મારું મનગમતું સાહિત્ય – પ્રિમા શાહ

[વિષયપ્રવેશ : વિશ્વકક્ષાની પ્રતિભાને આપણે ક્યારે ઓળખીએ છીએ ? જ્યારે તેમને કોઈ એવોર્ડ કે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે ત્યારે. પરંતુ હકીકતે તો કોઈની પણ પ્રતિભાનો પહેલો પરિચય આપણને એના વિચારો પરથી મળતો હોય છે. બીજને જોઈને તેમાં વૃક્ષની કલ્પના કરી શકાય છે. આપણી આસપાસ એવા ઘણાં બીજ વેરાયેલા પડ્યાં હોય છે જેની પર આપણી દષ્ટિ ત્યારે જ જાય છે જ્યારે એ વિરાટ વૃક્ષમાં પરિણમે છે. વિકાસની પ્રક્રિયાને નજરોનજર જોવાનું સદભાગ્ય ખૂબ ઓછા લોકોને પ્રાપ્ત થતું હોય છે. વૃક્ષ જ્યારે ફળથી સન્માનિત થાય છે ત્યારે દુનિયાની નજર એ વૃક્ષ તરફ જતી હોય છે, એ પહેલાં નહીં !

ઈશ્વરકૃપાએ બીજમાંથી વૃક્ષ બનવા જઈ રહેલી એક પ્રતિભાના સંપર્કમાં આવવાનું થયું ત્યારે સમજાયું કે કુદરત પાસે કેવા કેવા રત્નોનો ખજાનો ભર્યો પડ્યો હશે ! પાંચમા ધોરણમાં ભણતી દશ વર્ષની દીકરીની આ વાત છે. નામ છે એનું ‘પ્રિમા શાહ’ – જેની મુલાકાત આપણે થોડા સમય અગાઉ રીડગુજરાતી પર માણી હતી. આજે તેના વિચારોની અને તેના સર્જન વિશે થોડી વાત કરીશું.

પ્રિમાનો નિકટથી પરિચય ત્યારે થયો જ્યારથી તેણે મારે ત્યાં સાહિત્ય શીખવાનું શરૂ કર્યું. પરંતુ મને પાછળથી ખબર પડી કે એને કશું શીખવવાનું તો હતું જ નહિ ! મહર્ષિ અરવિંદે કહેલું વાક્ય યથાર્થ ઠર્યું કે બાળકોને કદીયે કશું શીખવી શકાય નહીં. એ તો એનું ભાથું લઈને જ આવી હતી. જેમ જેમ એની સાથે વાર્તાલાપ વધ્યો તેમ તેમ એના વિચારોની ગહનતા સમજાઈ. એની આંખોનું ઊંડાણ સ્પર્શયું અને સતત એમ અનુભવાયું કે હું જાણે કોઈ મહાન વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું. એને ક્યારેય બાળવાર્તા કહેવાની જરૂર નથી પડતી. જે સર્વસામાન્ય સાહિત્ય વાચકો માણે છે તે કક્ષાનું સાહિત્ય તે આસાનીથી સમજી શકે છે. ક્યારેક તે મને ધર્મના દશ લક્ષણો ગણાવે છે, કર્મ અને સુખ-દુ:ખની નવી વ્યાખ્યાઓ આપે છે. બોલતા બોલતાં તે એવા પ્રવાહમાં ડૂબી જાય છે કે તમે સ્પષ્ટ અનુભવી શકો કે આ તે નથી બોલતી પરંતુ એને કોઈ બોલાવી રહ્યું છે ! સાહિત્યનો પ્રચંડ પ્રવાહ જ્યારે એની વાણીમાંથી નીકળે છે ત્યારે સતત બે કલાક સુધી મેં એને બોલતા સાંભળી છે. એને ખુદને ખબર નથી કે એ શું બોલી રહી છે. તે કહે છે હું પોતે પણ મને સાંભળતી હોઉં છું. દુ:ખની પરિભાષા સમજાવતા એ કહે છે કે ‘દુ:ખ એટલે એવા પ્રકારનું સુખ કે જેમાં આનંદ ભળે તો મુશ્કેલીઓ હકીકતે મુશ્કેલી નથી લાગતી.’…. તે સંગીતની વ્યાખ્યા નવી રીતે આપે છે. તે કહે છે : ‘સંગીત એટલે કોઈ વ્યક્તિ ગાય અને બીજા તેની વાહ-વાહ કરે એમ નહિ, પરંતુ સંગીત એટલે ગાનાર વ્યક્તિ જેટલો અંતર્મુખ થઈને ગાય છે એટલો જ સાંભળનારને અંતર્મુખ બનાવીને ગાતો કરી દે તો જ એ સાચું સંગીત.’ માનવ જીવનનો હેતુ, ડિપ્રેશનની સમસ્યાનું નિવારણ, વ્યક્તિની અંદરની તાકાત, જીવનને જુદી રીતે જોવાની દષ્ટિ – વગેરે પર અદ્દભુત વાતો એણે વગર અનુભવે કહી બતાવી છે.
વધુ આગળ વાંચો »