આવ હવે ! – રમેશ પટેલ ‘ક્ષ’

મુજ અધર ઉપર તું એક મજાનું સ્મિત થઈને આવ હવે,
નિ:શબ્દ થયા છે શબ્દ બધા, તું ગીત થઈને આવ હવે.

જો મન ઉપવનનાં પંખીઓ પણ મૌન ધરીને બેઠા છે,
એ ગૂંજન કરવા ચાહે છે – સંગીત થઈને આવ હવે.

છે ભીડ મહી પણ એકલતા એ વાત હવે તું સમજી લે,
આ સાવ અજાણી નગરીમાં મનમીત થઈને આવ હવે.

હૈયામાં છે સૂનકાર સતત ને ભાસે છે ભેંકાર બધું,
ધડકન મારી અટકે ના એવી પ્રીત થઈને આવ હવે.

જે રાત-દિવસ ને આઠ પ્રહર બસ તારામાં ભમતું ભાસે,
એ ચંચળ શીતળ નિર્મળ કોમળ ચિત્ત થઈને આવ હવે.

ને આજ બધી આ પરંપરા ને પ્રથા સકળ પળમાં ત્યાગી,
તું ભાવ જગતની એક અનોખી રીત થઈને આવ હવે.

આ ચાહતની ચોપટમાં સઘળું હારી જઈને બેઠો છું,
લે પાસા મારા ફેંક હવે તું જીત થઈને આવ હવે.

ને યુગ યુગથી મુજ ભીતરમાં કંઈ નિત્ય વલોવાતું લાગે,
તું આજ પ્રણયનું મધમીઠું નવનીત થઈને આવ હવે.

આ જ્વાળામુખી સમ બળબળતી જીવન-ક્ષણને નિરખી લે,
જો વિવશતાથી દાઝુ છું – તું શીત થઈને આવ હવે.

હું સ્પર્શ તણાં સ્પંદન સાથે દઉં એક મજાનું આલિંગન,
તું વીજ ઝબકારે ચમકીને ભયભીત થઈને આવ હવે !

ત્રિપથગા – રમેશ પટેલ ‘આકાશદીપ’

[‘ત્રિપથગા’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રમેશભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 951-736-8089 અથવા આ સરનામે rjpsmv@yahoo.com  સંપર્ક કરી શકો છો : પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] જોબન જેવું

Picture 049જોબન જેવું જગમાં, કોઈ દીઠું ના આજ
અંગઅંગમાં ઊછળે કંઈક અજબ ગજબનું રાઝ

દૂર ગગને માંડું નજરું, મીઠા ભાળું સાદ
ઢોલ ધબૂકે અંતર હરખે, ઝરમર વરસે નાદ

કૂવા કાંઠે નદી તટે, છલકે ગાગરે પ્રીત
મન મોગરો મહેકે મહેકે, ગાતાં ગાતાં ગીત

એકલ ખૂણે એકલ પંડે, એકલું હરખે મુખ
સ્વપ્નમાં શણગાર ધરુંને, સ્વર્ગનું ભાળું સુખ

હું હસું ને હસે જગ, મલકે યૌવન હીર
સાગર તીરે મોજાં ઊછળે, મનડું થાયે અધીર

કોઈ આવી દિલમાં વસે, રમે અંતરે આશ
જોબન જેવું જગમાં કોઈ ના દીઠું ચોપાસ

જોબન જાતાં વાર ના લાગે, માણીલો મલકાટ
ઝીલો જિંદગીએ, મસ્તીલો રંગીલો જોશીલો ચળકાટ
વધુ આગળ વાંચો »