રમૂજી પ્રસંગો – મૃગેશ શાહ
[1] મારા એક મિત્રની ગામમાં સોનીની દુકાન હતી. તાલુકાનું ગામ હતું એટલે સમય જતાં ગામનો વિકાસ સરસ થયો અને ગ્રાહકોની સંખ્યા વધી. વેકેશનમાં પરદેશથી આરામ કરવા આવેલા લોકો પણ તેની દુકાને નાની-મોટી ખરીદી કરવા આવવા લાગ્યા. એ રીતે એની દુકાનમાં ગામનાં માણસોથી લઈને એન.આર.આઈ લોકો સુધીની અવરજવર રહેવા લાગી. મિત્રને થયું કે દુકાન જરાક વ્યવસ્થિત કરાવવી જોઈએ. એણે સારો એવો ખર્ચ કરીને ફર્નિચર કરાવ્યું.
એક દિવસ હું એની દુકાને ગયો. દુકાનમાં નજર ફેરવતાં ફેરવતાં મેં ત્રણ-ચાર ઘડિયાળો સામેની દિવાલ પર લટકાવેલી જોઈ. પહેલું ઘડિયાળ ઓસ્ટ્રેલિયાનો સમય બતાવતું હતું તો વળી બીજું ઘડિયાળ અમેરિકાનો સમય બતાવતું હતું. દરેક ઘડિયાળની નીચે જે તે દેશનું નામ લખેલું હતું. મિત્રને પૂછ્યું તો એણે સમજાવ્યું કહ્યું કે એન.આર.આઈ ગ્રાહકો આવે છે, એટલે આવું બધું કરવું પડે. એટલામાં મારી હાજરીમાં એક માજી દુકાનમાં પ્રવેશ્યાં. પહેરવેશ પરથી એ ગામના હોય એમ લાગતું હતું. એમણે આવતાંની સાથે જ દુકાનમાં ઝડપથી એક નજર ફેરવી લીધી અને મારા મિત્ર સામું જોઈને કહ્યું : ‘આ તેં હારું કર્યું ભઈલા ! દાગીનાની હારે ઘડિયાળેય વેચવાના ચાલુ કર્યા ! મુઆ ! અહીં તો ક્યોંય હારા ઘડિયાળ મળતા નથ !’ મિત્ર બિચારો શું બોલે ?
[2] સાહિત્યકાર મીરાબેન ભટ્ટ અને અરુણભાઈની ઘરે વારંવાર જવાનું થાય. અલકમલકની વાતો નીકળે. અરુણભાઈ ક્યારેક એવો રમુજી પ્રસંગ કહે કે કાયમ માટે યાદ રહી જાય. હમણાં થોડા દિવસ પહેલાં એમણે મને એવો જ એક પ્રસંગ કહ્યો. અરુણભાઈ કહે : ‘એક વાર અમારે ત્યાં ચુસ્ત સત્યાગ્રહી ભાઈ આવ્યા. એ જોકે સુરતથી અમદાવાદ જતા હતા પરંતુ એક રાત વડોદરા અમારે ત્યાં રોકાવાના હતા. એથી એમનું સાંજનું જમવાનું અમારે ત્યાં નક્કી થયું. નિયમો અને વ્રતોમાં કંઈક વધારે જ દ્રઢતા. થાળીમાં અન્નનો એક દાણો પણ ન બચે તેના એ ચુસ્ત આગ્રહી. અમે એ જાણતાં હતાં, તેથી એમને જરૂર મુજબની વસ્તુ જ પીરસી હતી. દાળ-શાક અને રોટલી બધું સપ્રમાણ મૂક્યું હતું. તેઓ શાંતિથી જમ્યાં એટલે અમે રાજી થયા. ભોજન પૂરું કર્યા બાદ અમે એક કૌતુક જોયું ! એ ભાઈ થાળીમાં પાણી રેડીને એ બધું જ પાણી થાળી વડે પી ગયા ! થાળી તો સાવ ચોખ્ખી ચટ્ટ. જાણે હમણાં જ માંજી હોય એવી !
વધુ આગળ વાંચો »
દાનની ગરિમા – મૃગેશ શાહ
ગત સપ્તાહે ‘કલાના અનન્ય ઉપાસક’ લેખ અંતર્ગત આપણે કશ્યપભાઈ વિશે વાત કરી હતી. મને એ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે રીડગુજરાતીના સૌ વાચકોએ ભેગા મળીને આપેલા યોગદાનથી આજે તેઓ પોતાનું નવું કોમ્પ્યુટર મેળવી શક્યા છે. માત્ર એટલું જ નહિ, તેમના કાર્યને અનુરૂપ થાય એવું ખૂબ સારી શ્રેણીનું કોમ્પ્યુટર તેમને પ્રાપ્ત થયું છે. લેખના અનુસંધાનમાં માત્ર ત્રણ જ દિવસમાં વાચકમિત્રોએ મદદનો જે ધોધ વહાવ્યો છે તે માટે હું સૌ વાચકમિત્રોનો આભારી છું. કશ્યપભાઈએ વિશેષરૂપે સૌનો આભાર માન્યો છે અને પોતાની સર્જનશક્તિને સોળે કળાએ ખીલવીને આપણને સૌને ઉત્તમ સાહિત્ય પૂરું પાડવાની દિશામાં પ્રથમ પગલું ભરવાનું શરૂ કરી દીધું છે.
આ ‘યોગદાન’ વિષયના સંદર્ભમાં કેટલીક વાતો વહેંચવાનું મન થાય છે. અગાઉના લેખમાં જણાવ્યા પ્રમાણે ‘રીડગુજરાતી’ માટે આ ત્રીજો અનુભવ હતો. આ પહેલાં, બે-ત્રણ વર્ષ અગાઉ, એક વિદ્યાર્થીનીને આ રીતે કોમ્પ્યુટર આપવામાં નિમિત્ત બન્યાનો લ્હાવો મળ્યો હતો. એ પછી એક વૃદ્ધાશ્રમમાં રેફ્રિજરેટરની સહાય પહોંચાડવામાં મદદરૂપ થવાની તક પ્રાપ્ત થઈ હતી. આજે કશ્યપભાઈને પત્રપુષ્પં રૂપે તેમની શબ્દસાધનામાં ઉપયોગી બનવાનું થયું તેથી આનંદ બેવડાયો છે – આ તમામ પ્રવૃત્તિઓ પાછળ હેતુ માત્ર એટલો કે વાંચન આપણા જીવનમાં ક્રિયાન્વિત બને. સારા વિચારોને અમલમાં મૂકવાની તક પ્રાપ્ત થાય. આપણી સામાજિક જવાબદારી પ્રત્યે આપણે સભાન બનીએ. સારા લેખો દ્વારા સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ થવાની આપણે સરસ મજાની વાતો કરીએ પણ જ્યારે એવો કોઈ વ્યક્તિ આપણી નજરમાં આવે અને તેને સહાય કરવાનું ચૂકાઈ જાય તો ? વાંચન, ચિંતન અને મનન પછીનો એક તબક્કો આચરણનો હોય છે. ‘રીડગુજરાતી’ દ્વારા આ રીતે વાંચન સક્રિય આચરણમાં પરિણમે તે માટેનો આ એક નમ્ર પ્રયાસ છે.
આપ સૌ જાણો છો કે રીડગુજરાતીની તમામ પ્રવૃત્તિઓ આપ સૌના યોગદાન અને અરસપરસના સહકારથી ચાલે છે. વર્ષ દરમિયાન વાચકોની નાની-મોટી આર્થિક સહાય પ્રાપ્ત થતી રહે છે અને તેમાંથી જ હાર્ડવેર, સોફટવેર, ઈન્ટરનેટ અને પુસ્તકોની ખરીદીનો ખર્ચ નીકળતો રહે છે. સૌ વાચકો એક પરિવારની જેમ લાગણીથી જોડાયેલા છે તેથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ પોતાની ટૂંકી આવકમાંથી ‘રીડગુજરાતી માટે કંઈક આપું’ એવા ભાવ સાથે પોતાનું યોગદાન આપવા ઈચ્છતો હોય છે. વિદેશમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ પોતાની બચતમાંથી ‘અમને કંઈક આપવું છે’ એવો ભાવ દર્શાવતો પત્ર લખતા હોય છે. વળી, રીડગુજરાતી માટે બ્રોડબેન્ડ ઈન્ટરનેટનો આજીવન ખર્ચ કૅલિફોર્નિયામાં ભણતી એક વિદ્યાર્થીની પોતાની પાર્ટટાઈમ આવકમાંથી પૂરો પાડે છે ! કોઈ પણ સૂચના વગર યથાશક્તિ અનેક વાચકમિત્રો પોતાની મેળે પોતાનું યોગદાન મોકલી આપતા હોય છે. રીડગુજરાતી માટે સૌના તરફથી આટલી સહાય મળતી હોય તો સ્વાભાવિક છે કે રીડગુજરાતી પણ કોઈકને મદદરૂપ થવાની પોતાની ફરજ નિભાવે. ‘સૌને જમાડીને જમવું’ એવા સંસ્કાર તો આપણને પહેલા ધોરણથી આપવામાં આવે છે ને ? એથી જ મનમાં ઘણીવાર એમ થાય છે કે વર્ષમાં એવા કોઈક એક પરિવારને બનતી સહાય કરવી.
વધુ આગળ વાંચો »
ડાઉનલોડ – મૃગેશ શાહ
રવિવારનો દિવસ હતો. ખાસ કશું કામ નહોતું. કોઈપણ પ્રકારના આયોજન વગર દિવસ પસાર કરવાની ઈચ્છા હતી. આમ તો મહાનગરોમાં કુદરતનું સાનિધ્ય મળવું મુશ્કેલ હોય છે પણ સદભાગ્યે મારા ઘરની નજીક વૃક્ષાચ્છાદિત સરસ મજાની કૉલોની આવેલી છે. એનાં ખુલ્લાં હરિયાળા મેદાનોનું આકર્ષણ તો મને પહેલેથી છે જ પણ એથીયે વિશેષ તેમાં રહેતા પ્રેમાળ લલિતકાકાનું વ્યક્તિત્વ મને વધારે આકર્ષિત કરે છે.
લલિતકાકા આમ તો જોકે ઉંમરમાં મારાથી ઘણા મોટા છે પણ એમની સાથે બેઠાં હોઈએ ત્યારે બાળપણનો કોઈ ભેરુ મળી ગયા જેટલો આનંદ થાય. નવરાશની પળોમાં અલકમલકની વાતો કરવા મને એમની ઘરે જવું ગમે. પત્નીના અવસાન બાદ કૉલોનીના મકાનમાં તેઓ સાવ એકલા. દીકરો મોટા શહેરમાં નોકરી કરે એટલે મહિનામાં એક-બે દિવસ ઘરે આવે. કંપનીએ કૉલોનીમાં ઘર આપ્યું હતું. તેઓ એટલાથી સંતુષ્ટ હતા. રોજ સવાર-સાંજ ટહેલવા નીકળું ત્યારે લલિતકાકા બાલ્કનીમાં બેસીને પોતાના મનપસંદ ફિલ્મીગીતો સાંભળતાં નજરે પડે. ઘણા સમયથી એમને મળવાનું નહોતું થયું એટલે આ રવિવારની તક મેં ઝડપી લીધી.
દાદર ચઢીને ચાલીમાં પ્રવેશતાં તેમનું પહેલું જ ઘર. બહાર નેતરની ખુરશીમાં આરામથી લંબાવીને સૂર્યસ્નાન કરતા લલિતકાકા હંમેશની જેમ આજે પણ સદાબહાર ગીતોના સંગીતમાં ડૂબેલા હતાં.
‘વાહ, વાહ શું અદા છે કાકા ! તમે તો શેષશૈયા પર વિષ્ણુ ભગવાન લંબાઈને સૂતાં હોય એમ આરામખુરશીમાં બેઠા છો !’ મેં હસીને કહ્યું.
‘ઓહો ! આવ આવ ભઈ, ક્યારે આવ્યો ખબર જ ન પડી. હું જરા આ ગીતો સાંભળવામાં તલ્લીન થઈ ગયો હતો. ઘણા દિવસે દેખાયો ને કંઈ… ચાલ, અંદર બેસીએ…’ કાકાએ આવકાર આપતાં કહ્યું.
‘ના… ના… અહીં બહાર જ બેસીએ. સરસ બાલ્કની છે. અહીં મજા આવશે…’ મેં પાસેની ખુરશી ખેંચતા ઉમેર્યું, ‘બસ, આજે રજા હતી તો થયું કે કાકાને મળી આવું. તમે કહો શું નવાજૂની ચાલે છે ?’
‘અમારે તો એ જ જિંદગી. ‘સ’ થી ‘સ’ સુધી…’
‘એટલે ? હું કંઈ સમજ્યો નહીં.’
‘એટલે કે સર્વિસથી સંગીત સુધી અને સંગીતથી સર્વિસ સુધી… નોકરી અને ગમતાં ગીતોને સહારે જિંદગી ચાલ્યા કરે છે.’
‘તમે ગીતોના બહુ મોટા ચાહક લાગો છો, કાકા. તમારી પાસે કેટલી કેસેટો હશે ?’
વધુ આગળ વાંચો »
કલાના અનન્ય ઉપાસક – મૃગેશ શાહ
સમાજમાં ક્યારેક એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિને રોજગારીની સમસ્યા હોય તો એ માટે સ્વૈચ્છિક સંગઠનો કે સંસ્થાઓ તેને પૂરતી મદદ પૂરી પાડે છે. ક્યારેક કોઈને વ્યક્તિગત મદદ પણ મળી રહેતી હોય છે. ઘણી સંસ્થાઓ એવી છે જે આ માટે આવકનું સાધન પૂરું પાડવાનું કાર્ય કરતી હોય છે. જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈ યોજના અંતર્ગત સિલાઈ માટે સંચો કે શાકભાજીની લારી અથવા અન્ય કોઈ આવકનું સાધન મેળવી આપવામાં આવે છે. પરંતુ કોઈ વ્યક્તિને પોતાની કલાના વિકાસમાં મદદની જરૂરત હોય તો એ તેને ભાગ્યે જ મળી રહે છે ! રેંકડી મેળવી આપનાર મળી રહે છે પણ સિતાર ખરીદવામાં કલાના ઉપાસકને ક્યારેક ભારે સંઘર્ષ કરવો પડતો હોય છે. એ જ બાબત રમતગમતના સાધનો કે ટ્રેનિંગ માટેની છે. ક્યારેક તો સાધનોના અભાવે કલાનો વિકાસ રુંધાતો હોય એવું નજરે પડે છે. આ પ્રકારના કારણોને લીધે, લાંબાગાળે રાષ્ટ્રને એક પ્રતિભાશાળી વ્યક્તિ ગુમાવ્યાની ખોટ જાય છે અને આ એવી ખોટ છે જે નફા-નુકશાનના માપદંડોથી માપી શકાતી નથી.
કંઈક આવી જ વાત વડોદરાના કશ્યપભાઈની છે. (નામ બદલ્યું છે.) નાનપણથી શરૂ થયેલો લેખન-વાંચનનો શોખ એમને આર્ટ્સ વિદ્યાશાખા તરફ દોરી ગયો. તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન (ફીલોસોફી) સાથે તેમણે એમ.એ ફર્સ્ટ કલાસ કર્યું. અભ્યાસ બાદ મનમાં એવી ઈચ્છા થઈ કે વિદ્યાર્થીઓને ખૂબ ઉત્તમ રીતે તત્વજ્ઞાન ભણાવવું છે પરંતુ નસીબજોગે તત્વજ્ઞાન વિષય લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટવા લાગી. પરિણામે કલાની અભિવ્યક્તિનો મોકો મળે તે પહેલાં જ પૂર્ણવિરામ મુકાઈ ગયું ! ખૂબ ઓછા વિદ્યાર્થીઓને ભણાવવાનું હોઈને કોઈ યુનિવર્સિટી તેમને કાયમી ધોરણે રાખવા તૈયાર ન થઈ. જ્યાં થોડુંગણું કામ મળતું હતું ત્યાં પણ લાગવગશાહીના જોરે તેમને પગ મૂકવા દેવામાં ન આવ્યો.
ભારતીય તત્વદર્શન, સમાજ અને વ્યક્તિગત ઉન્નત જીવન માટેના પોતાના વિચારો વ્યક્ત કરવા માટે તેઓ હાર્યા વગર સતત માર્ગ શોધતા રહ્યા. છેવટે કેટલાક લેખો તૈયાર કરીને અમુક સામાયિકો અને અખબારોમાં મોકલવાનું શરૂ કર્યું. મનમાં એક દ્રઢ સંકલ્પ હતો કે વિચારોની પ્રક્રિયાને કદી બંધ ન પડવા દેવી અને ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢવા સતત કોશિશ કરતા રહેવું. તેમની આ મહેનતને થોડું બળ મળ્યું. અખબારોમાં પ્રકાશિત થયેલા કેટલાક લેખો વાંચીને નાની-મોટી સંસ્થાઓ તરફથી તેમને વ્યાખ્યાતા તરીકે બોલાવવામાં આવ્યા. હજુ આજે પણ કેટલીક સંસ્થાઓ તેમને આ માટે નિમંત્રિત કરે છે. પોતાના વાંચન, ચિંતન અને મનન દ્વારા સમાજને કશુંક નવું આપવાની અદમ્ય ઈચ્છા સાથે તેઓ સતત કંઈક નવું વિચારતા રહે છે.
વધુ આગળ વાંચો »
રીડગુજરાતી વિશે…. – મૃગેશ શાહ
[ વિષયપ્રવેશ : માતૃભાષા વિશે આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહ કહે છે કે : ‘તમે જો એમ માનતા હો કે આપણી માતૃભાષા ગુજરાતી કદી પણ મરવાની નથી, તો તમે ભોળા માણસ છો. તમારાં સંતાનોના સંતાનો અત્યારે કેવું ગુજરાતી બોલે છે ? તેઓ કયું ગુજરાતી વાંચે છે ? તેઓ અડધાંપડધાં તમારાથી પરાયાં પરાયાં કેમ લાગે છે ? આપ પ્રશ્નો પર વિચાર કરશો તો તમને ગુજરાતી ભાષાના ધીમા મૃત્યુનો અણસાર આવી જશે. ગુજરાતની પ્રજાને મારી વિનંતી એટલી જ છે કે ગુજરાતી ભાષા લુપ્ત થાય તેની છેલ્લી કડી આપણે ન બનીએ. ભાષાને નહીં, આપણી જાતને બચાવવાની છે. ભાષાને નહીં, આપણી સંસ્કારીતાને બચાવવાની છે. ભાષાનું મૃત્યુ કલ્ચરનું મૃત્યુ. કલ્ચરનું મૃત્યુ એટલે એવું મૃત્યુ કે જેમાં સ્મશાને જવાનું ફરજિયાત નથી.’
કંઈક આ પ્રકારના ભાવને લઈને તાજેતરમાં ગુણવંતભાઈના નેતૃત્વ હેઠળ ‘માતૃભાષા વંદના યાત્રા’ યોજાઈ રહી છે. ગાંધી નિર્વાણ દિન તા. 30 જાન્યુઆરી, 2010, ના રોજ આદ્ય કવિ નરસિંહની ભૂમિ જૂનાગઢથી શરૂ થઈને આ યાત્રા તા. 6, ફેબ્રુઆરી, 2010 શનિવારના રોજ નર્મદનગરી સુરતમાં સંપન્ન થાય તેવું આયોજન થયું. ગુજરાતનાં અઢાર નગરોમાં આ યાત્રા જાય, સભા થાય, સંમેલનો થાય, માતૃભાષાના મહિમાગાન કરતા વિવિધ કાર્યક્રમો થાય તેમજ સાહિત્ય-શિક્ષણ-સમાજના પચાસથી વધુ ટોચના મહાનુભાવો સ્થળે સ્થળે પોતાનો ટેકો કરે તેવું આયોજન કરવામાં આવ્યું. આ લખાય છે ત્યારે ગઈકાલે ‘માતૃભાષા વંદના યાત્રા’ વડોદરા આવી પહોંચી જેમાં શ્રી અંકિતભાઈ ત્રિવેદીના સંચાલન હેઠળ, શ્રી ગુણવંતભાઈ શાહ તેમજ શ્રી પ્રવીણભાઈ દરજીએ માતૃભાષા વિશે મહિમાગાન કર્યું તેમજ માતૃભાષાના સંવર્ધન અને વિકાસ માટે પોતાના સુંદર વિચારો રજૂ કર્યા.
‘નરસિંહ થી નર્મદ’ સુધીની આ યાત્રાનું આયોજન કરનાર આયોજકોને આ સાથે એ વિચાર પણ આવ્યો કે : ‘માતૃભાષા વંદના યાત્રા પછી શું ?’ તેઓને લાગ્યું કે આ વિચાર વંદનાયાત્રામાં ભાગ ન લીધો હોય તેવા સજ્જનો તેમજ સમાજના પ્રત્યેક વર્ગના લોકો સુધી પહોંચવો જોઈએ. માતા-પિતાના ગળે આ વાત ઉતારવા માટે સાહિત્યકાર-સમાજશાસ્ત્રી-ચિંતકોના શબ્દોની જરૂર પડે. લોકોને આ વાત દિલથી સમજાય તે જરૂરી લાગ્યું. આથી આ માટે એક સંપાદન તૈયાર કરવામાં આવ્યું જેમાં અધિકૃત વ્યક્તિ વિશેષના આધારભૂત શબ્દો હોય. આ પુસ્તકનું નામ રખાયું ‘માતૃભાષાનું મહિમાગાન’. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, ફાધર વાલેસ, પ્રવીણ દરજી, રજનીકુમાર પંડ્યા, દિનકર જોષી, વર્ષા અડાલજા, અમૃતલાલ વેગડ, ભોળાભાઈ પટેલ, મણિલાલ હ. પટેલ, શાહબુદ્દિન રાઠોડ વગેરે સૌના માતૃભાષા માટેના વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો. આ સંપાદનમાં ‘રીડગુજરાતી’ વિશે કંઈક લખવાનું મને પ્રકાશક શ્રી વનરાજભાઈ તરફથી નિમંત્રણ મળ્યું. જે કંઈ સહજ લખાયું તે લેખ સ્વરૂપે આ પુસ્તકમાં સમાવિષ્ટ થયું. આજે તે લેખ આપની સામે પ્રસ્તુત કરું છું. આમ તો આ સાઈટ પર ‘રીડગુજરાતી પરિચય’ અને ‘તંત્રી વિશે’ એવા બે વિભાગો છે જ – પરંતુ રોજિંકા કાર્યને લીધે તે લખવાનો સમય રહેતો નથી ! તેથી આ લેખ અહીં પ્રકાશિત કરવાનું એ જ પ્રયોજન છે કે નવોદિત વાચકોને રીડગુજરાતીનો આછો પરિચય મળી રહે. આ પુસ્તકનું શ્રી ગુણવંતભાઈના હસ્તે 30મી જાન્યુઆરીના રોજ વિમોચન થયું છે. ટૂંક સમયમાં જ આ પુસ્તક તમામ વેચાણ કેન્દ્રો પરથી મળી રહેશે. તેમ છતાં પુસ્તક પ્રાપ્તિની વિગત પ્રસ્તુત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી, મૃગેશ શાહ.]
વધુ આગળ વાંચો »
ઑલ ઈઝ વૅલ – મૃગેશ શાહ
આ દુનિયામાં વ્યસન પછીની બીજા નંબરની ગુલામી કદાચ ડિગ્રીઓની છે એમ કહી શકાય. વ્યસનનો નશો તો ક્યારેક ઊતરે છે અને માણસને સાચી પરિસ્થિતિનું ભાન થાય છે. પરંતુ ડિગ્રીઓ મેળવવાનો નશો એવો છે કે તે પેઢી દર પેઢી કાયમ બની રહે છે. ટનલની જેમ દરેક જણ એમાંથી પસાર થતા રહે છે. સંજોગોવશાત જો કોઈ વ્યક્તિ ભણી નથી શકતો અથવા તો અન્ય લોકો કરતાં સાવ જુદો માર્ગ લે છે તો તેનું કહેવાતા ભણેલા સભ્ય સમાજમાં કોઈ સ્થાન રહેતું નથી. અભણને સાવ નગણ્ય ગણવાની આ એકવીસમી સદીની નવી અસ્પૃશ્યતા છે.
આપણી શૈક્ષણિક સંસ્થાઓ અને કૉલેજો મલ્ટીનેશનલ કંપનીઓ માટે મશીનો બનાવતી હોય એ રીતે ડિગ્રીધારીઓને તૈયાર કરે છે. દુનિયાની દોડમાં રહેવા અને આકર્ષક પગારના પેકેજો મેળવવા સિવાય જીવનનું કોઈ બીજું પાસું આ માનવ-મશીનો વિચારી શકતા નથી. ઊંચા પગારો છોડવાની હિંમત ન હોવાથી સાવ કંગાળ વિચારધારા અપનાવીને એક જગ્યાએ પડી રહેવાનું તેઓ મુનાસિબ માને છે. જેટલો વધારે પગાર એટલું જીવન સફળ !! જ્ઞાન મેળવવાની ભૂખ તો સાવ શૂન્ય જ થઈ જાય છે અને ઉપરથી ફિઝિક્સ ભણનારો એમ વિચારે છે કે મારે કેમેસ્ટ્રી સાથે શું લેવા દેવા ? સાહિત્ય ભણનારો એમ વિચારે છે કે મારે કોમ્પ્યુટર શીખીને શું કામ ? વિનોબા ભાવે, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા જેવા શિક્ષણાચાર્યોએ વારંવાર કહ્યું છે કે જ્ઞાન કદી ખંડિત હોઈ શકે જ નહીં. બધું પરસ્પર જોડાયેલું છે અને એક સાથે અનેક વસ્તુઓને આત્મસાત કરવાની વિદ્યા કેળવવી એનું જ નામ જ્ઞાન. પણ કોઈને ક્યાં જ્ઞાન મેળવવું છે ? ભણવા માટે કોણ ભણે છે ? દષ્ટિ માત્ર કેમ્પસ ઈન્ટરવ્યૂના આકર્ષક પેકેજો પર રહેતી હોય છે.
વધુ આગળ વાંચો »
જીવન રંગબેરંગી – મૃગેશ શાહ
[1]
મારા ઘરની સામે આવેલી સોસાયટીમાં છેક છેડેનું મકાન તે રમણકાકાનું. પાંસઠ વર્ષની આસપાસની તેમની ઉંમર. યુવાનીમાં પત્નીનું થયેલું અવસાન અને એકાદ-બે વર્ષ પહેલા સંતાનોના પરદેશગમન પછી રમણકાકા સાવ એકલા થઈ ગયા. જો કે તેમના માટે એકલતા અસહ્ય નથી બની રહી કારણ કે તેઓ ખૂબ મિલનસાર અને મળતાવળા સ્વભાવના છે. ક્યારેક હું રસ્તામાં એમને કોઈક પરિચિતો સાથે ગોષ્ઠી કરતાં જોઉં છું તો ક્યારેક તેઓ પડોશીઓની સાથે મહેફિલ જમાવીને બેઠા હોય છે. રોજ મારા ઘર પાસેથી હું એમને અનેક વાર સ્કૂટી લઈને પસાર થતા જોઉં છું ત્યારે મને એમની આ ઉંમરે વ્યસ્ત રહેવાની ટેવ પર માન ઉપજે છે.
હમણાં થોડા દિવસ પહેલાં એક બપોરે મારા ઘર પાસે એમનું સ્કૂટી બગડ્યું. મેં સ્કૂટીને કીક મારતાં તેમને પૂછ્યું : ‘શું કાકા ! આ બાર વાગ્યાની ધૂમ ગરમીમાં શીદ ઉપડ્યા ? આરામ કરો ને ઘરે !’
‘ભાઈ, આરામ તો મને પૂરો છે પણ પેટને કંઈ આરામ થોડો હોય ?’
‘ઓહ એટલે જમવા જાઓ છો, એમ.’
‘હા. ટિફિન લેવા જ નીકળ્યો હતો પણ આ વળી રસ્તામાં બગડ્યું.’
‘કેમ ટિફિન લેવા ?’ મને નવાઈ લાગી. એકલા વ્યક્તિ મોટે ભાગે લોજમાં કે ભોજનાલયમાં જમી લેતા હોય છે. ઘરે બે-ત્રણ વ્યક્તિ જમનાર હોય તો જ લોકો ટિફિન લાવવાનું પસંદ કરે છે. મને કાકાની વાત સાંભળીને આશ્ચર્ય થયું.
‘જો ભાઈ, એમાં વાત એમ છે કે હું જે ભોજનાલયમાંથી ટિફિન લાવું છું ત્યાં જમવાની થાળીનો ભાવ 30 રૂપિયા છે અને ટિફિનનો ભાવ 35 રૂપિયા છે. મારે ફક્ત પાંચ રૂપિયા વધારે કાઢવા પડે પણ એમાં ફાયદા ઘણા છે. ટિફિન લાવીએ એટલે પહેલો ફાયદો તો ઘરે બેસીને જ આરામથી જમવા મળે. જમતી વખતે આસપાસનું વાતાવરણ ખૂબ અગત્યનું હોય છે, એ આપણે ક્યાં નથી જાણતાં ? ઘરે કોઈ પણ વસ્તુ લાવીને ખાઈએ એટલે જાણે ઘરે જ બનાવ્યું હોય એવો આનંદ થાય. વળી, ટિફિનમાં તો સાત રોટલી આવે. આ ઉંમરે મારો ખોરાક ફક્ત ત્રણ રોટલીનો. એટલે હું તો અમારી કામવાળીબાઈ લક્ષ્મીબેનની નાનકડી દીકરીને પણ મારી જોડે બેસાડી દઉં. આ ટિફિન અમારા બેઉ માટે છે. એ પછી ત્રીજો વારો આવે અમારા સોસાયટીના મફતના ચોકીદારનો – એટલે કે કાળિયા કુતરાનો. રોજનો ટાઈમ થાય એટલે એ આંગણે આવીને ઊભો જ રહે. એક રોટલી એના નામની હોય જ. આ બધો જ મારો પરિવાર છે. તો પછી આ પરિવાર માટે તો મારે ટિફિન લાવવું જ પડે ને ?’
રમણકાકાની વાત સાંભળીને હું ગદગદ થઈ ગયો. માણસ માત્ર પ્રેમનો ભૂખ્યો છે. ‘વસુદૈવ કુટુમ્બ્કમ’ની ભાવના ક્યારેક આવા નાના-નાના પ્રસંગોમાં ચરિતાર્થ થતી જોવા મળે છે. સવાલ છે દષ્ટિને કેળવવાનો. પ્રેમ ક્યારેય કોઈને એકલા પડવા દેતો નથી.
વધુ આગળ વાંચો »
સંસ્કૃતસત્ર : સંસ્કૃત સાહિત્યમાં કથા (ભાગ-1) – મૃગેશ શાહ
[નોંધ : પ્રતિવર્ષ મહુવા ખાતે યોજાતા ‘સંસ્કૃતસત્ર’માં સહભાવક થવાનો લ્હાવો માણીને મેં જે કંઈ જાણ્યું-માણ્યું તે સારરૂપે આ વિશેષ લેખ દ્વારા રીડગુજરાતીના સૌ વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. ‘સંસ્કૃત’ શબ્દ સાંભળીને કદાચ આપણને એમ લાગે કે આ બધી તો ધાર્મિક કથાઓ હશે ! પણ વાત એમ નથી. પંચતંત્ર, વૈતાળપચ્ચીસી, બત્રીસપુતળીઓની વાર્તાઓ સહિત વિવિધ પ્રકારની અનેક કથાઓનો આમાં સમાવેશ થાય છે. વિદ્વાનોના સુંદર વક્તવ્યો અહીં માણવા મળે છે. આ રીતે, સમય લઈને પણ આ લેખ વાંચવા-મનન કરવા યોગ્ય છે. સંપૂર્ણ લેખ 50 પાનનો હોવાથી અહીં તે બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમ છતાં, જેમને પ્રિન્ટ કાઢીને વાંચવો હોય તેમને માટે બીજા ભાગના અંતે PDF ડાઉનલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે. (ડાઉનલોડ વિભાગમાંથી પણ આપ તે ડાઉનલોડ કરી શકો છો.) તદુપરાંત, આ સત્રના ફોટોગ્રાફનું આલ્બમ બીજા ભાગના અંતે આપવામાં આવ્યું છે. આ પ્રકારના વિસ્તૃત લેખો તૈયાર કરવામાં ઘણો સમય વ્યતીત થતો હોય છે જેથી નિયમિત લેખોની સમીક્ષા માટે થોડા વિરામની જરૂરિયાત રહે છે. આથી, તારીખ 16 અને 17 (બુધવાર અને ગુરુવારે) રીડગુજરાતી પર નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં તેની નોંધ લેશો. તા. 18મીને શુક્રવારે આપણે ફરી બે નવા લેખો સાથે મળીશું, ત્યાં સુધી માણીએ ‘સંસ્કૃતસત્ર-10.’ – તંત્રી, રીડગુજરાતી. ]
[પ્રથમ દિવસ]
કોઈપણ ભાષાના સાહિત્યમાં કથાઓનું મહત્વ સવિશેષ રહ્યું છે. કથાનો અર્થ અહીં વ્યાપક છે. બાળવાર્તાઓથી લઈને ચારિત્ર્યકથાઓ સુધીના તેના જુદા જુદા સ્વરૂપો છે. ભલે તે કોઈ પણ સ્વરૂપે હોય, પરંતુ કોઈ પણ ભાષાના સાહિત્યમાંથી વાર્તાઓ કાઢી લઈએ તો કદાચ કશું જ બચે નહિ. આ કથાઓ પુરાતન કાળથી ચાલી આવે છે તેથી તેના મૂળ સુધી જવા સંસ્કૃત ભાષા સુધી પહોંચવું જ રહ્યું. એના મૂળ ગ્રંથોને જાણીએ અને સમજીએ ત્યારે આપણે ખ્યાલ આવે કે ભારતમાં કથાસાહિત્યની કેટલી મહાન સંસ્કૃતિ અને પરંપરા પ્રાચીન કાળથી વહી રહી છે. અત્યારે આપણે કોઈ પણ દેશને તેની ભૌતિક સિદ્ધિઓ દ્વારા ઓળખીએ છીએ અને આપણે પણ તે પ્રાપ્ત કરવા મથીએ છીએ. પરંતુ કથાઓ દ્વારા જ્યારે ભારતનું અસલ સાંસ્કૃતિક સ્વરૂપ સામે આવે છે ત્યારે આપણા દેશના આ અદ્દભુત વારસાને જાણીને આપણું મસ્તક નમી પડે છે.
પ્રતિવર્ષની જેમ, આ વર્ષે ‘સંસ્કૃત સાહિત્યમાં કથા’ના વિષયને અનુલક્ષીને તા. 22, 23, 24 ઑગસ્ટ દરમિયાન મહુવા ખાતે પૂ. મોરારિબાપુની શ્રોતા તરીકેની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સંસ્કૃતસત્ર-10’ યોજાયું હતું. આ સત્રમાં વિવિધ વિદ્વાનોએ સંસ્કૃત સાહિત્યમાં આવેલી વિવિધ કથાઓ વિશે વિસ્તારથી વાત કરી હતી. સત્રનો પ્રારંભ તા.22મીના રોજ સવારે બરાબર નવ કલાકે થયો હતો. સૌપ્રથમ આમંત્રિત વિદ્વાનોના હસ્તે દીપ-પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરૂકુળના છાત્રો દ્વારા ‘પુરુષસુક્ત’નું દિવ્યગાન કરવામાં આવ્યું હતું. એ પછી આદરણીય શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષીએ સમગ્ર સત્રની ભૂમિકા રૂપ થોડીક વાત કરી હતી અને ત્યારબાદ સંગોષ્ઠિ-1નો વિધિવત પ્રારંભ થયો હતો. પ્રત્યેક સંગોષ્ઠિમાં ત્રણ વક્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને દરેક વક્તાને આશરે 50 મિનિટ આપવામાં આવી હતી. પ્રથમ દિવસની આ પહેલી સંગોષ્ઠિનું સંચાલન શ્રી વસંતભાઈ પરીખે કર્યું હતું. આ સંગોષ્ઠિના પ્રથમ વક્તા શ્રી ગૌતમભાઈ પટેલે ‘કથાની કથા’ વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. ચાલો, સંસ્કૃતસત્રના આ તમામ વક્તવ્યોને વક્તાઓની ભાષામાં જ માણીએ….
વધુ આગળ વાંચો »





