પ્રશ્નોત્તરી – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિશ્વરજી
[ સદવિચાર પરિવાર દ્વારા પ્રકાશિત થતા ‘સુવિચાર’ સામાયિકના ‘કન્યા કૌમાર્યરક્ષા વિશેષાંક’માંથી સાભાર.]
[1]
પૂ. મહારાજ સાહેબ,
સ્ત્રી-સ્વાતંત્ર્યનો આ યુગ છે. ક્ષેત્ર ચાહે બજારનું છે કે વેપારનું છે, શિક્ષાનું છે કે રમતગમતનું છે, નોકરીનું છે કે કૉલેજનું છે, હવાઈ સફરનું છે કે જમીન સફરનું છે, એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીએ પગપેસારો ન કર્યો હોય અને સફળતાનાં શિખરો સર કર્યાં ન હોય અને એ છતાંય પુરુષવર્ગ આજેય સ્ત્રીઓનું શોષણ કરવાનું જાણે કે મિશન લઈને બેઠો હોય એવું સતત દેખાઈ રહ્યું છે. શું ક્યારેય પુરુષવર્ગના આ વિકૃત માનસમાં પરિવર્તન જોવા નહીં મળે ?
લિ. કૃપા.
જવાબ :
કૃપા,
‘સ્ત્રી-સ્વાતંત્ર્ય’ને બદલે જ્યાં સુધી ‘સ્ત્રી-સદભાવ’નો યુગ શરૂ નહીં થાય ત્યાં સુધી સ્ત્રી ચાહે એવરેસ્ટના શિખર પર પહોંચી જાય કે ચન્દ્ર (?) પર પહોંચી જાય, લશ્કરના સેનાધિપતિપદે પહોંચી જાય કે આ દેશના વડાપ્રધાન પદે બિરાજિત થઈ જાય, પુરુષવર્ગ તરફથી થતાં સ્ત્રીના શોષણમાં કોઈ જ ફરક પડવાનો નથી.
એક વાત તને કરું ?
જેઓએ પણ ‘સ્ત્રી-સ્વાતંત્ર્ય’નો નારો ગજવ્યો છે એમને કદાચ આ હકીકતની ખબર નહીં હોય કે અહીં સ્ત્રીને વ્યક્તિ માનવામાં નથી આવતી, વસ્તુ જ માનવામાં આવે છે. વસ્તુનો માણસ ઉપભોગ કરે છે, ઉપયોગ કરે છે પણ ઉપાસના તો નથી જ કરતો ને ? બસ, એ જ ન્યાયે સ્ત્રી આજે ઉપયોગની અને ઉપભોગની વસ્તુ બની ગઈ છે.
જાહેરાત ચાહે ગાડીની કરવી છે કે ઘડિયાળની કરવી છે, ફ્રિજની કરવી છે કે ટૂથપેસ્ટની કરવી છે, સાબુની કરવી છે કે દંતમંજનની કરવી છે, પેન્સિલની કરવી છે કે પેનની કરવી છે; બસ બધે જ સ્ત્રીને હાજર કરી દો અને સ્ત્રી પણ આધેડ નહીં, પ્રૌઢા કે વૃદ્ધા નહીં, યુવાન દેખાય એવી જ ! એ યુવાન સ્ત્રી પણ મર્યાદાસભર વસ્ત્રોમાં નહીં પણ ઉદ્દભટ (ઉત્તેજક) વસ્ત્રોમાં હોય તેને જ ! શું દર્શાવે છે આ ? એ જ કે સ્ત્રી એ ઉપયોગની જ વસ્તુ ગણવામાં આવે છે. જ્યાં પણ તમારા સ્વાર્થને પુષ્ટ કરવા એનો ઉપયોગ થઈ શકતો હોય ત્યાં ઉપયોગ કરી લો. એમ કરવા જતાં એક વાર હજારો, લાખો નહીં પણ કરોડો રૂપિયા વેરવા પડતા હોય તો વેરી દો, એને બજારમાં ફરતી કરવી હોય તો કરી દો, એને કુટુંબથી વિખૂટી પાડવી હોય તો પાડી દો, એના બાળકથી એને દૂર રાખી દેવી પડતી હોય તો રાખી દો, પણ એનો-એના શરીરનો-એના રૂપનો પૂરેપૂરો ઉપયોગ કરી જ લો !!
વધુ આગળ વાંચો »
હું મારી જ શોધમાં – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
[‘હું મારી જ શોધમાં’ પુસ્તકમાંથી સાભાર.]
[1] ઝૂકનારો જીતે
સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું. નદી કહે, ‘કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેય બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત જેવા હાલ-બેહાલ થઈ જશે.’
સાગર હસ્યો, ‘બહેન ! એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’
નદી તો ઊપડી નેતરની સોટી લેવા. ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કૂદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર વળી પાછું ઊભું થઈ ગયું. આ જોઈને નદી વધુ ગુસ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કૂદી પણ પરિણામ એનું એ જ ! આખો દિવસ નદીનાં આક્રમણો ચાલુ રહ્યાં. નેતર ન તૂટ્યું ! હારી-થાકીને નદી સાગર પાસે આવી.
‘કેમ બહેન ! નેતર ક્યાં ?’
‘ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’
‘જો, આ રહ્યું તેનું કારણ ! પર્વતને તું તોડી શકી; કારણ કે તે અક્કડ હતો. નેતરને તું તોડી ન શકી; કારણ કે તે નમી ગયું હતું ! આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓનાં પાણી ઉતારવાં સહેલાં છે; પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !’ સાગરની આ વાત સાંભળી નદી મૌન થઈ ગઈ ! આધ્યાત્મિક જગતમાં આ વાત ખૂબ મહત્વની છે. અક્કડ રહેનારાઓ હારી ગયા છે અને ઝૂકી જનારાઓ જીતી ગયા છે !
વધુ આગળ વાંચો »
જ્યારે બારી ખૂલી જાય છે – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
[સુપ્રસિદ્ધ જીવનપ્રેરક પુસ્તક ‘જ્યારે બારી ખૂલી જાય છે’ માંથી સાભાર.]
[1] ‘અધિક’ની લાલસા
સ્વતંત્ર આકર્ષક બંગલો, આંગણે શોભતી ત્રણ ગાડીઓ, સમાજમાં જામેલી પ્રચંડ પ્રતિષ્ઠા, શરીર પર ઝૂલતા અલંકારો, ત્રણ ફૅક્ટરીઓ, વરસે પાંચ કરોડનું ટર્ન-ઓવર. આ બધું તમને ‘સુખી’ જાહેર કરવા માટે પર્યાપ્ત છે. આવું બધું જેને ત્યાં હોય એ ‘સુખી’ જ હોય એવું તમારી આજુબાજુનો વર્ગ અચૂક માનતો હોય છે અને એટલા માટે જ એમાંના જેની પણ નજરે તમે ચડો છો એની આંખમાં તમે ‘સુખી’ તરીકે અચૂક પ્રતિષ્ઠિત થઈ જાઓ છો.
પણ મારે તમને વાત એ કરવી છે કે સમાજની નજરે ‘સુખી’ જાહેર થવું એ જુદું, સમાજ વચ્ચે ‘સુખી’ દેખાવું એ જુદું અને સાચા અર્થમાં ‘સુખી’ હોવું એ જુદું. સામગ્રીની વિપુલતા તમને સુખી જાહેર કરે છે જ્યારે સંતોષનો સદગુણ તમને સુખી બનાવે છે. સામગ્રીની અલ્પતાવાળાને સમાજ સુખી માનવા તૈયાર નથી જ્યારે સંતોષની કચાશવાળો ખુદ પોતાની જાતને સુખી માની શકતો નથી. નગ્ન સત્ય આ હોવા છતાં આજના માણસને કોણ જાણે કેમ, પણ સુખી બનવામાં એટલો રસ નથી, જેટલો રસ સુખી દેખાવામાં છે. શાંતિથી ઘરને ખૂણે બેસીને રોટલી, દાળ ખાવાનું ટાળીને અશાંતિ સાથે દોડતા દોડતા મીઠાઈ ખાવાના અભરખા એના વધુ છે. ‘સામગ્રી વધુ તો સુખ વધુ’ આ સૂત્રને જીવનનો ‘ટ્રેડમાર્ક’ બનાવવામાં એ જેટલું ગૌરવ અનુભવે છે એટલી જ હીણપતની લાગણી એ ‘સંતોષ વધુ તો સુખ વધુ’નું સૂત્ર સાંભળતા અનુભવે છે.
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



