પ્રેમ કરવાની કલા – સુરેશ પરીખ
[‘વિચારવલોણું’ના સ્થાપક આદરણીય શ્રી સુરેશભાઈના (વલ્લભ વિદ્યાનગર) પુસ્તક ‘મન હોય તો માળવે જવાય’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9726366704. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
દુનિયામાં સૌથી શક્તિશાળી શું છે ? એનો જવાબ એક જ શબ્દથી આપી શકાય – પ્રેમ. આટલા વિશાળ અર્થમાં ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ કરીએ તો એરીક ફ્રોમનું પુસ્તક ‘પ્રેમ કરવાની કલા’ આ અંગે વિસ્તૃત સમજણ આપે છે. લેખક ખૂબ સુંદર, સચોટ અને સ્પષ્ટ રીતે સમજાવે છે કે પોતાના સમગ્ર વ્યક્તિત્વના વિકાસ વિના પ્રેમ સમજવો-આચરવો લગભગ અશક્ય છે. નમ્રતા, હિંમત, શ્રદ્ધા, શિસ્ત વગેરે ગુણો વિના પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો નિરર્થક છે. જે વાતાવરણમાં – જે સમાજમાં આ ગુણ જવલ્લે જ હોય ત્યાં પ્રેમ કરવાની કલા સાધ્ય કરવી એટલી જ મુશ્કેલ બની રહેવા સંભવ છે.
આપણામાંના મોટાભાગના એ ભ્રમમાં હોય છે કે પ્રેમ કરવો – થઈ જવો – અનુભવવો એ નસીબની વાત છે. પરંતુ ખરેખર તો ‘પ્રેમ કરવો’ એ એક કલા છે. અને સંગીત, સુથારીકામ, ઈજનેરી, ચિત્રકામ વગેરે અનેક કલાઓ માફક પ્રેમ પણ એક સાધના-તપ માંગી લે છે. પ્રેમ કરવાની કલાને સિદ્ધ કરવા માટે કેટલીક આવશ્યક વિગતો સૈદ્ધાંતિક રીતે સમજી લઈને, તેને જીવનમાં રોજ-બરોજના વ્યવહારોમાં સક્રિય-રચનાત્મક-જીવંત રીતે વણી લેવી જોઈએ. આપણી એ કલા સિદ્ધ કરવાની ઝંખના કેટલી તીવ્ર છે તેના પર આપણા પ્રયત્નની સફળતાનો આધાર રહેશે.
પ્રેમની કલા સાધ્ય કરવામાં બે-ત્રણ ગેરસમજ નડતરરૂપ બને છે. દરેક વસ્તુને વિનિમયાર્થે મૂલવીને જીવનના બધા વ્યવહારોમાં સોદાબાજી કરવામાં મશગૂલ રહેલા એવા આપણે સૌ ‘જીવંત વ્યક્તિઓ’ને પણ સોદાબાજીની વસ્તુ ગણી લઈએ છીએ. એટલે પછી પોતાની લાયકાત, મર્યાદા વગેરે સમજી લઈને તે/તેણી સામેનું પ્રેમપાત્ર શક્ય એટલું ઉપયોગી, સારું મેળવવા પ્રયત્નશીલ બને છે. ‘પ્રેમ કરવા’ કરતાં ‘પ્રેમ મેળવવા’ તરફ આપણા સૌનું લક્ષ્ય વધુ રહે છે. એટલે પ્રેમ મેળવવા માટે જરૂરી માની લીધેલું એવું વ્યક્તિત્વ દેખાડવામાં (કેળવવામાં નહીં) સતત કાળજી રાખીએ છીએ. આ પ્રક્રિયામાં વ્યક્તિ નમ્ર, શક્તિશાળી, પૈસાદાર, રીતભાતમાં સુંદર, વાતચીત કરવામાં આકર્ષક દેખાવા ખાસ પ્રયત્નો કરે છે. વળી, પ્રેમની બાબતમાં બીજી ભૂલ એ કરાય છે કે પ્રેમમાં ‘યોગ્ય પાત્ર’ મેળવવાનો પ્રશ્ન સૌ માની લ્યે છે અને ‘પ્રેમ કરવાની શક્તિ’ જ મુખ્ય સવાલ છે એ તરફ પૂરતું ધ્યાન નથી અપાતું. પરિણામે આપણે એમ માનીએ છીએ કે પ્રેમ કરવાનું બહુ સહેલું-સરળ છે. પરંતુ ખરી મુશ્કેલી તો પ્રેમ કરવા યોગ્ય પાત્ર મેળવવાની છે. સત્ય હકીકત આનાથી સાવ વિરુદ્ધની છે. પ્રેમ કરવાની કલા સિદ્ધ કરનારને ‘પાત્ર’નો પ્રશ્ન નડતો જ નથી.
વધુ આગળ વાંચો »
એક પ્રવચન – સુરેશ પરીખ
[આદરણીય સુરેશભાઈ પરીખ ‘વિચાર વલોણું’ પરિવારના સંસ્થાપક હોવાની સાથે અનેક ઉત્તમ સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે આજે 76વર્ષની ઉંમરે પણ સંકળાયેલા છે. તેમના સન્માનમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘મન હોય તો માળવે જવાય’ માંથી પ્રસ્તુત છે તેમનું એક વક્તવ્ય. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી સુરેશભાઈનો (વલ્લભવિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9825852702. ]
અધ્યાપક મિત્રો, વિદ્યાર્થી ભાઈ-બહેનો અને અન્ય આમંત્રિતો,
પ્રથમ તો તમારી સમક્ષ મારા વિચારો રજૂ કરવાની તક આપવા બદલ વ્યવસ્થાપકોનો આભાર માનું છું. હું તમને ખાતરી આપું છું કે મારી પાસે એવી કોઈ આદર્શની વાતો, તત્વજ્ઞાન કે સલાહ સૂચનો નથી કે જે તમે વિના વિચાર્યે સ્વીકારો અને તે મારફત તમે સુધરી જાવ અને તમારી જીવનપદ્ધતિ વધુ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય. ખરેખર તો હું મારી કેટલીક વિચારણા અને ગૂંચવાડા તમારી સમક્ષ મૂકવા માંગું છું અને એને આધારે કેટલીક સહવિચારણા થાય તો કેટલાક વલણ-વૃત્તિ-વ્યવહાર અંગેના ખ્યાલો જાણો અને તેના પર વિચાર કરી ઠીક લાગે તેવું તેટલું સ્વીકારો. આજે આપણી આસપાસ જે વાતાવરણ-પરિસ્થિતિ છે તેનો તમને સંતોષ હોય તો હું એટલું ધ્યાન દોરવા આવ્યો છું કે તમે જાણો-સમજો છો એવી કોઈ સંતોષકારક વાત છે નહીં.
તમારી આ ઉંમરે અને તબક્કે તમારી સમક્ષ કેટલીક વિગતો, તથ્યો, માહિતી મૂકવા માંગું છું જે કદાચ તમોને તમારા સમગ્ર-સ્વસ્થ વિકાસ માટે કાર્યાન્વિત કરે. તમોને કદાચ ખબર હશે જ કે વર્ષો સુધી મુખ્યત્વે સ્ટ્રકચરલ એન્જિનીયરીંગ અને અન્ય ઈજનેરી વિષયો પૂર્વસ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ ભણાવતો હતો. વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસની વાતો – કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, આર્ટીફિશીઅલ ઈન્ટેલીજન્સ વગેરેનો ખ્યાલ મને છે. આ બધું એટલા માટે કહું છું કે એક વખત હું મારા વિચારો રજૂ કરું ત્યારે તમારામાંના કેટલાકને એવો ખ્યાલ ન આવે કે વિજ્ઞાન-ટેકનોલોજીની વાતોથી અજાણ એવું કોઈ અહીં આવી ગયું કારણ કે દરવાજા ખુલ્લા હતા અને તેથી મને તમારી સમક્ષ આવતો કોઈએ અટકાવ્યો નહીં.
આમ તો મારી વાત સીધી-સાદી અને સરળ છે. તમારામાંના ઘણા બધા કોઈને કોઈ છાપું વાંચતા હશે. તંત્રીલેખ વગેરે નહીં જોવાતા હોય તો પણ ઓછામાં ઓછું ‘હેડલાઈન’ તો વાંચતા જ હશો. હું હેડલાઈનની વાત એટલા માટે કરું છું કે છાપાઓની હેડલાઈનોમાં બહુ ફેરફાર હોતા નથી. તો આ ઉંમરે તમારી જે કાંઈ બુદ્ધિ-કુશળતા-સમજદારી છે તેને આધારે બે-ત્રણ દિવસની જ હેડલાઈન વાંચો તો તમારે એવા અનુમાન પર આવવું પડે કે આ દુનિયામાં કોઈ ઠેકાણે કશું સીધું ચાલતું નથી. આપણી આજુબાજુ એક એવી નઘરોળ પરિસ્થિતિ છે, એક એવું બિનજવાબદાર વાતાવરણ છે કે આ દુનિયા માણસને જીવવાલાયક રહી નથી. આજે તમો જો નક્કી કરો કે મારે માણસ તરીકેનું જીવન જીવવું છે તો આજથી તમારી તકલીફો, મુશ્કેલીઓમાં વધારો થશે. જો તમો આ વાતો સામન્યત: સ્વીકારો – કબૂલ કરો – સંમત થાવ તો આપણે પૂછવું જોઈએ કે છેલ્લાં ત્રણસો વર્ષના અને ખાસ કરીને ત્રીસ વર્ષનાં વિજ્ઞાન-ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં જે વિકાસ થયાની વાતો કરીએ છીએ, તેનો શું અર્થ ? કોઈક ફિલસૂફે કહ્યું છે તેમ આપણને પંખી કરતાં વધુ સારી રીતે ઊડતાં આવડે છે, માછલી કરતાં વધુ કુશળતાથી પાણી નીચે રહી શકીએ છીએ પણ માનવી તરીકે પૃથ્વી પર કેવી રીતે જીવવું તે આવડતું નથી. કહે છે કે ‘નહીં માનવીથી અદકેરું કાંઈ’ (મેન ઈઝ ધ મેઝર ઑફ ઑલ થીંગ્ઝ). આ સંદર્ભે આપણા વિકાસની વાતો મૂલવીશું ખરા ? અમીબાથી અણુયુગ સુધીનો સારો એવો વિકાસ કર્યો છે પણ તેની સાથે ડગ માંડી તાલ સે કદમ ચાલી શકે એવો આંતરિક વિકાસ સધાયો નથી. પરિણામે વધતા જતા સાધન-સંપત્તિ-સગવડ સાથે પણ જીવન સુખમય નથી.
વધુ આગળ વાંચો »





