને અસ્વાદી વિનોબાની યાદીમાં કોઈ વસ્તુ બાકાત રહી નહીં.
વધુ આગળ વાંચો »

પૌરુષી માતૃત્વ – મીરા ભટ્ટ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે સાહિત્યકાર શ્રીમતી મીરાબેન ભટ્ટનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2432497.]

‘દાદા આવ્યા ! દાદા આવ્યા !’ની બૂમરાણ ચોમેર ગૂંજી ઊઠી. હજુ તો સંદીપની ગાડી ‘વાત્સલ્ય ધામ’ના ઝાંપે પહોંચી નહોતી, ત્યાં દૂરથી ગાડી આવતી જોઈ, પાણીના રેલાની જેમ ચોમેરથી બાળકો ધસી આવ્યાં. ગાડીનું બારણું ખોલીને સંદીપ માંડ ઊભો થાય તે પહેલા તો નાના નાના હાથ એની કમરે વીંટળાઈ વળ્યા અને એ ચોમેરથી બાળકોના ઘરેકાથી ઘેરાઈ ગયો.

આજે ‘વાત્સલ્ય ધામ’ની અધિષ્ઠાત્રી ‘મા કૃષ્ણા’નો પુણ્યદિન હતો. જાહેર સમારંભ તો ઠેઠ સાંજે હતો, પણ સંદીપ પૂર્વ-વ્યવસ્થા જાણવા સવારે વહેલો જ નીકળી આવ્યો હતો. બહારગામથી પણ ઘણા સ્વજનો-પરિજનો અને મહેમાનો પધારવાના હતા. તેમની સમક્ષ વાત્સલ્ય-ધામનાં બાળકોના વિવિધ કાર્યક્રમો પણ રજુ થવાના હતા. બાળકોમાં અનેરો ઉત્સાહ હતો. એમના ખુશખુશાલ ચહેરા પર અંદરની ખુશી છલકાઈ ઊઠતી હતી. એક મોટા છોકરાના હાથમાં, સાથે લાવેલો સુખડીનો ડબ્બો સોંપી એ માંડ મુક્ત થયો. સીધો જ કાર્યાલયે પહોંચ્યો. વ્યવસ્થાપક રમેશભાઈ ત્યાં જ હતા. કલાકેક એમની પાસેથી બધી જાણકારી મેળવી, જાતે જ સંસ્થામાં આંટો મારવા નીકળી પડ્યો. વ્યવસ્થા તેમજ કાર્યક્રમની વિગતો સમજવામાં બીજો એક કલાક ક્યાં નીકળી ગયો તે ખબરેય ન પડી.

જોવા-તપાસવા-સમજવાનું બધું કામ પૂરું કરીને સીધો ઉપરના માળે બાંધેલા એના પોતાના ઓરડામાં પહોંચી ગયો. નહાયો-ધોયો, ઘડીક પલંગ પર પણ લંબાવ્યું, પરંતુ આજે એ થોડો અસ્વસ્થ હતો. એને પોતાને સમજણ ન પડે એવી કોઈ વ્યાકુળતાથી એ ઘેરાઈ ગયો હતો. અંદર જાણે કોઈ તૂફાન જાગ્યું હતું, જે એને લગીરે જંપવા દેતું નહોતું. ભીતરની તમામ ગ્લાનિને ખંખેરતો હોય તેમ સડાક દઈને ઊભો થઈ, બહાર અગાસીમાં ગયો.
વધુ આગળ વાંચો »

મૃત્યુ મરી ગયું રે લોલ ! – મીરા ભટ્ટ

[‘જીવનસંધ્યાનું સ્વાગત’ પુસ્તકમાંથી પ્રકરણ નંબર-10 ટૂંકાવીને અહીં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકની 1,00,000 થી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને તેને 'ગુજરાત સાહિત્ય પરિષદ' નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. રીડગુજરાતીને આ પુસ્તિકા ભેટ આપવા માટે આદરણીય લેખિકા મીરાબેન ભટ્ટનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

એક વાર મને પૂછવામાં આવ્યું કે તમારા જીવનમાં કોઈ અદ્દભુત પ્રેરણા આપી ગયો હોય તેવો ચિરસ્મરણીય પ્રસંગ કયો ? ત્યારે તરત જ મેં જવાબ આપ્યો કે, ‘મૃત્યુની એક ઘટનાએ મને જીવનની એક મહામૂલી પ્રેરણા આપી છે. મૃત્યુ પણ જીવનના મહાપ્રાણ જગાડી શકે છે એ તથ્યની પ્રતીતિ મને વિનોબાજીના અંતિમ પ્રાણોત્સર્ગ વખતે થઈ. સામાન્યત: મૃત્યુ એ ભયનો વિષય, નાછૂટકે સ્વીકારવું પડે તેવું જીવનનું કડવું સત્ય, અપ્રિય તો ખરું જ, અશુભ પણ કહેવાય. આવી બધી મૃત્યુવિષયક માનસિકતા સર્વત્ર જોવા મળે. પણ પોતાના જીવનના અંતિમ શ્વાસને ખુદ પોતાના હસ્તે સાક્ષાત મૃત્યુદેવના હાથોમાં અર્પિત કરતા વિનોબાના મહાપ્રયાણપર્વને જોયું ત્યારથી મૃત્યુ એક નવો આયામ બનીને જીવનમાં ડોકિયું કરતું રહ્યું છે.

કોઈ સ્વીકારે, ન સ્વીકારે પરંતુ અંતિમ અવસ્થામાં ચિત્તના કોઈક અગમ્ય ખૂણે સતત એક આહટ-એક પગરવ માણસને સંભળાયા કરે છે. શેનો છે આ પગરવ ? કહેવાની જરૂર નથી. સૌ કોઈને જાણ છે કે વૃદ્ધાવસ્થામાં જીવન અને મૃત્યુ શ્વાસ અને ઉચ્છવાસ બનીને સાથોસાથ જીવે છે. માણસને ધબકારે ધબકારે મોતના ભણકારા સંભળાય છે. જાણી-સમજી લીધું કે મૃત્યુ એ અટળ ચીજ છે, છતાંય અપરિચિત ઘટના હોવાને લીધે માણસ એના નામ માત્રથી જ થરથર કાંપી ઊઠે છે. હકીકતમાં તો, જીવનમાં સમજણ પાંગરે ત્યારથી જ મૃત્યુ નામની આવી મહત્વની ઘટનાને સાંગોપાંગ સમજી લઈ એના અંગેની ભીતિને જોજનો દૂર ધકેલી દેવી જોઈએ.

મૃત્યુ અપરિચિત છે કેવળ એટલા કારણસર એનો ડર લાગે છે તેવું નથી; એમ તો જીવનમાં આપણે કેટલાય અજાણ્યા ક્ષેત્રમાં દાખલ થતાં જ હોઈએ છીએ ને ? અરે, જે વ્યક્તિની સાથે જન્મભરની લગ્નગાંઠે જોડાઈએ છીએ, તેને પણ આપણે ક્યાં જાણતાં હતાં ? છતાંય, મૃત્યુની અપરિચિતતાનો જે બિહામણો ડર છે તે સાવ જુદો જ છે. આવો ડર લાગવાનું કારણ આપણા કાને સતત પડનારી લોકોક્તિઓ છે. મૃત્યુને ‘જમડો’ કહી એવું ભયંકર દ્રશ્ય ખડું કરી દેવામાં આવે છે. જાણે રાક્ષસ પોતાના નખાળા પંજા પહોળા કરીને આપણને ભરખી ખાવા તત્પર ઊભો હોય, મૃત્યુને જીવનનો દુશ્મન માની લેવામાં આવ્યું છે, એને પરિણામે એ ‘અશુભ’ શબ્દની યાદીમાં દાખલ થઈ ગયું છે. માનવચિત્તમાં ઘર ઘાલી ગયેલા આ ડરને દૂર કરવો હોય તો સૌથી પહેલું કામ આપણે આ કરવું પડશે કે મૃત્યુના સમાચાર આપતા પત્રોમાંથી ‘અશુભ’ શબ્દને વિદાય આપવી પડશે. આપણે તો મૃત્યુના શબ્દમાત્રથી એવાં ડરીએ છીએ કે કોઈ મૃત્યુનું નામ બોલે તો પણ તે ગાળ, અપશુકનિયાળ ઉદગાર અથવા તો શાપ મનાય. થોડા વખત અગાઉ, એક સ્નેહીજનના અવસાનના સમાચાર આપતો પત્ર ડાયરીમાં પડી રહેલો. તે જોઈ એક સ્વજન કહે : ‘મૃત્યુનો પત્ર રાખી ન મુકાય. એને તરત ફાડી નાખવો જોઈએ.’ કારણ કે એ અશુભ છે અને અશુભનો સંઘરો ન હોય !
વધુ આગળ વાંચો »

સાંભરે છે સથવારો – મીરા ભટ્ટ

[કેટલાંક પુસ્તકો આપણને પુસ્તકો સુધી દોરી જાય છે. એમાનું એક આ પુસ્તક છે ‘સાંભરે છે સથવારો’. આ પુસ્તક, પુસ્તકોનો પરિચય આપે છે. એટલે કે તેમાં મનપસંદ પુસ્તકો અને ચુનંદા ફિલ્મોનો જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટે આસ્વાદ કરાવ્યો છે. કુલ 49 જુદા જુદા પુસ્તકોનો તેમાં સમાવેશ કરાયો છે કે જેથી પુસ્તક વાંચતા પહેલાં તેની સમગ્ર ભૂમિકા વિશે સ્પષ્ટ ખ્યાલ મળી રહે છે. વધુ માહિતી માટે આ પુસ્તકની અનુક્રમણિકા અહીં પ્રસ્તુત લેખના અંતે આપવામાં આવી છે. આજે આ પુસ્તકમાંથી માણીએ જાણીતા સાહિત્યકાર હિમાંશીબહેન શેલતની સુપ્રસિદ્ધ નવલકથા ‘પ્લૅટફૉર્મ નંબર ચાર’નો આસ્વાદ. મીરાબેન (વડોદરા)નો આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2432497.]

Picture 097પ્લૅટફૉર્મ નંબર ચાર – હિમાંશી શેલત

(વેદનાનું અમૃત વહાવતી કથા)

ઘણા વખતે હાથમાં સુંદર પુસ્તક આવ્યું. સુંદર એટલે કે સાચુકલું, સીધેસીધી અંતરની વાત કહેનારું. એ વાતને કોઈ વાઘા નહીં, કોઈ ઘરેણાં નહીં. વાતને પોતાને જ પોતાની વીતક કહેવા દે, એવી સંયમિત કલમનો સહજ પ્રવાહ વહ્યો છે આ લેખનમાં. વાત છે ‘પ્લૅટફૉર્મ નંબર ચાર’ની. પ્લૅટફૉર્મની ભીડમાં અને પ્લૅટફૉર્મ નંબર ચાર પર કલબલ કરતાં નવાં નિશાળિયાં વચ્ચે હિમાંશી શેલત પોતાને સાવ અલપઝલપ જ દેખાવા દે તેવું લાગે, પરંતુ પુસ્તકના છેલ્લા પાના સુધી પહોંચીએ ત્યારે ભોલી, શંકર, રફીકની જેમ હિમાંશીને પણ હૈયું ભરીને જોવાનું-મળવાનું મન થઈ જાય !

ઝૂંપડપટ્ટીની જેમ સુરતનું પ્લૅટફૉર્મ પણ સેવાર્થી બાળકોનો પુરવઠો પૂરો પાડી શકે તેવું ઠામ. ‘શિશુમિત્ર’ની મિત્રમંડળીને થાય છે કે અભાવગ્રસ્ત આ બાળકોની નજીક આવી પરસ્પર કાંઈક સુખદુ:ખ વહેંચીએ. અને પ્લૅટફૉર્મ પરનું પહેલું દ્રશ્ય – ‘અહીં ચાર નંબર પર છાપાંની પથારી કરી, છાપાં નીચે મોં ઢાંકી બે છોકરાઓ નિરાંતે ઊંઘતાં હતાં. એકનો પાયજામો સાવ ચિરાઈ ગયેલો હતો, બીજાએ ઉંમરના પ્રમાણમાં બહુ જ મોટું લાગતું અને રંગ ખોઈ બેઠેલું પેન્ટ ચડાવ્યું હતું. પેન્ટને કમર પર ટકાવવા જાડી દોરી બાંધી હતી. એમના હાથપગની આસપાસ માખીઓ ચકરાવા લેતી હતી. થેલામાંથી બિસલેરીની ખાલી બાટલીઓ ડોકિયાં કરતી હતી. પુલનાં તોતિંગ પગથિયાં પર ત્રણેક ટાબરિયાં કંઈક રમતાં હતાં, એમાંનું એક પોતાનું લીટાળું નાક વારંવાર ખમીસની બાંયે ઘસતું હતું. ખૂણામાં ભરાઈને એક છોકરો રસથી એક ધ્યાન થઈ કશું ખાતો હતો. એણે હાથમાં ઝાલી રાખેલા પડીકા પર માખીઓ ઊડાઊડ કરતી હતી.’
વધુ આગળ વાંચો »

Page 1 of 212