વાર્તાઉત્સવ – સં. રોહિત શાહ
Thursday, December 3, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : રોહિત શાહ · 24 પ્રતિભાવો
[થોડા સમય અગાઉ ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા નવોદિતો તરફથી વાર્તાઓ મંગાવવામાં આવી હતી. જેમનું કોઈ પણ પુસ્તક પ્રકાશિત ન થયું હોય તેવા પંચોતેર નવોદિતોની સુંદર કૃતિઓનો સમાવેશ કરીને તાજેતરમાં આ પ્રકાશન સંસ્થા દ્વારા ‘વાર્તાઉત્સવ’ રૂપે આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. નવોદિતોની વાર્તાનો કોઈ પુસ્તકમાં સમાવેશ થાય એ ઉત્સવની ઘટના જ ગણાય ને ! આથી આ પુસ્તકનું નામ વાર્તા ઉત્સવ રાખવામાં આવ્યું છે. આજે માણીએ તેમાંથી બે સુંદર કૃતિઓ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]
[1] વેલેન્ટાઈન-ડે – નમ્રતા શૈલેષ દેસાઈ
[ નવોદિત યુવા સર્જક શ્રીમતી નમ્રતાબેને (સુરત) ગુજરાતી સાહિત્ય સાથે એમ.એ. કરેલું છે. તેમની કેટલીક કૃતિઓ જાણીતા અખબારમાં સ્થાન પામી છે. આપ તેમનો આ નંબર પર +91 9925438103 અથવા આ સરનામે shail900@hotmail.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]
લીલાબા બાથરૂમમાં નાહવા જ જતાં હતાં ને ત્યાં તો નિકિતાની બૂમ સંભળાઈ :
‘દાદી, ઊભી રહે ! મને પહેલાં જવા દે, મારે મોડું થાય છે.’
‘પણ છે શું આજે ? સવારથી જ તું બાવરી-બાવરી થઈને આમતેમ ફરે છે તે !’
‘દાદી, તને એ બધું ન સમજાય. પછી શાંતિથી કહીશ. પહેલાં મને નાહી તો લેવા દે !’ નિકિતા જે દિવસની આતુરતાથી રાહ જોતી હતી તે દિવસ – પ્રેમીઓ માટે ઓળખાતો વેલેન્ટાઈન-ડે આજે આવી પહોંચ્યો હતો.
આશુતોષની માયાજાળમાં નિકિતા સવારથી ઉધામા મારતી હતી. નિકિતાની જોડે જ કૉલેજમાં ભણતો આશુતોષ દેખાવડો અને સંસ્કારી હતો. ટૂંકમાં જ વાત. ઝાઝી લપનછપ્પન એને ફાવે નહીં. ઓછાબોલો. પોતાની જરૂરિયાત પણ ભાગ્યે જ કહી શકતો. પણ નિકિતા મૅડમ ગમે ત્યાંથી એની જોડે વાત કરવાના અવસરો શોધતી જ હોય – કલાસમાં, કૅન્ટિનમાં, હૉલમાં કે પાર્કિંગમાં…. કોઈ દિવસ પુસ્તક, તો કોઈ દિવસ લેકચર, ક્યારેક વળી કોઈ પ્રોફેસર, તો કોઈક વાર જી.એસ.ની ચૂંટણી હોય. નિકિતા પાસે દરેક વિષય આશુતોષ માટે જરૂરી જ થઈ જતો. એટલે જ આજે હળવાફૂલ થઈને હૈયાની વાત હોઠે લાવવાની તક આવી મળી હતી. નવો ડ્રેસ, નવું પર્ફયુમ, ઈમિટેશન જ્વેલરી, હેરસ્ટાઈલ અને એક જોડ સરસ મજાની ગિફટ. ગિફટની જોડેજોડે શબ્દોનો ભીનીભીની સુગંધવાળો દરિયો પણ એણે વહેતો મૂક્યો હતો. આજે વહેણમાં ડૂબી જવાની તો તૈયારી જ ચાલી રહી હતી.
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (24)
સમીક્ષા – રોહિત શાહ
Friday, July 24, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : રોહિત શાહ · 22 પ્રતિભાવો
[ ‘નારી, તું તો ન્યારી !’ પુસ્તકમાંથી (આવૃત્તિ : 1990) સાભાર.]
સમીક્ષાને હું નાનપણથી ઓળખું.
શ્રીમંત માતાપિતાની એકની એક દીકરી. લાડકોડમાં ઉછરેલી એટલે જરા સ્વતંત્ર મિજાજની. કોઈ વખત જીદ ઉપર આવી જાય તો તોબા કરાવી મૂકે ! આડોશ-પાડોશમાં ય કોઈ એનું નામ ન લે ! એની છાપ જ એવી પડેલી કે સૌ એનાથી ચેતીને ચાલે.
પડોશમાં રહેતા નંદુકાકા અવારનવાર પુસ્તક માગવા આવે. એક વખત સમીક્ષા એકલી હતી ને નંદુકાકા આવ્યા :
‘કેમ, બેટા સમીક્ષા ! ઘરમાં બીજું કોઈ નથી ?’
‘ના, બધાં બહાર ગયાં છે. અને આજે તમને કોઈ પુસ્તક મળે તેમ પણ નથી !’
‘લે, તને કોણે કહ્યું કે હું પુસ્તક લેવા આવ્યો છું ?’
‘એ તો હું તમને ઓળખું જ છું ને !’
‘એટલે ?’
‘તમે સાહિત્યના શોખીન છો.’
‘એ વાત ખરી, બેટા ! મને તો બાળપણથી જ સારાં સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે ! મારાં ફોઈ બા તો કહેતાં હતાં કે હવે મારો બીજો જન્મ ઉધઈ રૂપે જ થશે !’ કહીને નંદુકાકા હસી પડ્યા.
‘પણ એક વાત કહું, નંદુકાકા ?’
‘હા, કહે ને !’
‘તમને સાહિત્યનો શોખ હોય તો પોતાના પૈસા વાપરવા જોઈએ. પાડોશીનાં મફતિયાં પુસ્તકો વાંચવાની આદતને શોખ ન કહેવાય, પણ કુટેવ કહેવાય !’ સમીક્ષા બોલી. એનો વ્યંગ્ય સાંભળીને નંદુકાકાનો ચહેરો એવો તો ઓશિયાળો થઈ ગયો કે ન પૂછો વાત ! ત્યાં તો સમીક્ષાએ ઉમેર્યું, ‘ને તમે તો ઘણી વખત, વાંચવા લઈ ગયેલાં પુસ્તકો પાછાં ય નથી આપતા ! અમે યાદ કરાવીએ ત્યારે પાછાં આપો છો !’ બસ, એ દિવસથી નંદુકાકા પાડોશમાં કોઈને ત્યાં પુસ્તક તો શું છાપું લેવાય કદી ગયા નહિ !
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (22)
નયનાબહેન – રોહિત શાહ
Monday, June 29, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : રોહિત શાહ · 26 પ્રતિભાવો
[‘પરિચયનાં પારિજાત’ પુસ્તકમાંથી સાભાર. ]
‘કહું છું…..’
‘કહો.’
‘આજે રાસબિહારીભાઈ આવ્યા હતા.’
‘રાસબિહારીભાઈ ? અહીં, ઘેર શા માટે આવ્યા હતા ?’
‘આમ તો તમને મળવા જ આવેલા, પણ તમે ઑફિસે હતા. એમનું વીઝીટિંગ કાર્ડ મૂકતા ગયા છે.’
‘કંઈ ખાસ કામ માટે આવેલા ?’
‘કામ તો કંઈ કહ્યું નથી, એ તમને પછી ફોન કરશે.’ કહીને નયનાબહેને તેમના પતિ વાડીલાલ સામે જોયું ને બોલ્યાં, ‘મને તો રાસબિહારીભાઈનો સ્વભાવ બહુ જ ગમ્યો.’
વાડીલાલ થોડીકવાર નયનાબહેનની આંખોમાં તાકી રહ્યા, પછી બોલ્યા, ‘એવી તે શી વાત બની ગઈ, કે તમને એમનો સ્વભાવ બહુ જ ગમી ગયો ?’
‘વાત તો એવી શી થાય, પણ….’ નયનાબહેન અટકી ગયાં.’
‘કેમ, શું થયું ?’
‘તમને તમારી ઑફિસમાં પર્ચેઝ ઑફિસર થયાને કેટલા વરસ થયાં ?’
‘ચાર વરસ ને ચાર માસ. પણ તમારી વાત મને સમજાઈ નહીં !’ વાડીલાલે માથુ ખંજવાળ્યું.
‘રાસબિહારીભાઈ કહેતા હતા કે તમે મોટા સાહેબ છો, તોય તમારા ઘરમાં કલર ટી.વી. પણ નથી ?’
‘એટલે ?’ વાડીલાલ ચોંક્યા.
‘એ ભલા માણસ તો કહેતા હતા કે સાહેબ કહે તો એક જ દિવસમાં એ પોતે જ એક રંગીન ટી.વી. આપણને ભેટ આપે !’
વાડીલાલના મનમાં થોડી ગડ બેઠી. એ બોલ્યા, ‘તમે જાણો છો, રાસબિહારીભાઈ આપણને રંગીન ટી.વી. શા માટે ભેટ આપવા માગતા હશે ?’
‘એમાં શી નવાઈની વાત છે ? તમારે એમની કંપનીને કંઈક મોટો ઓર્ડર આપવાનો હશે.’
‘મોટો ઓર્ડર તો આપવાનો જ છે, પણ એમના ભાવ ઊંચા છે.’
‘ભાવ ઊંચા છે તો માલ પણ સારો જ હશે ને ?’
‘સારા માલનો ઊંચો ભાવ લેનારા એજન્ટો આમ મફત કલર ટી.વી.ની લ્હાણી કરવા ન નીકળે !’
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (26)





