ગુજરાતી લઘુકથાસંચય – સં. મોહનલાલ પટેલ, પ્રફુલ્લ રાવલ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : પ્રફુલ્લ રાવલ, મોહનલાલ પટેલ
32 પ્રતિભાવો
[સાહિત્યમાં લઘુકથાનું સ્વરૂપ અનોખું છે. તે થોડામાં ઘણું કહી જાય છે. ક્યારેક તેનો અંત ચોટદાર અને આશ્ચર્યચકિત કરી મૂકે તેવો હોય છે. આ લઘુકથાના જનક એવા શ્રી મોહનલાલ પટેલનું લઘુકથાના આરંભ અને વિકાસમાં મહત્વનું યોગદાન છે. તેમણે શ્રી પ્રફુલ્લભાઈ રાવલ સાથે મળીને કુલ 76 જેટલી સુંદર લઘુકથાઓ ચૂંટીને ‘ગુજરાતી લઘુકથાસંચય’ રૂપે આપણને આ સુંદર પુસ્તક પ્રાપ્ત કરાવ્યું છે. આજે તેમાંથી માણીએ કેટલીક લઘુકથાઓ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] ખેલ – વિનોદ ભટ્ટ
પછી એ માણસ રસ્તા પર પડેલ ઈંટાળાનો ભૂકો કરીને ખાવા માંડ્યો. આખુંય ટોળું એની સામે આશ્ચર્યથી જોઈ રહ્યું. થોડીક ખીલીઓ ને ટાંકણીઓ લઈ તે પાપડની જેમ બડુકા બોલાવતો ખાવા લાગ્યો. લોકો તેની સામે મુગ્ધભાવે જોતા હતા. અને સોડા-વોટરની એક બાટલી જમીન પર પછાડી, ફોડીને જ્યારે તેણે કાચના ટુકડા ખાવા માંડ્યા ત્યારે તો કેટલાક લોકો મોંમાં આંગળાં ઘાલી ગયા. એક-બે જણાએ તો તેને આવું કામ કરતાં વારવા પ્રયત્ન કર્યો. કેટલાકે દયાથી પ્રેરાઈને પોતાના ખિસ્સામાંથી ચાર-આઠ આનાના સિક્કા કાઢીકાઢીને પેલાએ પાથરેલ શેતરંજી પર નાખવા માંડ્યા. પૈસા આપીને બધા વેરાવા માંડ્યા.
સામેની દુકાનમાં બેઠેલા ગીધુકાકા આ બધું તદ્દન નિર્લેપભાવે જોતા હતા. એમના મોં પરના ભાવો જરાય બદલાયા નો’તા. પેલો ખેલ કરનાર ગીધુકાકા પાસે આવી હાથ લાંબો કરતાં બોલ્યો : ‘શેઠ, આઠ આના-રૂપિયો જે કંઈ આપવું હોય એ આપો, મા-બાપ…..’
‘પણ શેના ભૈ ?’ ગીધુકાકાએ પૂછ્યું.
‘આ મેં ઢેખાળાના ટુકડા, ઈંટાળાનો ભૂકો, લોખંડના ખીલા, કાચ –એ બધું ખાધું એ તમે જોયું નહિ ?’
‘એમાં ભાઈલા, તેં ધાડ શી મારી એ કહીશ, જરા ?’
‘એટલે ?’
‘આ બધો ખેલ તો અમે રોજ કરીએ છીએ. ફેર એટલો કે તું જે જાહેરમાં કરે છે એ અમે ખાનગીમાં કરીએ છીએ.’
‘સમજાયું નહીં, શેઠ…..’
‘તને નહીં સમજાય…… અમે જેવી ચીજો ખાઈએ છીએ એવી તો તુંય નહીં ખાતો હોય…. ઘીમાં ડુક્કરની ચરબી, મરચામાં લાકડાનું ભૂસું, ધાણાજીરામાં ઘોડાની લાદ, લસ્સીમાં બ્લોટિંગ પેપર-બોલ, આવી બધી વસ્તુઓ તેં કદીય ખાધી છે ?’
….ને પેલો પોતાનો ખેલ કરવા બીજા લત્તા તરફ ચાલતો થયો.
વધુ આગળ વાંચો »
નિવૃત્તિ – મોહનલાલ પટેલ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : મોહનલાલ પટેલ
25 પ્રતિભાવો
[‘મુંબઈ સમાચાર’ દીપોત્સવીમાંથી સાભાર.]
સવારે ટાવરમાં આઠના ટકોરા થવા લાગ્યા અને હરિલાલની નજર એના ડાયલ ઉપર મંડાઈ. આમ તો, હરિલાલ રોજ આ સમયે શાકભાજી ખરીદવા આવે ત્યારે રઘવાયા થયા હોય એવી ઉતાવળ કરતા. અને એમાંય જો ટાવરમાં આઠના ટકોરા પડી જાય તો તો, જે હાથે ચઢ્યું તે થેલીમાં નાખીને એ ભાગવા જ માંડતા. શાકભાજીવાળો હરિલાલની આ રીત બરાબર જાણતો હતો. આજે એમને શાંતિથી ઊભા રહેલા જોઈને એને નવાઈ લાગી. એણે પૂછ્યું :
‘કાકા, આજે રજા છે કે શું ?’
‘ના ભાઈ, રજા તો કંઈ નથી.’
‘તો આજે આટલી શાંતિ ક્યાંથી ?’
આ પ્રશ્નનો જવાબ હરિલાલ પાસે હતો જ, પણ શાકભાજીવાળાને એ કહેવામાં એમને રસ નહોતો. એમણે તો એને એટલું જ કહ્યું : ‘રોજ ઉતાવળ કરીએ છીએ, કો’ક દા’ડો તો શાંતિ હોયને, ભાઈ.’ રોજ વહેલી સવારથી તે મોડી રાત સુધી રઘવાટમાં જ દિવસ પૂરો કરનાર હરિલાલના ચિત્તમાં આજે ખરેખર શાંતિ હતી એટલું જ નહીં, મનમાં એક પ્રકારનો આનંદ પણ હતો.
શાકભાજી લઈને એ ઘર તરફ ચાલવા લાગ્યા. એમના મનમાં પેલા શાકભાજીવાળાનો પ્રશ્ન પડઘાયો. પોતાની આજની નિરાંત જોઈને શાકભાજીવાળાને નવાઈ લાગી હતી. પણ શાકભાજીવાળાને જ કેમ, કોઈને પણ નવાઈ લાગે એવી વાત હતી. જીવનભર એક પળવાર પણ પોતે શાંતિનો પોરો ખાધો હોય એવું એમને કોઈ સ્મરણ નહોતું. નાનપણમાં જ મા-બાપ ગુજરી ગયેલાં એટલે અભ્યાસ પડતો મૂકીને રોટલો રળવાનું માથે આવી પડ્યું. થોડાં વર્ષો સુધી જ્યાં ત્યાં નોકરી કર્યા પછી એક નાનકડા કારખાનામાં નોકરી મળી ગઈ, આ કારખાનાનો વિકાસ થતો ગયો અને હરિલાલને પણ એમની સૂઝ અને આવડતના કારણે ઉત્તરોત્તર સારાં માન અને સ્થાન મળતાં રહ્યાં. ભણતર અને અનુભવમાં હરિલાલ અને કારખાનાનો માલિક બંને સરખા હતા. એટલે એ બંનેનો મેળ સારો હતો. કારખાનાનો માલિક થોડો આળસુ ખરો એટલે હરિલાલ કારખાનાના વહીવટદાર અને ચોકીદાર જે ગણો તે, થઈને રહ્યા. પણ આના કારણે તો હરિલાલ ઉપર પોતે વફાદાર કામદાર હોવાથી કામનો બોજો ઘણો વધી ગયો હતો. સવારથી તે મોડી રાત સુધી એ કારખાનામાં જ રહેતા. શાકભાજી ઘરમાં આપીને એ સીધા કારખાને પહોંચી જતા. બપોરના ખાણાનું ટિફિન એ કારખાનામાં જ મંગાવી લેતા. એમની આ રીતના કારણે પત્ની સાથે ઘણી વાર કલહ થતો.
વધુ આગળ વાંચો »
છેતરાયેલું પંખી – મોહનલાલ પટેલ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : મોહનલાલ પટેલ
42 પ્રતિભાવો
[‘જલારામદીપ – બાળમાનસ વાર્તાવિશેષાંક’ માંથી સાભાર.]
સુશીલાબહેનની મોટી દીકરી રેખા થોડા દિવસ માટે પિયર આવી હતી. એ આવી ત્યારથી જ સુશીલાબહેન એની આગળ સુમી વિશે રોજરોજ એક જ ફરિયાદ કરતાં હતાં : ‘સુમીના રોજના કજિયાથી હું ત્રાસી ગઈ છું. આવું હઠીલું અને કજિયાળું છોકરું ક્યાંય ન જોયું.’ જવાબમાં રેખા માને ઘણીવાર કહેતી :
‘તેં જ એને વધારે પડતા લાડ લડાવીને બગાડી છે. એનાં મમ્મીપપ્પા પરદેશ છે એવા વેવલા ખ્યાલથી તેં એને પંપાળ્યે રાખી છે એટલે એ આટલી બધી મોઢે ચઢી ગઈ છે.’
પરસાળમાં રમતાં રમતાં સુમીએ રેખામાસીની આ દરખાસ્ત સાંભળી, ત્યારપછી તો કોણ જાણે કેમ એનામાં શાણપણનો ઉદય થયો હોય એમ ઘરમાં એનો કકળાટ એકદમ બંધ થઈ ગયો. જે ફ્રૉક ન પહેરવા માટે એને ધરાઈને માર ખાવો પડ્યો હતો એ ફ્રૉક એ ટપ દઈને પહેરી લેવા લાગી અને જે રોટલી ખવડાવવા માટે સુશીલાબહેનને હાથમાં વેલણ કે સાણસી લેવી પડતી એ રોટલી થાળીમાં પડતાંની સાથે જ એ ચૂપચાપ ખાઈ લેવા માંડી. અને છતાંય રેખામાસીના જવાની આગલી સાંજે સુશીલાબહેનને પોતાના કપડાં એક થેલીમાં ગોઠવતાં જોઈ એ જાણે ડઘાઈ જ ગઈ હોય એમ દૂર ઊભી ઊભી દાદીમાની આ પ્રવૃત્તિ નિહાળી રહી.
સુશીલાબહેન સુમીનાં કપડાંની થેલી તૈયાર તો કરતાં હતાં પણ હવે એમનું મન પાછું પડવા લાગ્યું હતું. નાની દીકરી અને જમાઈ અમેરિકા ગયાં ત્યારે એમની લાડકી દીકરી દાદાદાદીને સોંપી હતી. આજ એમને કશી જાણ કર્યા વગર એ દીકરીને પોતે પોતાનાથી વેગળી કરી રહ્યાં હતાં. ‘ચાર વર્ષના બાળકનો એવો તે શો ત્રાસ ?’ સુશીલાબહેનનું મન એમને ઠપકો આપી રહ્યું હતું.
‘એ ગમે એટલી કજિયાળી હશે પણ એને તમારો કેટલો બધો નેડો છે ! તમારા વગર એક પળ પણ એ રહી શકતી નથી. જ્યાં જાઓ ત્યાં સાથે ને સાથે….’
એમણે રેખાને કહ્યું : ‘એમ થાય છે, રેખા, કે સુમીને હવે મોકલવી નથી.’
‘વિચાર ફર્યો ? શું થયું ?’
‘તું જ કહે, હવે એનો કોઈ કજિયો દેખાય છે ?’
‘એ તો હું અહીં છું ત્યાં સુધી’ કહી રેખાએ ઉમેર્યું, ‘તું ઈચ્છે કે ન ઈચ્છે, પણ હું એને મારી સાથે લઈ જવાની છું. વહેલા મોડા એનેય અમેરિકા જવાનું થશે. એ આમ સાવ બોતડા જેવી રહે એ કેમ ચાલે ? હું એને કેળવીશ. તમે રહ્યાં જૂના જમાનાનાં. તમને એ બધું ન ફાવે.’
વધુ આગળ વાંચો »





