તાવ – પૂજા તત્સત્
Tuesday, February 23, 2010 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : પૂજા તત્સત · 37 પ્રતિભાવો
[‘નવનીત સમર્પણ’ સામાયિક નવેમ્બર-2009માંથી સાભાર.]
‘જય શ્રીકૃષ્ણ, કેમ છો ?’
એરપોર્ટ પહોંચતાં જ લેવા આવેલા સૌને બે હાથ જોડીને આદિત્ય સસ્મિત બોલ્યો :
‘તમે વૈદેહીભાભીને ? સાક્ષાત દુર્ગા…..’
વૈદેહી સામે જોઈને એ બોલ્યો. વૈદેહી થોડું શરમાઈને હસી, ‘આવો આવો આદિત્યભાઈ, વેલકમ ટુ ઈન્ડિયા…’ એને આજે સવારથી પાછું થોડું તાવ જેવું…..
પછી પગે લાગવાનો વિધિ ચાલ્યો.
બેગો ગાડીમાં ગોઠવાઈ. ઘરે પહોંચતાં થાકેલા ઊંઘરેટા સૌ ગોઠવાયા. એક મોટા સંયુક્ત કુટુંબમાં એનઆરઆઈ જમાઈરાજ દીકરી અને બાળક સહિત પધાર્યા હતા. છ ફૂટ હાઈટ, ગોરો વાન અને એની સાથે શોભતો સાલસ સ્વભાવ. ક્યાંય કશી કમી નહીં. કશી આછકલાઈ નહીં. માત્ર સભરતા, સરળતા. યુએસમાં જ ગર્ભશ્રીમંત એનઆરઆઈ કુટુંબમાં જન્મીને ઊછરેલ આદિત્ય હજી બે વર્ષ પહેલાં જ વૈદેહીની પિતરાઈ નણંદ સોહા સાથે પરણ્યો હતો. વર્ષ પહેલાં એમને ત્યાં એક સુંદર બાળકી જન્મી હતી. આખું ઘર આનંદમાં મગ્ન હતું. એમાંય નમણી કળી જેવી પૂર્વાને જોવા તો સૌ આતુર હતા.
બીજે દિવસે સવારે શોર્ટસ અને વ્હાઈટ ટીશર્ટમાં સજ્જ આદિત્ય ધડધડ દાદરા ચડીને ડાઈનિંગ રૂમમાં અને પછી સીધો રસોડામાં ધસી ગયો. પૌંઆ, ટોસ્ટ, સેન્ડવિચ, ચા, કોફી તૈયાર કરતી વૈદેહીને મદદ કરાવવા લાગ્યો.
‘લાવો ભાભી, અમારા ઘરમાં આ બધું હું જ કરું છું. પૂર્વાના જન્મ પછી તો એ જ ક્રમ બની ગયો છે.’ નિખાલસતાથી હસતા આદિત્યના હાસ્યમાં દાડમની કળીઓ ચમકી રહી. એ બોલતી વખતે શબ્દેશબ્દ છૂટો પાડીને વચ્ચે એકપણ અંગ્રેજીનો ન આવે તેનો ખ્યાલ રાખતો.
‘તમારું ગુજરાતી ખૂબ સુંદર છે….’ વૈદેહીએ એના હાથમાંથી નાસ્તાની ટ્રે લેવા હાથ લંબાવ્યા, ‘લાવો મને આપી દો. અમેરિકા જઈને આ બધું કરજો. અહીં અમને તમારી સરભરાનો લાભ લેવા દો.’ વૈદેહી હસતાં હસતાં બોલી.
‘ના, બિલકુલ નહીં. હું અહીં છું ત્યાં સુધી કામ કર્યા વિના નહીં રહી શકું. આદત પડી ગઈ છે. ને ગુજરાતી બોલવું અમારા ઘરમાં ફરજિયાત હતું એટલે આવડે છે.’
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (37)
સ્વપ્નભંગ – પૂજા તત્સત્
Wednesday, July 22, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : પૂજા તત્સત · 25 પ્રતિભાવો
[‘નવનીત સમર્પણ’ જુલાઈ-2009માંથી સાભાર.]
સરકતી લીસી રેતીમાં એ આમથી તેમ ફંગોળાઈ રહી હતી. રેતીનું અફાટ રણ દૂર દૂર સુધી ફેલાયેલું હતું. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બસ મખમલી સોનેરી રેતી જ રેતી. ઊંચાનીચા સોનેરી ઢોળાવો. પવનના સપાટાથી વારે વારે ઊપસતી, બદલાતી અને અદશ્ય થતી રેતીની ભાતો. ઘડીમાં એ રેશમી રેતીમાં પગ ખોડીને ઠેરવીને ઢોળાવની ઉપર આવતી તો બીજી જ ઘડીએ પગ ફરી લપસી જતો અને એ પાછી હતી ત્યાંની ત્યાં. આજુબાજુમાં કોઈ ન હતું. એ એકલી જ હતી આ મરુભૂમિમાં. અખૂટ થાક લાગ્યો હતો. તરસ પણ. પણ જવું જરૂરી હતું. પણ ક્યાં જવાનું હતું ? ક્યાંક તો ખરું જ. એણે આગળ જવાનો પ્રયત્ન ચાલુ રાખતાં ઉપર તરફ નજર કરી. આસપાસ અજવાળું હતું. ડરવાનો કોઈ પ્રશ્ન ન હતો. હા, હવે પગ બરાબર ઠેરવાયો છે. આ કંઈક સખત સપાટી જેવું લાગે છે. હવે લાગે છે કે આ નાનકડા ઢોળાવને વટાવીને આગળ જઈ શકીશ. અચાનક ધૂપસળીની પવિત્ર સુગંધ…..
‘પૃથા, ઊઠો બેટા. સવાર પડી.’ અચ્છા આ તો પપ્પા. સવારનું અજવાળું બારીમાંથી પ્રવેશીને ઘરના ખૂણેખૂણાને અજવાળી રહ્યું હતું. ભગવાનના મંદિરમાં દીવો ટમટમી રહ્યો હતો. અગરબત્તીની પવિત્ર ધૂમ્રસેર ચોમેર ફેલાઈ હતી.
‘હા ઊઠું છું….’ કહેતાં એણે ખોલેલી આંખો ફરી મીંચીને પેલા રેતીના દરિયાને યાદ કરવા પ્રયત્ન કર્યો. એ રણ, એ અથાગ પરિશ્રમ વાસ્તવિક ન હતો એ જાણીને એને હાશ થઈ. એ પોતાની પરિચિત પથારીમાં પરિચિત સુવાસોની વચ્ચે સૂઈ રહી હતી એ ખ્યાલ આવતાં મરકી રહી. પછી સહેજ આળસ મરડી બેઠી થઈ. ઓહ, આજે તો રવિવાર હતો. પણ એનો આનંદ કેમ ન હતો ? પગમાં જાણે કે જોર ન હતું. રોજ સવાર પડતાં જ જે ઉત્સાહ એનામાં છલકાતો એની આજે ગેરહાજરી હતી. બ્રશ, દૂધ, સ્નાન, દીવો, જમવાનું, સ્કૂલડ્રેસ, બૂટ-મોજાં, સ્કૂલબેગ, સાઈકલ પર સ્કૂલે જવાનું – આજે બસ કંઈ નહીં. કદાચ એટલે જ. હવે છેક કાલે સવારે અગિયાર વાગ્યે. ના પણ કાલે તો સોમવાર એટલે પહેલો નહીં ને બીજો પીરિયડ એમનો. બાર વાગ્યે. હજુ તો કેટલા કલાક બાકી ? ચોવીસ ને ચાર એટલે… બસ બસ. આવું ન વિચારાય.
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (25)





